Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

બાવળામાં ટયુશન કલાસીસનાં શિક્ષકનું છાત્રા ઉપર દુષ્કર્મ

દર્શન જયેશભાઇ સોની સામે ફરિયાદ બાદ ધરપકડ

વઢવાણ, તા.૨૯: બાવળા ખાતે ખાનગી કલાસ ચલાવતાં શિક્ષક દ્વારા કલાસમાં આવતી એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ બાવળા પોલીસ મથકે નોંધાવા પામી હતી જેને આધારે પોલીસે શિક્ષકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા શહેરનાં પંચશીલ સોસાયટીમાં રહેતા અને શ્રીનગર સોસાયટીમાં સહજાનંદ કલાસીસ ચલાવતા તેમજ બાવળાની એમ.સી.અમીન ગર્લ્સ સ્કૂલમાં ટેમ્પરરી (હંગામી) શિક્ષક તરીકે ફરજ બજાવતો દર્શનભાઈ જયેશભાઈ સોની નામના શિક્ષકે ટયુશન કલાસમાં આવતી અંદાજે ૧૫ વર્ષની સગીરા સાથે અંદાજે એક મહિના પહેલા શારીરિક અડપલા કર્યા હતાં અને ત્યારબાદ સગીરા સાથે ટયુશન કલાસમાં જ દુષ્કર્મ આચર્યું હતું.

જે અંગે ભોગ બનાર સગીરાએ ઘેર આવી ૫રિવારજનોને જાણ કરી હતી આથી ભોગ બનનાર સગીરાની માતાએ બાવળા પોલીસ મથકે પોસ્કો એકટ મુજબ ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ બાવળા પીઆઈ આર.જી.ખાંટે હાથધરી હતી અને નરાધમ શિક્ષકને સ્કૂલમાંથી ઝડપી પાડી જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા પંથકમાં અનેક સ્કૂલો સહિત ખાનગી ટયુશન કલાસ આવેલા છે જયાં મોટી સંખ્યામાં સગીરાઓ તેમજ વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવતાં હોય છે ત્યારે શિક્ષણજગતને અને ગુરૂ-શિષ્યના સબંધને લાંચ્છનરૂપ આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી તેમજ દુષ્કર્મ આચરનાર શિક્ષક સામે ફિટકારની લાગણી પણ જોવા મળી હતી.

(12:13 pm IST)