Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કનકાઈ મંદિરે જતા દર્શનાર્થિઓને જંગલ ખાતા દ્વારા કનડગત પ્રશ્ને આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત : તમામ પ્રશ્નો મામલતદાર મારફત સરકાર-વન વિભાગમાં મોકલાશે

વિસાવદર તા.૨૮:ગીરની મધ્યમાં આવેલ કનકાઈ માતાજીનાં મંદિરે જતા દર્શનાર્થિઓને જંગલખાતા દ્વારા સતત કનડગત કરાતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટનાં હરિભાઈ જાની,રમેશભાઇ પાનેરા, દેવાંગભાઇ ઓઝા,ઉદયકુમાર મહેતા, વિમલભાઇ મીઠાણીએ શરૂ કરેલા ગાંધી ચીંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ આંદોલનનો ગઇકાલે બીજા દિવસે સુખદ અંત આવેલ છે આંદોલનને સાર્વત્રિક સમર્થન સાંપડયુ હતુ.૧૭ સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો હતો.જિલ્લા-તાલુકાના રાજકીય-સામાજિક અગ્રણીઓ-માઈ ભકતો છાવણીની મુલાકાત લીધી હતી.

વિસાવદરથી કનકાઈ તરફ જતો રસ્તો ચોમાસા બાદ ધોવાણ થઇ જતા તેને રીપેર કરાવવાની અનેકવાર માંગણી કરવા છતા રીપેરીંગ કરવામાં આવેલ ન હોય,જેથી કનકાઇ મંદિર દ્વારા સ્વખર્ચે રસ્તો રીપેર કરવાની માંગ કરવામાં આવી હોય,પરંતુ આ માંગ પણ સ્વિકારવામાં આવી નહી કે,મંજૂરી પણ અપાઇ નહી...!! આ ઉપરાંત સુર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રવેશની છુટ હોવા છતાં આઠ વાગ્યા સુધી મેલડી નાકાથી અંદર પ્રવેશ આપવામાં આવતો નથી.ખુલ્લા વાહનોમાં માતાજીનાં દર્શન કરવા જતાં લોકોને પણ અટકાવવામાં આવતા હોવાના જંગલ ખાતા સામે વિવિધ આક્ષેપો સાથે તમામ પ્રશ્નોનુ નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોકકસ મુદતનુ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત કરાઈ હતી.કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટનાં દેવાંગ ઓઝાના જણાવ્યા અનુસાર સમગ્ર ગીર પંથક અને દેશ-પરદેશમાં વસેલા માઇ ભકતોનાં આંદોલનને આશીર્વાદ સાંપડયા હતા.

દરમિયાન આંદોલનના બીજા જ દિવસે આંદોલનકારીઓની માંગણીઓ સ્થાનિક મામલતદાર દ્વારા સરકાર-વન વિભાગને મોકલી નિરાકરણ લાવવાની ખાત્રી અપાતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે.

(1:35 pm IST)