Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

અંજાર રેલવે સ્ટેશને યાત્રી સુવિધા માટે નવા ફુટ ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત

રાજ્ય મંત્રી વાસણભાઇ - સાંસદ વિનોદ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ

ભુજ તા. ૨૯ : ઐતિહાસિક અંજાર શહેરના રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવાના ભાગરૂપે ફાળવવામાં આવેલ રૂ. ચાર કરોડના ખર્ચે લોક સુવિધા વધારવા તાજેતરમાં નવાં પ્લેટફોર્મ નં. રની ૫૫૦ મીટર લંબાઇ અને ૧૦ મીટર પહોળું કરી અદ્યતન બનાવવા ઉપરાંત કવરીંગ સાથે ફૂટ ઓવરબ્રીજ, ટોઇલેટ બ્લોક, પીવાના પાણીની સુવિધાના વિકાસકામોનું રાજયમંત્રી વાસણભાઈ આહિર અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત સંપન્ન કરાયું હતું.

આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાસનધુરા સંભાળ્યા બાદ ભારતના સૌથી મોટા રેલ્વે વિભાગમાં સાડાચાર વર્ષમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ભારતીય રેલ્વેને વધુ આધુનિક બનાવવા માટે અબજોના ખર્ચે વિકાસકામો કરાઇ રહ્યા છે, તેમ જણાવી પૂર્વ કચ્છનું હેડકવાર્ટર બનવા જઇ રહેલા અંજાર શહેરને જિલ્લાકક્ષાની રેલ્વે યાત્રી સુવિધા મળે તે માટે કચ્છના સાંસદના પ્રયાસો હોવાનું તેમજ સરકાર પણ કટ્ટીબધ્ધ હોવાનું જણાવ્યું હતું.

કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ મોટાં વિકાસના કામો હાથ ઉપર લેવાયાં છે. ભારત સરકારમાં અત્યાર સુધી ૫૦ કરતાં વધારો વિકાસ કામો પૂર્ણ કરાયાં છે. ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા કચ્છની માંગો પૂર્ણ કરાય છે, તેમ જણાવી તેમણે કચ્છને મળેલી નવી ટ્રેન સુવિધાની વિગતો ઉપરાંત બે બ્રોડગેજ નવી લાઇનો પાલનપુરથી ગાંધીધામ અને વિરમગામથી ગાંધીધામનું કામ ચાલુ છે.આ કામ પૂર્ણ થયા પછી બે ગાડીઓ એક સાથે ચાલી શકશે. કચ્છ દેશનો એવો મોટો જિલ્લો છે જયાં સૌથી વધારે રેલ્વે સ્ટેશનો આવેલા છે. વાઇફાઇની સુવિધા પણ રેલ્વે વિભાગ દ્વારા મંજૂર કરાતા તે ટુંક સમયમાં ચાલુ કરાશે. ભુજ-ગાંધીધામ-સામખીયાળી અને ભચાઉ રેલવે સ્ટેશનો ઉપર હાથ ધરાનારા વિકાસકામોની તેમણે વિગતે વાત કરી હતી.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ પલણે એક ટ્રેન રોકી રાખીને વર્ષોથી રેલ્વે પાટાનું ક્રોસીંગ કરવું પડતુ હતું તે પ્રશ્નનો હવે ટુંક સમયમાં ઉકેલ આવી જશે તેમ જણાવી તેમણે રાજયમંત્રી અને કચ્છના સાંસદનો આભાર વ્યકત કર્યો હતો.

જોગણીનાર સાર્વજનિક વિકાસ ટ્રસ્ટનો રૂ. ૨.૫૦ લાખનો ચેક તેજાભાઈ કાનગડ અને બચુભાઈ આહિરને શ્રી વાસણભાઈ આહિરે અર્પણ કર્યો હતો. ગૂરૂદ્વારા પ્રબંધક સમિતિના મહેન્દ્રસિંઘ અને કરતારસિંઘે રાજયમંત્રી અને સાંસદનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, જીવાભાઈ આહિર,  હરિભાઈ જાટીયા, વલમજીભાઈ હુંબલ, ગોવિંદભાઈ કોઠારી, ધર્મિષ્ઠાબેન ખાંડેકા, જયોત્સનાબેન દાસ, સંજય દાવડા, કાનજીભાઈ આહિર, શંભુભાઈ આહિર, અનિલ પંડયા, કેશુભાઈ સોરઠીયા, લાલજીભાઈ સોરઠીયા, ડાહ્યાલાલ મઢવી, નારાણ ચૈયા, જયશ્રીબેન મહેતા, અંજાર પ્રાંત અધિકારી વી.કે.જોષી, તેમજ રેલ્વે વિભાગના અધિકારીઓ એસ.કે.સિંઘ સહિત કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલ્વે વિભાગના એઆરએમ આદિશ પઠાનિયાએ આભારદર્શન કર્યું હતું.

(11:38 am IST)