Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ઉપલેટાના નિલાખા ગામના યુવાનનું હૃદય બંધ થયા બાદ ફરીથી ધબકયુ!

(ભરત દોશી દ્વારા), ઉપલેટા, તા.૨૮: ઉપલેટા જવલ્લેજ જોવા મળતો એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે એવો જ એક કિસ્સો ઉપલેટા તાલુકાના નિલાખા ગામે રહેતા મજબુતભાઈ મકવાણા નામના ૩૫ વર્ષીય આહિર યુવકને થોડા સમય પહેલા ડેન્ગ્યુ અને કમળો થયો હતો. જેને લઇને સૌ પ્રથમ તેને રાજકોટ હોસ્પિટલ લઈ જવામા આવેલ જયા તેની તબિયત વધારે લથડતા ત્યાંથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમા વધુ સારવાર અર્થે ખસેડવામા આવેલ જયા આ દર્દીને ચાર-પાંચ દિવસ સારવાર આપ્યા બાદ કોઇપણ જાતનો સુધારો જોવા મળેલ ના હોય અને આ દર્દીની તબિયત પણ વધારે પ્રમાણમા ખરાબ થવા લાગેલ જેને લઇને હોસ્પિટલના ડોકટરોએ તેમના પરિવારજનોને જણાવેલ કે આ દર્દી વેન્ટીલેટર પર છે ત્યા સુધી જ તેનુ હૃદય ચાલુ રહેશે અને તેનો જીવ ત્યાં સુધી જ રહેશે અને ઓકિસજન હટાવી લીધા બાદ દર્દીના શ્વાસ બંધ થઈ જશે એવુ જણાવતા દર્દીના પરિવારજનોમા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. પરિવારજનો દ્વારા ત્યાંથી હોસ્પિટલના ડોકટરો પાસેથી દર્દીને રજા લઈને ઉપલેટા તરફ આવવા નીકળી ચૂકયા હતા. પરંતુ દર્દીના નસીબમાં ફરી સુરજ ઉગ્યો હોય તેમ પરિવારજનો સાથે અમદાવાદ થી ઉપલેટા પરત આવી રહ્યા હતા તે દરમ્યાન રાજકોટ નજીક પહોંચતા દર્દીના શરીરમા ફરી હલનચલન જોવા મળી હતી અને તેની શ્વાસોશ્વાસની ક્રિયા પણ ફરી શરૂ થતા પરિવારજનોએ ઉપલેટાની ન્યુ લાઈફ હોસ્પિટલના ડોકટરનો સંપર્ક કરતા તેમણે ઉપલેટા લઈ આવવા જણાવેલ જયારે તેના પરિવારજનો દ્વારા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામા આવેલ. આ ડોકટરના અનુભવના નિચોડથી અશકયને શકય કરી બતાવ્યુ હતુ.હાલમા આ દર્દી ખુબજ શારીરિક સાથે બેભાન અવસ્થામાંથી સ્વાસ્થ્ય સાથે એકદમ બોલતો થઈ ગયો છે જેને લઇને દર્દીના પરિવારજનોમા હર્ષનો માહોલ જોવા મળ્યો હતો તેમજ તેના પરિવારજનોએ ડોકટરને  આભાર માન્યો હતો.

(11:33 am IST)