Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

જામકંડોરણા પાસે પતિની નજર સામે જ પત્નિનું મોત

હોન્ડાને હડફેટે લઇ ટ્રક નાસી ગયોઃ ભાદાજાળીયાથી પાઘડાર પરિવાર આવતો'તો

જામકંડોરણા,તા. ૨૮: ધોરાજી રોડ પર દુધીવદરના પાટીયા પાસે ટ્રક ચાલકે મોટર સાયકલ હડફેટે લેતા મોટર સાયકલમાં બેઠેલ મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. રવિવારે સવારના દશેક વાગ્યાના અરસામાં તાલુકાના ભાદાજાળીયા ગામના ભુપતભાઇ મોહનભાઇ પાઘડાર તેમના પત્ની સાથે હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલમાં આવતા હતા ત્યારે સામેથી આવતા ટ્રક ચાલકે હડફેટે લેતા તેમની પત્ની અલ્કાબેન (ઉવ.૪૫) રોડ ઉપર પડી જતા માથાના ભાગે તથા કમરના ભાગે ટ્રકના વ્હીલ ફરી વળતા તેમનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની સાથેના તેમના સાઢુભાઇના દીકરા ધ્યેયને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમજ મોટર સાયકલ ચાલક ભુપતભાઇને સામાન્ય ઇજાઓ પહોંચી હતી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઇને નાસી ગયો હતો. આ અંગે ભુપતભાઇએ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જામકંડોરણા પોલીસે ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

(11:03 am IST)