Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અરજદારની બીનખેતી અરજી માત્ર બે દિવસમાં મંજુર !!

ફકત ઓનલાઇન અરજી કરવા અરજદારોને કલેકટરની અપીલ

સુરેન્દ્રનગર તા. ૨૦ : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશે જણાવ્યું હતું કે, રાજયમાં બિન ખેતીની જમીન કરવા માટેની અરજીઓને સત્વરે નિકાલ થાય અને વહિવટી તંત્રમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે બિન ખેતીની અરજીઓ ઓન લાઈન કરવાનો નિર્ણય કર્યો છે.

શ્રી કે.રાજેશે વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૧૨મી નવેમ્બરથી ઓન લાઈન કરવાની પ્રક્રિયાનો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. અરજદારશ્રી કંચનબેન ભગવાનભાઈ મરોરસીયાએ રતનપરની સર્વેનં. ૨૬૯ બિન ખેતી કરવા તા.૧૩મી નવેમ્બરના રોજ અરજી કરી હતી. ઓન લાઈન અરજીની પૂર્વ ચકાસણી અધિકારીએ અરજીની સ્વીકાર કર્યો તેની નકલ પણ ઈ-મેઈલથી કરવામાં આવી હતી.

તા.૧૪મી નવેમ્બરે તો ઓનલાઈનમાં તમામ પુરાવા તપાસીને અરજદારને તે જ દિવસે ઈ-મેઈલથી મંજૂરી આપવામાં આવી હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં ઓનલાઈનની પ્રથમ અરજી મંજુર કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બિન ખેતીની અરજીઓ ઓન લાઈન કરવાને સફળતા મળી છે. જિલ્લામાં હવે બિન ખેતીની તમામ અરજીઓ ઓનલાઈન જ અરજી કરવા કલેકટરશ્રીએ જણાવ્યું છે. ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં નહીં આવે તેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે.

(10:47 am IST)