Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સીએએ કાયદાના વિરોધમાં ભારત બંધનું ભાવનગરમાં સુરસુરિયું

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બંધના એલાનની ખાસ અસર નહી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ભાવનગર શહેરમાં બંધ નિષ્ફળ ગયું છે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી. મુસ્લિમ સમાજે પણ શાંતિ માટે અપીલ કરી હતી. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ, તા. ર૯ : આજે સીએએ કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જોકે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બંધના એલાનના ખાસ અસર નથી અને ધંધા-રોજગાર ખુલ્લા છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ભાવનગર : સીએએ કાયદાના વિરોધમાં અપોલા બંધના એલાનની ભાવનગરમાં ખાસ કોઇ અસર દેખાઇ નથી. બંધને સમર્થન નહિ હોવાનું સૌરાષ્ટ્ર ચેમ્બર, બિલ્ડર્સ એસો., ચિત્રા ઇન્ઙ એસો. ચોકલી મંડળ, રીક્ષા ચાલક એસો. પીએટા સહિતના એસો.એ જણાવતા આજે રાબેતા મુજબ વેપાર-ઉદ્યોગ-ધંધા શરૂ રહ્યા હતા. જોકે મુસ્લિમ વિસ્તારોમાં બંધની અસર ત્યાં મળી હતી. પોલીસે બંધના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

નાગરિકતા સંશોધન કાયદાના વિરૂદ્ધમાં અપાયેલા ભારત બંધના એલાનનું ભાવનગરમાં સુરસૂરિયું થઇ ગયું છે. ચેમ્બર સહિત વેપારી મંડળો અને સંસ્થાઓ બંધમાં નહિ જોડાતા ભાવનગર બંધ નિષ્ફળ રહ્યો છે. માત્ર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ એ બંધને ટેકો આપેલ છે. જયારે મુલિમ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. ગઇકાલે જ મુસ્લિમ સમાજ અને દલીત સમાજ દ્વારા જીલ પોલીસ વડાની ઓફીસ ખાતે મળેલ બેઠકમાં બંધ દરમ્યાન સુલેહ શાંતિ જળવાશે અને બંધ માટે કોઇ બળજબરી કે ટોળાશાહી કરવામાં નહિ આવે તેવી ખાત્રી મુસ્લિમ સમાજે આપી હતી. પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોવાયો હતો.

પોલીસ તંત્ર દ્વારા સોશ્યલ મીડીયા પર પણ ખાસ નજર રાખવામાં આવી હતી. તોફાની તત્વો સામે કડક પગલા ભરવામાં આવશે તેવી તંત્ર દ્વારા ચીમકી અપાઇ હતી. એકંદરે ભાવનગર બંધ નિષ્ફળ ગયું પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હોય કોઇ કાંકરીચાળોનો બનાવ બનવા પામ્યો નથી.

(11:57 am IST)