Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

જૂનાગઢ સેસન્સ કોર્ટનો આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ રદ્દઃ હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી

કેશોદના પીપળી ગામે વૃદ્ધ મહિલાની હત્યા કેસમાં

કેશોદ, તા. ૨૮ :. સ્થાનિક કેશોદથી સાત કિ.મી. દૂર આવેલ તાલુકાના પીપળી ગામમાં તા. ૧૪-૪-૨૦૦૨ના રોજ થયેલા ખૂનમાં પકડાયેલા આરોપીને સેસન્સ કોર્ટે નિર્દોષ છોડી મુકેલ પરંતુ આ ચુકાદા સામે હાઈકોર્ટમાં થયેલ અપીલમાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવતો ચુકાદો આવેલો છે.

તાલુકાના પીપળી ગામમાં તા. ૧૪-૪-૨૦૦૨ના રોજ મધ્યરાત્રીના ૨ વાગ્યે ગોદાવરીબેન લક્ષ્મીદાસ કાલરીયા ગામની વૃદ્ધ મહિલાની ક્રૂર હત્યા થઈ હતી. આ અંગે પોલીસે ઈ.પી.કો. કલમ ૩૦૨, ૩૯૭, ૪૫૦ તથા બોમ્બે પોલીસ એકટની કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી તપાસના અંતે તે જ ગામના દિલીપભાઈ બચુભાઈ ડાભીની ધરપકડ કરી તેની સામે અદાલતમાં કેસ મુકયો હતો.

આ કેસ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જૂનાગઢ સેસન્સ કોર્ટ તા. ૨૮-૬-૨૦૦૬ના રોજ આરોપીને નિર્દોેષ છોડવતો ચુકાદો આપ્યો હતો.

સેસન્સ કોર્ટના આ ચુકાદા સામે મરનાર ગોદાવરીબેનના પતિ લક્ષ્મીદાસ ડાયાભાઈ કાલરીયાએ હાઈકોર્ટમાં સરકારને સાથે રાખી અપીલ કરી હતી. આ અપીલનો ચુકાદો આપતા હાઈકોર્ટે જૂનાગઢ સેસન્સ કોર્ટનો તા. ૨૮-૬-૨૦૦૨નો ચુકાદો રદ કરી આરોપી દિલીપભાઈ બચુભાઈ ડાભીને આજીવન કારાવાસ અને રૂ. ૫ હજારના દંડની સજા ફરમાવેલ છે અને જો ૫ હજાર રૂ. દંડના ભરે તો એક માસની વધો સજા ફરમાવેલ છે.

પીપળી ગામના આ ચકચારી કેસમાં મરનાર તેનો પતિ-પત્નિ સાથે રહેતા હતા અને પત્નિનું ખૂન થયા બાદ તેના પતિ લક્ષ્મીદાસ ડાયાભાઈ કાલરીયાને કેન્સર થતા ઉપરોકત ચુકાદા પહેલા તેનુ પણ ૨૦૦૮માં મૃત્યુ થયુ હતું. બન્ને પતિ-પત્નિને એક માત્ર દિકરી હતી અને તે પણ સાસરીયામા છે જે તે સમયે આરોપી રાત્રીના બે વાગ્યે માત્ર લૂંટ કરવાના ઈરાદે ઘુસેલ પરંતુ આરોપીને ઓળખી જતા તેણે ગોદાવરીબેનને ગરદન, પેટ અને છાતીમાં છરીના ઘા મારી ત્યાંથી નાસી છૂટેલ. ફરીયાદીએ આ બનાવ નજરે જોયેલ અને તા. ૧૬-૪-૨૦૦૨ના રોજ આરોપીની ધરપકડ થયેલી.

(11:57 am IST)