Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

'કોરો'ના સામે કંડલા પોર્ટનું એલર્ટ-ચીન, દક્ષિણ પૂર્વ એશિયા સહિત વિદેશથી આવતા જહાજોના ક્રુ મેમ્બરોની જાણ કરવા તાકીદ

ગુજરાતમાં સ્વાઇન ફલુનો પ્રથમ કેસ પણ કંડલા પોર્ટમાં દેખાયો હતો : હવે કોરોના વાયરસ સામે સાવધાની

ભુજ તા. ૨૯ : ચીન સહિત વિદેશમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસ અંગે કંડલા પોર્ટ દ્વારા અહીં લાંગરનારા જહાજો માટે એડવાઇઝરી જાહેર કરાઈ છે.

કંડલા પોર્ટના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા જાહેર કરાયેલ એડવાઇઝરી અનુસાર કોરોના વાયરસ એન્ટર થવાના બે મુખ્ય એન્ટ્રી પોઇન્ટ પોર્ટ અને એરપોર્ટ છે. એટલે, ચીન ઉપરાંત કોરોના વાયરસ જયાં જોવા મળ્યો છે તે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સહિત ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, જાપાન, સાઉથ કોરિયા, યુ.એસ., વિયેતનામ, સિંગાપોરથી આવતા કોઈ પણ જહાજોને તેમના ક્રુ મેમ્બરો અંગે જાણ કરવા પોર્ટ વપરાશકારોને સૂચના અપાઈ છે.

ખાસ કરીને કોઈ પણ ક્રુ મેમ્બરને જો તાવ આવતો હોય કે અન્ય બીમારી વર્તાતી હોય તો તે અંગે સાવધાની રાખીને જહાજના કેપ્ટન દ્વારા કંડલા પોર્ટના મેડિકલ ઓફિસર, હાર્બર માસ્ટર કે ડેપ્યુટી કન્ઝરવેટરને જાણ કરવી. સ્વાઇન ફલુનો ગુજરાતનો પ્રથમ કેસ કંડલા પોર્ટ ઉપર જ નોંધાયો હતો.

(11:05 am IST)