Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમરેલી જિલ્લામાં ૭મી આર્થિક ગણતરીનો શુભારંભ કરાવતા કલેકટર આયુષ ઓક

અંદાજે ૩૦૦ સુપર વાઇઝરો અને ૧૯૦૦ ગણતરીદારો મોબાઇલ એપ્લીકેશનની માહિતી એકત્રિત કરશે

અમરેલી, તા.૨૯: અમરેલી જિલ્લામાં વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્ત્િ।ઓની માહિતી એકત્ર કરવા માટે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જિલ્લા સેવા સદન ખાતે ૭મી આર્થિક ગણતરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા સમગ્ર જિલ્લાના લોકો આર્થિક ગણતરીની કામગીરીમાં જરૂરી સહયોગ આપી જરૂરી માહિતી પુરી પાડે એવી આશા વ્યકત કરી હતી. આ ઉપરાંત ચોક્કસ સમયમાં કામગીરી પૂર્ણ કરવા કલકટરશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો.

જિલ્લા આંકડા અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ગોહિલે આ વિષય ઉપર વધુ માહિતી આપતા  જણાવ્યું હતું કે કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ ગણતરી તમામ દ્યર-ઓફીસની રૂબરૂ મુલાકાત લઇ મોબાઇલ એપ દ્વારા દ્યરની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યકિતઓ દ્વારા દ્યરમાં ચાલતી આર્થિક પ્રવ્રુતિઓ જેવી કે લારી-પાથરણા, રીક્ષા, દુકાન, ઓફિસો, કારખાના, ચા-નાસ્તા હાઉસ વિગેરે વિશેની ચોક્કસ માહિતી એકત્ર કરવામાં આવશે. સમગ્ર અમરેલી જિલ્લામાં અંદાજે ૧૯૦૦ થી વધુ ગણતરીદારો તથા ૩૦૦ થી વધુ સુપરવાઇઝરો મારફતે મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગથી સિએસસી જિલ્લા મેનજરશ્રી અભય મોડાસિયા દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારની ફાળવણી કરી કામગીરી કરાવવામાં આવશે. આ ઉપરાંત એન.એસ.એસ.ઓ. અને જીલ્લા પંચાયતની આંકડાશાખા દ્વારા દ્વિતીય કક્ષાની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયે નેશનલ બીઝનેશ રજિસ્ટર તૈયાર કરવામાં આવશે અને આ માહિતી રાજય અને અમરેલી જિલ્લાના સામાજીક અને આર્થિક વિકાસને વેગ આપવા મહત્વપુર્ણ સાબિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં સાતમી આર્થિક ગણતરી અંગેની પ્રવૃત્ત્િ।ની કામગીરીનો શુભારંભ તા.૧૫ જાન્યુઆરીના મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સરકારી આવાસોમાં અનઅધિકૃત કબ્જા અંગે નોટિસ ઇસ્યુ

અમરેલીઃ ઇન્ટીગ્રેટેડ હાઉસિંગ એન્ડ સ્લેમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અમરેલી શહેરના ફતેપુરના રસ્તે ૨૧૯ જેટલા આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાંથી ૧૨૭ ખાલી આવાસોની ફાળવણી કરવાની બાકી છે તેમ છતાં કેટલાક અજાણ્યા અનઅધિકૃત વ્યકિતઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવ્યો છે. આ તમામ અનઅધિકૃતિ રીતે મેળવેલા આવાસના કબ્જા ખાલી કરવા અમરેલી નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. અને જો સાત દિવસમાં કબ્જો ખાલી કરવામાં નહિ આવે તો નગરપાલીકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ એક યાદીમાં જણાવાયું છે.

૬૦ થી વધુ વયના સિનિયર સીટીઝનો માટે વિવિધ સ્પર્ધાઓ

આગામી દિવસોમાં રમત ગમત વિભાગ દ્વારા ૬૦ થી વધુ વયના સિનિયર સીટીઝનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. સિનિયર સીટીઝન ખેલાડીઓ માટેની એથ્લેટીકસ સપર્ધાઓ જેવી કે ૧૦૦ મી, ૨૦૦ મી, ૪૦૦ મી, ૮૦૦ મી અને ૧૫૦૦ મી ની દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, તેમજ બહેનો માટે ૩ કિમી અને ભાઈ માટે ૫ કિમી દોડ, વોલીબોલ, ક્રિકેટ અને રસ્સાખેંચ જેવી રમતો માટે પુરી ટીમ બનાવીને એન્ટ્રી મોકલવાની રહેશે. આ ઉપરાંત ચેસ, યોગાસન અને કેરમ સ્પર્ધાઓનું આયોજન આગામી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં કરવામાં આવશે. વિજેતા ખેલાડીઓને રાજય કક્ષાએ જવાનો અવસર પ્રાપ્ત થશે. આગામી ૫ ફેબ્રુઆરી સુધીમાં સાદા કાગળમાં પોતાની સંપૂર્ણ વિગત સાથેની અરજી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે.  આ સાથે આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ અંગે વધુ વિગતો માટે ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ ઉપર ફોન કરવાનો રહેશે.

(1:33 pm IST)