Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

જોડીયા હુન્નર શાળામાં માતૃવંદના મહોત્સવ

 જોડીયા : શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળામાં સંસ્થાના સ્થાપક, માનવમૂલ્ય નિષ્ઠ, પૂ. મહાત્માજીના ચૂસ્ત અનુયાયી, આઝાદી સંગ્રામના લડવૈયા, આજીવન સેવા વ્રતધારી, પૂ. રંભા ફૈબા (સ્વ.રંભાબેન ગણાત્રા)ની ર૮મી પુણ્યતિથિ તેમજ પૂ. ધીરૂભાઇ શેઠની પ્રથમ પુણ્યતિથિથી ભાવાંજલી પ્રસંગે તેમને શ્રદ્ધાસુમનો સમર્પિત કરવા પ્રાર્થના સભા તેમજ ગુણાનુવાદ સભા યોજાઇ હતી. હુન્નર શાળા સંસ્થાના કાર્યકરો તેમજ વિદ્યાર્થીની બાળાઓ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાયોનું પારાયણ કરાયું હતું. તેમજ જ્ઞાન-કર્મ-ભકિતના ત્રિવેણી સંગમ સમા ભજનો/ભાવગીતો રજૂ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત, ઉર્મિશીલ શ્રદ્ધાંજલિ ગીત વડે પ.પૂ. રંભા ફૈબા તેમજ પૂ. ધીરૂભાઇને શ્રદ્ધાસુમનો સમર્પિત કરાયા હતાં. શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળાના અધ્યક્ષ સ્થાને ભરતભાઇ સુખપરીયા. આ સમારોહમાં આ ઉપરાંત ટ્રસ્ટી અશોકકુમાર વર્મા, ટ્રસ્ટી ભરતભાઇ શેઠ તથા સમગ્ર શેઠ પરિવાર, પુષ્પાબેન, ભાનુમતીબેન, શાળાના આચાર્યા પ્રવિણાબેન ફીણવીયા, ગૃહમાતા રંજનબેન, સંસ્થાના એકાઉન્ટન્ટ રમણીકભાઇ દાવડા અને રાજુભાઇ રાવલ, જોડીયાના અગ્રગણ્ય નાગરિકો, ગ્રામજનો, હુન્નરશાળા સંસ્થાના શુભેચ્છકો, વિદ્યાર્થીઓના વાલી, હુન્નશાળા સંસ્થા પરિવાર તથા શાળા પરિવારના સભ્યો. વિદ્યાર્થીનીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્થાઓ, હુન્નશાળા તેમજ અન્ય સંસ્થાઓ, ટ્રસ્ટો, પરિવારો, વ્યકિત વિશેષશ્રીઓ, શાળાના શિક્ષકભાઇઓ-બહેનો તરફથી તેજસ્વી વિદ્યાર્થીનીઓને તેમની શૈક્ષણિક યોગ્યતાઓને લક્ષમાં લઇ સ્મૃતિચિહનનો એવમ પુરસ્કારો એનાયત કરાયા હતાં. આદર્શ વિદ્યાર્થીનીઓ તરીકે યશસ્વી સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીનીઓ, આ ઉપરાંત બ્રાહ્મણ કન્યા પ્રથમ અગ્રતાક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ સ્મૃતિચિહનો તેમજ પુરસ્કારો એનાયત કરી તેમનું સન્માન-અભિવાદન કરાયું હતું. સ્કાઉટ ગાઇડમાં જિલ્લામાંથી ૯ બહેનોને રાજયપાલશ્રી હસ્તે ગાંધીનગર મુકામે એવોર્ડ પ્રાપ્ત કરશે. સમિતિની વિદ્યાર્થીની બહેનોને સ્મૃતિચિહન આપી સન્માન કરાયું હતું. ભરતભાઇ સુખપરિયાએ ઉદ્બોધનમાં ધીરૂભાઇ શેઠને શબ્દાંજલી આપી હતી. ધીરૂભાઇ શેઠની પૌત્રી અને શેઠ પરિવારનું નાનુ પુષ્પ ચિ. મૈત્રી સંજયભાઇ શેઠ દ્વારા પોતાના દાદાના સંસ્મરણો વર્ણવ્યા હતાં. નરેન્દ્રભાઇ ગોહિલે પણ વિદ્યાર્થીનીઓને વકતવ્ય આપ્યું હતું અને અંતમાં રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું. ઇલાબેન ગઢવીએ સંચાલન કર્યું હતું. (તસ્વીર-અહેવાલ : રમેશ ટાંક-જોડીયા)

(9:29 am IST)