Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

આનંદો : દરિયાઈ જીવ સૃષ્ટિના ચાર વર્ષ બાદ થઇ શકશે દર્શન : પિરોટન ટાપુ પર જવા મળશે મંજૂરી

પિરોટન ટાપુએ દરીયાઈ જીવ સુષ્ટીને નિહાળવા, તેનો અભ્યાસ કરવા માટેનુ શ્રેષ્ઠ સ્થળ ગણાય છે.

જામનગર :દરીયાઈ જીવસુષ્ટી માટે સ્વર્ગ ગણાતી જગ્યાએ એટલે પિરોટન ટાપુ જે મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળ આવે છે. ડીસેમ્બર 2017થી અહીં જવા પર વનવિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જે આ વખતે પ્રતિબંધ દુર થતા મુલાકાતીઓ પરવાનગી લઈને જઈ શકે. પિરોટન ટાપુએ દરીયાઈ જીવ સુષ્ટીને નિહાળવા, તેનો અભ્યાસ કરવા માટેનુ શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. પિરોટન કોઈ પીકનીક સ્પોટ નહી પરંતુ દરીયાઈ જીવ સૃષ્ટિની નિવાસસ્થાન ગણાય છે. અહીં જવા, રહેવા માટે પ્રર્યટન સ્થળ જેવી સવલતો નથી. પરંતુ કેટલી મુશ્કેલી સાથે પણ પ્રકૃતિ પ્રેમીઓ અહીંની મુલાકાત લેતા હોય છે. પરવાનગી માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળના પિરોટન ટાપુની મુલાકાત સમયે પરવાના ધારક દ્વારા રજુ કરવાની થતી બાંહેધરી નીચે મુજબ રહેશે.

દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા માટે વન વિભાગ પાસેથી નિયત પરવાનગી પ્રાપ્ત થયા બાદ જ મુલાકાત લઇ શકાશે.

• દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત માટે વન વિભાગ ઉપરાંત અન્ય વિભાગોની પરવાનગી લેવાની આવશ્યક રહેતી હોય તો, અન્ય વિભાગો તરફથી જરૂરી પરવાનગી પ્રાપ્ત થયા બાદ, જે-તે વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ નિયમો / માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

• પરવાના ધારકે એ બાબત ધ્યાને લેવાની રહેશે કે તેમને આપવામાં આવતી પરવાનો/પરમીટ બિન તબદીલીપાત્ર પ્રકારની હશે, જે અન્ય કોઇપણ વ્યક્તિને તબદીલ કરી શકાશે નહી. જે વ્યક્તિઓના નામે પરમીટ ઇશ્યુ કરવામાં આવેલ હશે, તેમના સિવાય અને તેમના બદલે અન્ય કોઇપણ વ્યક્તિ દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન / દરિયાઇ અભયારણ્ય વિસ્તારની મુલાકાત લઇ શકશે નહી.

• દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત એક દુર્ગમ પ્રવાસ હોય, જેમાં આવાગમન મુશ્કેલ હોય, નાના બાળકો / વૃદ્ધો / તબીબી રીતે અસ્વસ્થ / દિવ્યાંગ વ્યક્તિઓ આ વિસ્તારની મુલાકાત ટાળે એ સલાહભર્યુ છે. તેમ છતા જો ઉક્ત કોઇપણ પ્રકારના વ્યક્તિઓ દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન / દરિયાઇ અભયારણ્ય વિસ્તારની મુલાકાત લેવા ઇચ્છતા હોય તેવા કિસ્સામાં, 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે તેમના વાલી તેમજ અન્ય કિસ્સામાં સંબંધિત વ્યક્તિ સંપૂર્ણપણે જવાબદાર રહેશે. 18 વર્ષથી ઓછી વયના બાળકો સાથે કોઇપણ એક વાલી હોવા ફરજીયાત છે. 18 વર્ષથી ઓછી વયના બાળકોને કોઇપણ સંજોગોમાં એકલા પરમીટ ઇશ્યુ કરવામાં આવશે નહી.

• પરવાના ધારક વન વિભાગના સ્ટાફ / ગાઇડ / અધિકૃત માણસ વિના તથા નિયત કરવામાં આવેલ વિસ્તાર સિવાય કોઇપણ જગ્યાએ જઇ શકશે નહી.

• પરવાના ધારક અભયારણ્ય વિસ્તારમાં આગ લગાવી શકશે નહી.

પરવાના ધારક કોઇપણ પ્રકારના હથિયાર, અન્ય વિસ્ફોટક પદાર્શ, જ્વલનશીલ પદાર્શ કે ઝેરી પદાર્શ લઇ જઇ શકશે નહી.

• પરવાના ધારક અભયારણ્ય વિસ્તારની સુર્યોદયથી લઇને સુર્યાસ્ત સુધીજ મુલાકાત લઇ શકશે. આ સમયગાળા પહેલા કે રાત્રિ રોકાણની કોઇપણ સંજોગોમાં પરવાનગી આપવામાં આવશે નહી.

• પરવાના ધારક નિયત કરવામાં આવેલ સ્થળ સિવાય, દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન / દરિયાઇ અભયારણ્ય વિસ્તારમાં બોટનું તથા જેટ્ટી કે પોર્ટ વિસ્તારમાં પોતાના અંગત વાહનોનું રોકાણ કરી શકશે નહિ.

• પરવાના ધારક નિયત કરવામાં આવેલ વિસ્તાર સિવાયના વિસ્તારની કોઇપણ સંજોગોમાં મુલાકાત લઇ શકશે નહી.

• પરવાના ધારક કોઇપણ પ્રકારના અવાજ ઉત્ત્પન કરતા સાધનો જેવા કે રેડીયો, ટ્રાંસીસ્ટર, સંગીત વાદ્ય, બ્લુટુથ સ્પીકર તથા અન્ય અવાજ ઉત્ત્પન કરતા ઇલેક્ટ્રોનીક કે અન્ય સાધનો લઇ જઇ શકશે નહી.

• પરવાના ધારક શક્ય હશે તેટલી શાંતિથી વિચરવાનું રહેશે. સમુહગાન તથા મોટીથી અવાજો કરી શકશે નહી.

• પરવાના ધારક કોઇપણ વન્યજીવોને ખાવાનું નાખી શકશે નહી.

• પરવાના ધારક કોઇપણ સરકારી સંપત્તિને કોઇપણ પ્રકારે નુકશાન પહોંચાડી શકશે નહી.

• પરવાના ધારક કોઇપણ પ્રકારનો કચરો ફેંકી શકશે નહી.

• પરવાના ધારક કોઇપણ પ્રકારના પાલતુ પ્રાણીઓને લઇ જઇ શકશે નહી.

• પરવાના ધારક કોઇપણ વન્યજીવ, વન્યસંપદા, બીજ કે કટીંગ લઇ જઇ શકશે નહી.

• પરવાના ધારક પ્લાસ્ટીક તથા તેનાથી બનેલા કોઇપણ પ્રકારના ઉત્પાદનો લઇ જઇ શકશે નહી તથા તેનો ઉપયોગ કરી શકશે નહી.

• પરવાના ધારક વન્યજીવ તથા વન્યસંપદાને ખલેલ કે નુકશાન પહોંચે તેવી કોઇપણ પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહી.

• પરવાના ધારક ધુમ્રપાન તથા કેફી દ્રવ્યોનું સેવન કરી શકશે નહી.

• પરવાના ધારક ખડકો નીચે રહેલા વન્યજીવોને નિહાળવા માટે ખડકો ઉંચકાવી શકશે નહી.

• પરવાના ધારક મુલાકાત સમયે પરવાળા તથા અન્ય વન્યજીવોને નુકશાન ન પહોંચે તે રીતે ચાલવાનું રહેશે.

• પરવાના ધારક સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થવા અંગેની તકેદારી રાખશે, કચરો જ્યાં ત્યાં ન ફેકતા, કચરાપેટીમાં જ નાખશે. તથા અન્ય કચરો ધ્યાને આવતા તે લઇને કચરા પેટીમાં નાખીને વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધનમાં મદદરૂપ થવા માટે પ્રયત્ન કરશે.

• પરવાના ધારક પરવાળાના ખડક અને દરિયાઈ જીવસૃષ્ટિ ના સંરક્ષણ માટે આપવામાં આવતા સુચનોનું તથા ભારતીય વન અધિનિયમ, ૧૯૨૭ અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨માં દર્શાવેલ જોગવાઇઓનું પાલન કરશે.

• પરવાના ધારક મુલાકાત સમયે તેમજ ફોટોગ્રાફી કરતી વખતે વન્યજીવોની સલામતી અને સુરક્ષા ધ્યાને લઇને તેમનાથી યોગ્ય અંતર જાળવી રાખશે.

• દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાત સમયે, પરવાના ધારકની પોતાની તથા અન્ય સાથે રહેલા પરવાના ધારકોની સુરક્ષા ન જોખમાય તે રીતે વર્તવાનું રહેશે. પરવાના ધારક દ્વારા મહિલાઓ તેમજ અન્ય સાથી પ્રવાસીઓ સાથે કોઇપણ પ્રકારનો અયોગ્ય વ્યવહાર ન થાય તથા તેમનું વર્તન મહિલાઓને કોઇપણ પ્રકારે ખલેલ ન પહોંચાડે તે રીતે રાખવાનું રહેશે. પરવાના ધારક કોઇપણ પ્રકારનું અણછાજતું કે અભદ્ર વર્તન કરી શકશે નહી.

• પરવાના ધારક પરવાળા તથા અન્ય દરિયાઇ જીવો અને વન્યજીવોની સુરક્ષા ધ્યાને લઇને સાબુ, શેમ્પુ કે અન્ય કોઇપણ બ્લીચીંગ કેમિકલનો ઉપયોગ કરી શકશે નહી.

• પરવાના ધારક ત્યાંથી કોઇપણ પ્રકારના શંખલા, છિપલા કે અન્ય કોઇપણ વસ્તુ સાથે લાવી શકાશે નહી.

• પરવાના ધારક ભરતી તથા ઓટની સમયમર્યાદા ધ્યાને લઇને મુલાકાત લેવાની થતી હોય, નિયત કરવામાં આવેલ સમય મર્યાદાનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

•  દરિયાઇ અભયારણ્ય વિસ્તારની મુલાકાત પરમીટ ઇશ્યુ થયા બાદ પણ કોઇપણ વહીવટીકારણ, રાષ્ટ્રીય સુરક્ષા, પ્રવાસીઓની સુરક્ષા કે ખરાબ હવામાનને કારણે રદ્દ થવા પાત્ર રહેશે.

• દરિયાઇ અભયારણ્ય વિસ્તારની મુલાકાત પરમીટ રદ્દ થવાના કિસ્સામાં પરમીટની રકમ પરત મળવાપાત્ર થશે નહી.

• પરવાના ધારક પરવાળા તથા અન્ય વન્યજીવ નિહાળતી વખતે તેને પકડશે કે અડકશે નહી.

• પરવાના ધારકે કોઇપણ વન્યજીવોના દર્શન થવા એ સંપુર્ણપણે કુદરતી બાબત હોય, પરવાનો પ્રાપ્ત થવાથી વન્યજીવ જોવા અંગેની બાંહેધરી પ્રાપ્ત થતી નથી તે બાબત ધ્યાને લેવાની રહેશે.

• પરવાના ધારક કોઇપણ સુરક્ષા એજન્સી / લાગુ સરકારી એજન્સી / વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા ચેકીંગમાં તમામ પ્રકારનો જરૂરી સાથ સહકાર આપવા માટે બંધાયેલા રહેશે.

• પરવાના ધારકને આપવામાં આવતો પરવાનો સરકાર, લાગુ તમામ સરકારી એજન્સીઓ દ્વારા નિયમન કરવામાં આવતા કાયદાઓને આધિન રહેશે. પરવાના ધારક દ્વારા સરકાર, લાગુ તમામ સરકારી એજન્સીઓ દ્વારા વખતો વખત પ્રસિદ્ધ કરવામાં આવતી સુચનાઓ / ગાઇડલાઇન તથા નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવાનું રહેશે. જેના ભંગ બદલ સક્ષમ સત્તાધિકારી દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

• સમયાંતરે સરકાર તથા વિવિધ વિભાગો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

• કોઈપણ નિયમના અર્થઘટન અંગનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે, તે નિયમનું અમલીકરણ કરતા વિભાગ દ્વારા લેવામાં આવેલ નિર્ણય આખરી ગણાશે.

(10:15 pm IST)