Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

નિર્ણાયકતા, પારદર્શકતા, સંવેદનશીલતા, પ્રગતિશીલતાના સથવારે

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભાણવડમાં દબદબાભેર ઉજવણી

ખંભાળીયા - ભાણવડ - દ્વારકા તા. ૨૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૯માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભાણવડ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર જે.આર. ડોડીયાએ દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપીને માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ બુલેટ ટ્રેનની ગતિએ થઇ રહયો છે. સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા નિર્ણાયકતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર પાયા પર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ તળે ફરીને ગુજરાતે સુશાસનના આધારસ્તંભો પ્રસ્થાપિત કર્યા છે. તેમ જણાવી કલેકટરશ્રી ડોડીયાએ જિલ્લામાં થયેલ વિકાસનું વર્ણન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પોલીસ, હોમગાર્ડસ, એન.સી.સી. અને ટી.આર.બીની પ્લાટુનો દ્વારા પરેડ રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ સ્કુલના કુલ ૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે યોગ નિદર્શનો કરાયા હતા. તેમજ સ્કુલોના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સુંદર રીતે રજુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રી હરદાસ કારેથાના માર્ગદર્શન તળે કે.જી.બી.વી. ભાટીયા તથા કલ્યાણપુરની સ્કુલના બાળકો દ્વારા કરાટેનું નિદર્શન રજુ કરાયું હતું.

સરકારશ્રીના વિવિધ વિભાગો જેવા કે પોલીસ, આર.ટી.ઓ, શિક્ષણ, ખેતીવાડી, ગ્રામ વિકાસ એજન્સી લીડ બેંક, વન વિભાગ વગેરે મળી કુલ ૧૩ જેટલા ટેબ્લોનું નિદર્શન રજુ થયું હતું.

આ તકે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ઉંધાડને વિધાનસભા ચુંટણીની કામગીરીમાં, પલ્સ પોલીયો નાબુદીની ઉતકૃષ્ટ કામગીરીમાં  એસ.પી.સીંગ, ૧૦૮ માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભરત એન. બાંભણીયા તથા પાઇલોટ દિનેશ આર. કરંગીયાને પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત રાજય, રાષ્ટ્રીય, તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને કલેકટર તથા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ટેબ્લો તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિજેતાને ઇનામ આપવામાં આવેલ હતા.

રાજય સરકાર તરફથી ભાણવડ તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક મળેલ જે કલેકટર દ્વારા પ્રાંત અધિકારીશ્રી જોશીને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે કલેકટર તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ મશરીભાઇ નંદાણીયા, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઇ જોગલ, જિલ્લા પંચાયત સદસ્ય વી.ડી. મોરી, અગ્રણી સર્વશ્રી હિતેશભાઇ પિંડારીયા, કિરણભાઇ કાંબરીયા, બળદેવભાઇ વારોતરીયા, મનહરભાઇ કનારા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર હિરેન વ્યાસ, પ્રાંત અધિકારીશ્રી જોશી, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં સ્કુલના બાળકો, ભાણવડના નગરજનો અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

(9:41 am IST)