Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ભુજમાં ભાગેડુ આરોપી બીજીવાર પોલીસ ઉપર હુમલો કરી ફરાર

આરોપી કાસમ નોતીયારદસ પોલીસ કર્મીઓને ચકમો આપી ફરારઃ કોન્સ્ટેબલ ઉપર કુહાડી વડે હુમલો કરતા ગોળીબાર કરી પોલીસે જીવ બચાવ્યો

ભુજ તા.૨૯: સલામત ગુજરાત અને કાયદો વ્યવસ્થાની કડક ગુલબાંગોની વચ્ચે ભુજમાં સતત બીજી વખત પોલીસ પાર્ટી ઉપર થયેલા હુમલાના બનાવે ચર્ચા, ચકચાર સાથે કાયદો અને વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉભા કર્યા છે.

જુનાગઢ જેલમાંથી છુટેલા નખત્રાણાના કાસમ નોતીયાર નામનો આરોપી ૨૦ દિવસ પહેલા ભુજમાં ત્રણ પોલીસ કર્મીઓ ઉપર છરી વડે હુમલો કરી નાસી છુટયો હતો. તે કાસમને પકડવા માનકુવા-(ભુજ) પોલીસ સ્ટેશનના ૧૦ કર્મીઓને ટીમે ગઇકાલે ભુજના વટાછડ ગામમાં કાસમ નોતીયારને ઘેરીને પકડવા જાળ બીછાવી હતી. પરંતુ ફરી એકવાર આરોપી કાસમ પોલીસ કરતા વધુ ઝનુની પુરવાર થયો હતો અને ૧૦ પોલીસની ટીમ ઉપર કુહાડી વડે હુમલો કરીને કોન્સ્ટેબલ લીલાભાઇ ખુમાભાઇ દેસાઇને ઇજા પહોચાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ગોળીબાર કરતા ગભરાઇને કાસમ નોતીયાર નાસી છુટ્યો હતો.

ફાયરીંગના કારણે પોલીસ કોન્સ્ટેબલ લીલાભાઇનો જીવ બચી ગયો હતો. આ અંગે માનકુવા પોલીસ સ્ટે.માં ફરિયાદ લખાવાઇ છે બબ્બે વાર પોલીસ પાર્ટી ઉપર હુમલો કરીને એક આરોપીએ સરહદી કચ્છ જિલ્લાની ખાખી વર્દીની આબરૂને દાવ પર લગાડી દીધી છે પોલીસે ફરી ભાગેડુ કાસમની તપાસ શરૂ કરી છે.(૧.૬)

(11:58 am IST)