Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રાણપુર સ્‍થિત ઉની ખાદી સંસ્‍થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ૭૩મા પ્રજાસત્તાક દિને ધ્‍વજવંદન

રાજકોટ,તા. ૨૯ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્‍થિત ક્રાંતિકારી લોકસંત જૈન મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ૧૯૫૮જ્રાક્રત્‍ન સ્‍થાપિત અને આર્થિક-સામાજિક વંચિત સમાજની બહેનોને સ્‍વરોજગારી પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્‍થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ૭૩મી પ્રજાસત્તાક દિને ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. ᅠ
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, છેલ્લા ૪૦ વર્ષથી ખાદી-રચનાત્‍મક ક્ષેત્રે કાર્યરત સંસ્‍થાના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગ દાજીભાઈ ડાભી, સેક્રેટરી હરદેવસિંહ રાણા, રણજિતભાઈ બારોટ, નીરવસિંહ ડાભી સહિત કર્મચારી-કારીગર ભાઈઓ-બહેનોની આ અવસરે ઉપસ્‍થિતિ રહી હતી. લોકસેવક, જગતાત સ્‍વ. ફલજીભાઈ રાહાભાઈ ડાભીની પાંચમી પેઢી એવી ખાદી પરિધાનમાં સજ્જ પાંચ-વર્ષીય જૈમિકા નીરવસિંહ ડાભી સહુનાં આકર્ષણની કેન્‍દ્ર રહી હતી. બોટાદ જિલ્લાના ડેપ્‍યુટી કલેકટર રાજેશ્રીબેન વંઘવાણીએ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રધ્‍વજની પ્રતિકૃતિ અને ગાંધી-મેઘાણી-સાહિત્‍ય થકી એમનું ભાવભર્યું અભિવાદન કરાયું હતું.
મહાત્‍મા ગાંધી, કસ્‍તૂરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ, મૂકસેવક રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પરીક્ષિતભાઈ મજમુદાર, છોટુભાઈ મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, ગુલામ રસૂલ કુરેશી, કાશીબેન મહેતા, સ્‍વામી જ્ઞાનચંદ્રજી, સુરાભાઈ ભરવાડ, હરિવલ્લભભાઈ મહેતા, દુલેરાય માટલિયા, મણિભાઈ પટેલ, ડો. શાંતિભાઈ પટેલ, જસ્‍ટીસ ટી.યુ.મહેતા, બળવંતભાઈ ખંઢેરિયા, ચતુરભાઈ પટેલ, મીરાબેન પટેલ, કમળાબેન શાહ, મનુભાઈ પંડિતને ઉપસ્‍થિત સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રગાન, વંદે-માતરમ્‌, ઝંડા-વંદનનું સમૂહ-ગાન કરાયું હતું. નવી પેઢીને ખાદી પહેરવા-ખરીદવા માટે ગોવિંદસંગ ડાભીએ પ્રેરણા આપી હતી. ખાદીના પ્રચાર-પ્રસાર માટે ઝવેરચંદ મેઘાણીએ તે સમયે ફૂલછાબ પ્રેસમાં ખાદી ભંડારની સ્‍થાપના પણ કરેલી તેમ પિનાકી મેઘાણીએ જણાવ્‍યું હતું.
મુનિશ્રી સંતબાલજીની તપોભૂમિ જવારજ (તા. ધોળકા, જિ. અમદાવાદ) ખાતે પણ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઊની ખાદી ૧૦૦% પ્‍યોર મેરિનો વુલન હાથ-બનાવટની અવનવી આકર્ષક ડીઝાઈનમાં લેડીઝ-જેન્‍ટસ શાલ, સ્‍વેટર, કોટ, મોદી જેકેટ, મફલર, ટોપી, મોજડી, બ્‍લેન્‍કેટનાં પ્રદર્શન-વેચાણનો આરંભ ગાંધી-વિચારો-મૂલ્‍યોને વરેલાં, રવિશંકર મહારાજ-મુનિશ્રી સંતબાલજીના નિકટના સાથી, ખાદી-સહકારી-ખેડૂત આગેવાન, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના પ્રમુખ દાજીભાઈ ફલજીભાઈ ડાભીના વરદ-હસ્‍તે કરવામાં આવ્‍યો હતો.
:આલેખનઃ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન
(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)


 

(10:52 am IST)