Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ભકતોએ ઘરબેઠા જ ભજનો થકી શ્રધ્ધાંજલી આપવા અપિલ

શ્રી સ્વામીનારાયણ મંદિર વઢવાણના સ્વામીજી કુંજવિહારીદાસજી સ્વામી અક્ષરવાસી થયા

૯૪ વર્ષની વયના હતા, ૩૫ વર્ષની ઉમરે દીક્ષા ગ્રહણ કરી હતી

રાજકોટ તા.૨૮, શ્રી સ્વામીનારાયણ મંદિર વઢવાણના નિર્માની, નિષ્કામી, નિર્લોભી,  નિઃસ્નેહી, નિઃસ્વાદી ગુણે યુકત સંત શિરોમણી કુંજવિહારીદાસજી (જોગી સ્વામી) સ્વામી ગઇકાલે સવારે ૫:૩૦ કલાકે ભજન ભકિત કરતાં ૯૪ વર્ષની ઉંમરે અક્ષરવાસી થયાં તેઓ થોડા સમયથી બિમાર હતા.

તેમના અવસાનના સમાચાર  સાંભળી સંતો-હરીભકતોમાં દુઃખની લાગણી અનુભવાઇ. સૌને રૂબરૂ આવી પુષ્પાજંલી અર્પણ કરી અંતિમક્રિયામાં ઉપસ્થિત રહેવાની ઇચ્છા હોય એ સ્વાભાવીક છે પરંતુ વઢવાણ મંદિરના આચાર્ય મહારાજશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજે કોરોનાની પરિસ્થિતીમાં રૂબરૂ ન આવવા અને ઘેરબેઠા લાઇવ પ્રોગામ નિહાળી સાથોસાથ ભજન કરવાની આજ્ઞા આપી હતી.

સ્વામીનો જન્મ દસાડા તાલુકાના અખિયાણા ગામે ગઢીયા પરિવારમાં તા.૧૩-૧-૧૯૨૭ને  ગુરૂવાર અને એકાદશીના દિવસે થયો હતો. ૩૫ વર્ષની ઉંમરે તા.૧૩-૪-૧૯૬૨ના રોજ ચૈત્ર સુદી -૯ (હરીજયંતિ- રામનવમી) ના દિવસે આચાર્ય મહારાજશ્રી રાજેન્દ્રપ્રસાદજી મહારાજ પાસે દીક્ષા લઇ ઇશ્વર નામમાંથી કુંજવિહારીદાસજી નામ ધારણ કરી સાધુ થયેલ. તેઓશ્રી ખુબ જ તપસ્વી અને વૈરાગ્યવાન હતા. તેઓશ્રીની યાદ શકિત ખુબ જ સારી હતી અને વાચન પણ ખુબ હતુ તેથી ગામઠી ભાષામાં સરળ દ્રષ્ટાંત દ્વારા કથા-વાર્તા કરી લોકોને જકડી રાખતા હતા.

(12:49 pm IST)