Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

બૌદ્ધ ગુફામાં વિજ જોડાણ - પાણીની લાઈન નખાશે

વિશાળ કેમ્પસમાં સાફસફાઈ, માર્ગ ઉપર વૃક્ષારોપણ થશે : ખંભાલીડા બૌદ્ધગુફાના વિકાસ માટે ડે. કલેકટર રાજેશ આલે સુચનાઓ આપી

રાજકોટ : ૧૮૦૦ વર્ષ જૂની પ્રાચીન બૌદ્ધગુફા, ખંભાલીડા ખાતે પ્રવાસન વિકાસના આયોજન સાથે પ્રવાસીઓ માટે સુવિધાજનક પ્રવાસન સ્થળ મંજૂર થયેલ અને માર્ચ ૨૦૧૧માં તેનંુ ખાતમુહૂર્ત તત્કાલીન નાણામંત્રીશ્રીના હસ્તે થયુ. તત્કાલીન પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસે મંજૂર કરેલ. આ યોજના સાકાર કરવા રાજકોટના સ્ટાર આર્કિટેકટને ડિઝાઈન કાર્ય સોંપવામાં આવેલ.

 

ખાસ બૌદ્ધ સ્થાપત્ય મુજબની ડિઝાઈન તૈયાર કરવા આર્કિટેકટને ધરમશાલા જઈ બૌદ્ધ સ્થાપત્યનો અભ્યાસ કરવા જણાવેલ, તૈયાર થયેલ ડિઝાઈન મુજબ ઉતરવાના રૂમ, લાયબ્રેરી, વિશાળ પ્રાર્થના હોલ જેમાં વિશાળ બૌદ્ધ પ્રતિમા, ભોજનાલય, મ્યુઝીયમ માટે કુલ પાંચ બિલ્ડીંગ બનાવવામાં આવ્યા. જેનું ૮૫% કાર્ય પૂરૂ થયુ. પરંતુ છેલ્લા પાંચ વર્ષ થયા પ્રવાસન સ્થળનું બાંધકામ અટકી ગયેલ.

તાજેતરમાં રાજકોટ જીલ્લા કલેકટરશ્રીએ પ્રવાસન સ્થળની કામગીરી પૂરી કરવા કાર્યવાહી શરૂ કરેલ છે. જે અનુસંધાને વધારાની ગ્રાન્ટ ફાળવવા સરકારને દરખાસ્ત મોકલવામાં આવેલ છે અને ગોંડલ પ્રાંત, નાયબ કલેકટર શ્રી રાજેશભાઈ આલના અધ્યક્ષસ્થાને એક વિકાસ સમિતિ બનાવવામાં આવેલ છે. જે વિકાસ કાર્યોની સમીક્ષા કરવા સ્થળ પર સતત કાર્યશીલ રહેશે. સમિતિમાં મામલતદાર ગોંડલ, ઉપરાંત પી.જી.વી.સી.એલ., ફોરેસ્ટ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓ, તલાટીઓ, સરપંચ ખંભાલીડાનો સમાવેશ કરવામાં આવેલ છે.

તાજેતરમાં ખંભાલીડા ખાતે મળેલ બેઠકમાં બૌદ્ધગુફા અને પ્રવાસન સ્થળ અંગે સતત રજૂઆતો કરી રહેલ શ્રી જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયાને પણ આમંત્રિત કરવામાં આવેલ હતા.

બાહોશ અધિકારીની છાપ ધરાવતા યુવાન ડે. કલેકટર શ્રી રાજેશભાઈ આલે ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ચર્ચા કરી શકય તેટલુ જલ્દી કાર્ય કરી પ્રવાસન સ્થળ પરથી ફેઈમે વિજળી રોકાણ, પાણી જોડાણની લાઈન, વિશાળ કેમ્પસની જરૂરી સાફસફાઈ, માર્ગ પર બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ બાબતે નિર્ણય લઈ વિકાસ સમિતિની બેઠકમાં તાત્કાલીક ઘટતી કાર્યવાહી કરવા સુચના આપેલ અને પોતે સતત સ્થળ પર તપાસ કરશે તેમ પણ જણાવેલ હતું.

નોંધનીય છે કે પ્રવાસન વિભાગના કેબીનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ તાજેતરમાં જ બની રહેલ પ્રવાસન સ્થળ અને બૌદ્ધ ગુફાની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કરેલ હતું.

(1:03 pm IST)