Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમરેલીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો થયેલો શુભારંભ

અમરેલી તા. ૨૦ : રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ થયેલ છે.

ટેકાના ભાવે ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલ ગુણવત્તાના ધોરણ મુજબ મગફળી ખરીદી કરવામાં આવી રહી છે.  નિયત ગુણવત્તાવાળી એટલે કે જાડી મગફળીમાં ૬૫નો ઉતારો, ઝીણી મગફળી માટે ૭૦નો ઉતારો, મહત્તમ ૮ ટકા ભેજ, માટી કાંકરા અને અન્ય કચરા વગરની મગફળી ખરીદવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં નવ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે.

અમરેલી માર્કેટ યાર્ડ ખાતે કાઠમાના ખેડૂતશ્રી અજયભાઇ નરસીભાઇએ જણાવ્યું કે, મારા ખેતરમાં ૨,૫૦૦ કિગ્રા મગફળી થયેલ છે. મેં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ અને અમરેલી માર્કેટ યાર્ડ ખાતે મગફળી પહોંચાડી છે, જેને નિયત ધારાધોરણ મુજબ ચકાસીને ખરીદવામાં આવી છે.

કાઠમાના ખેડૂતશ્રી જયંતિભાઇ ડાભીએ જણાવ્યું કે, અંદાજે ૨,૦૦૦ કિગ્રા જેટલી મગફળી થયેલ છે, અગાઉ ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ, ફરિયાદ વિના નિયમિત રીતે માર્કેટ યાર્ડમાં ખરીદી પ્રક્રિયા શરૂ છે.

ગુજરાત નાગરિક પુરવઠા નિગમ લિ. અમરેલી તાલુકા ગોડાઉન મેનેજરશ્રી ચિરાગભાઇ નનાણીયાએ જણાવ્યું કે, તા.૧૮મીની સાંજ સુધીમાં અમરેલી માર્કેટ યાર્ડ ખાતે ૧૩૯.૪૦ ટન મગફળીની આવક થયેલ છે. અત્યાર સુધીમાં ૨,૪૦૦ બોરી ગોડાઉનમાં પહોંચાડવામાં આવી છે, બાકીની બોરી પહોંચાડવામાં આવી રહી છે. માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવની મગફળીની પ્રક્રિયા નિયમિત અને સતત ચાલી રહી છે.

ટેકાના ભાવે થતી મગફળી ખરીદી પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા કલેકટર આયુષ ઓક

અમરેલી તા. ૨૦ : રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેકટરશ્રી આયુષ ઓકે અમરેલી અને બાબરા તાલુકા માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી. ટેકાના ભાવે ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ થતી કામગીરીનું નિરીક્ષણ કલેકટરશ્રીએ કર્યુ હતુ. તેમની મુલાકાતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ સહિત સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ જોડાયા હતા.

(10:46 am IST)