Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મોરબીની ઓરેવા ગ્રુપ કંપનીએ કર્મચારીઓનો કોવીડ વેકસીનનો ખર્ચ ઉઠાવવા તૈયારી દર્શાવી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮: કોરોના મહામારી વચ્ચે વેકસીન તૈયાર થવાની તૈયારીઓ થઇ રહી છે અને વેકસીનેશન કાર્યક્રમ આગામી દિવસોમાં શરુ થવાના છે ત્યારે મોરબીની ઓરેવા ગ્રુપ કંપની તેના તમામ કર્મચારીઓને પીપીપી મોડલ મુજબ કોવીડ ૧૯ રસીનો ખર્ચ ઉઠાવવા તૈયારી દર્શાવી છે.

સરકાર કોરોના વાયરસ સામે સામૂહિક રસીકરણ ઝુંબેશની તૈયારી કરી રહી છે, દેશ ના દરેક જરુરીયાત મંદ લોકો સુધી કોવિડ વેકસીન પહોચી શકે તેના માટે સમગ્ર સરકાર અને તેની તમામ મશીનરી તન-તોડ પ્રયાસ કરી રહી છે. એમ્સના અગ્રણી આરોગ્ય ચિકિત્સક તેમજ દ્યણા મહાનુભાવોએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અને સાથ સહકારની ભાવનાથી આ મહા અભિયાનમાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરી છે. જેથી રસીકરણનું મહા અભિયાન સરળ અને આર્થિક બોજ રહિત બને.

મોરબી સ્થિત વિશ્વવિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપ માં હજારો કર્મચારીઓ કાર્યરત છે માત્ર મોરબી જ નહિ પણ આજુબાજુના ૬૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં પથરાયેલ ઘણા બધા ગામોના કર્મચારીઓ ઓરેવા ગ્રુપ સાથે જોડાયેલા છે ત્યારે અજંતા ઓરેવા ગ્રૂપે ગુજરાત સરકારને પત્ર લખીને તેના કર્મચારીઓ માટે કોવિડ -૧૯ના રસીકરણનો ખર્ચ ઉઠાવવાની કંપનીએ ઈચ્છા વ્યકત કરી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ કંપનીના પ્રસ્તાવને આગળ ધપાવી રાજયના માર્ગદર્શનની પણ અપેક્ષા સેવી છે.

(10:20 am IST)