Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ભુજના અઢી હજાર ભુકંપ અસરગ્રસ્તોના નવી શરતના પ્લોટોને જૂની શરતમાં ફેરવવાનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ તા.ર૮ :  ભુજના ભૂકંપ અસરગ્રસ્ત મધ્યમ વર્ગીય પરિવારોને નવી શરત ના પ્લોટ અંગે તંત્ર અને સરકારના વાંકે થઈ રહેલ અન્યાય દૂર કરવા ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ રવીન્દ્ર ત્રવાડીએ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. ને લેખિત રજૂઆત કરી છે. આગામી જાન્યુઆરીના ભૂકંપને ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ભુજના ભૂકંપ અસરગ્રસ્તોના પ્રીમિયમ અંગે થઈ રહેલ અન્યાય દૂર કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત છે. ૨૦૦૧ ના ભૂકંપ માં પોતાના દ્યર ગુમાવનાર ફ્લેટ ધારક અને ભાડુઆત પરિવારોને ભુજમાં ચાર રીલોકેશન સાઇટ ઉપર પૂરેપૂરી કબજા કિંમત વસૂલીને પ્લોટ ફાળવાયા ત્યારે પાંચ વર્ષ પછી તે પ્લોટો તબદીલ કરવાની જોગવાઈ કરાઈ હતી. પરંતુ, આ બાબતે તંત્ર અને સરકાર દ્વારા પાંચ વર્ષની સમય મર્યાદા પ્રમાણે ૨૦૦૭ સુધી પ્રીમિયમ અંગે કોઈ કાર્યવાહી ન થતાં વર્ષોથી આ પ્રશ્ન ટલ્લે ચડ્યો છે. અત્યારે પ્રીમિયમ સબંધે કોઈ પણ ભાવ નક્કી કર્યા વગર બાહેંધરી લેવામાં આવે છે. જે સંપૂર્ણપણે અયોગ્ય અને લોકશાહી ની વિરુદ્ઘ છે. તંત્ર અને સરકારે ૧૩ વર્ષ પહેલાં કામગીરી કરી નહીં અને હવે પ્રીમીયમના ભાવ અંગે અવઢવ દર્શાવાય છે. ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી સમયે અને ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી સમયે ઉમેદવારો અને શાસક પક્ષ દ્વારા લોકોને કહેવાયું હતું કે, રિલોકેશન સાઈટ નો પ્રીમિયમ નો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે અને જંત્રી ભાવ પ્રમાણે પ્રીમિયમ લેવાશે. અત્યારે ભાડા કચેરી એ પ્રીમિયમ ની રકમ અંગે કચેરીમાં કોઈ પણ બોર્ડ લગાડયું નથી. તેમ જ અંગે ભાડા ના કારોબારી ચેરમેન શ્રી દ્વારા પણ સ્થાનિક મીડિયામાં ભાવ અંગે કોઈ પણ સ્પષ્ટતા કરાઈ નથી. ભૂકંપગ્રસ્ત ૨૫૦૦ પરિવારોને સ્પર્શતા આ પ્રશ્ન ના નિરાકરણ માટે તંત્ર અને સરકારે પાંચ વર્ષમાં કોઈ નિર્ણય લીધો નહીં તેનું આ પરિણામ છે. હવે, જયારે પ્લોટ ધારકો પણ જંત્રી ભાવે પ્રીમિયમ વસૂલવા માંગણી કરી રહ્યા છે, ત્યારે પણ ભાડા કચેરી, કલેકટર કચેરી અને રાજય સરકાર પણ આ અંગે ઉદાસીન વલણ બતાવે છે એ આદ્યાતજનક હોઈ કોંગ્રેસ પક્ષ આ વલણને સખત શબ્દો માં વખોડે છે.  સરકાર જયારે કચ્છમાં મોટા મોટા ઉદ્યોગો ને ટોકન ભાવે જમીન આપી રહી છે, ભૂતકાળમાં પણ આપી છે. ત્યારે એક વખત પૂરી કબજા કિંમત ભરીને નવી શરત નો પ્લોટ મેળવનાર ભૂકંપગ્રસ્ત મધ્યમ વર્ગીય પરિવારોને તેમની માંગણી મુજબ જંત્રી ભાવે પ્લોટ જૂની શરતમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે એવી કોંગ્રેસ પક્ષ વતી રજૂઆત છે.

(11:30 am IST)