Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જામનગર જિલ્લામાં ૨૭મીથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

જામનગર તા. ૨૦ : જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ, આગામી તા.૨૭થી તા.૧ ફેબ્રુઆરી સુધી શાળાના બાળકોની આરોગ્ય તપાસ કામગીરી કરવામાં આવનાર છે. જેમાં જિલ્લાની તમામ માધ્યમિક, પ્રા.શાળાના તથા આંગણવાડીના મળી કુલ ૧૮૬૫૭૫ બાળકોને પ્રા.આ.કેન્દ્વના આરોગ્ય સ્ટાફ તથા મેડીકલ ઓફીસર દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવશે. જે પૈકી સંદર્ભ સેવાવાળા બાળકોને વધુ સેવા માટે રીફર કરી સંપુર્ણ સારવારની સુવિધા પુરી પાડવામાં આવનાર છે.

સમગ્ર જિલ્લામાં ચાલનારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે કલેકટરશ્રી રવિશંકર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક અને આરોગ્ય વિભાગની માર્ગદર્શક સુચના મુજબ શાળા તપાસનું શાળાવાર આયોજન કરેલ છે. આ કાર્યમાં આરોગ્ય, તેમજ અન્ય વિભાગને પણ શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં સાંકળી લઈ લગત કામગીરી સમયસર કરવા પત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ છે. તમામ વિભાગોએ આ કાર્યમાં સંપુર્ણ સહભાગી બની કામગીરી કરવાની રહેશે. આ કાર્યક્રમ દરેક સ્કુલમાં શાળા આરોગ્ય સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે.

પ્રથમ દિવસ ગામ તથા શાળાની સફાઈ, પાણીના  સ્ત્રોત, ગટરની સફાઈ, ઔષધિય વૃક્ષારોપણ, પ્રદર્શન, પંચાયત, વન અને વોટર સપ્લાય વિભાગ દ્વારા કામગીરી , બીજો દિવસ બાળકોની પ્રાથમીક તપાસ, આરોગ્ય શિક્ષણ, બાળકોનું ઉંચાઈ/વજન, શિક્ષકો, આરોગ્ય સ્ટાફ, આઈસીડીએસ, આશા બહેનો દ્વારા, ત્રીજો દિવસ ન્યટ્રીશન દિવસ, આરોગ્ય લગત હરીફાઈ, દાદા-દાદી મિટીંગ, શિક્ષકો, આરોગ્ય સ્ટાફ, આઈસીડીએસ, આશા બહેનો દ્વારા, ચોથો દિવસ બાળકોની આરોગ્ય તપાસ, વાલી મિટીંગ, મેડીકલ ઓફીસર, આરોગ્ય સ્ટાફ, શિક્ષકો, આઈસીડીએસ, આશા બહેનો દ્વારા, પાંચમો દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ, આરોગ્યપ્રદ રમતો, વકતૃત્વ સ્પર્ધા, ગ્રા.સં.સમિતિ મિટીંગ, પુણાહુતિ કાર્યક્રમ, શિક્ષણ, આરોગ્ય સ્ટાફ, આઈસીડીએસ, આશા બેહનો, ગ્રામ સંજીવની સમિતિના સભ્યો દ્વારા પ્રતિભાવ એમ લગત ગામમાં દિવસવાર અલગ-અલગ કાર્યક્રમ યોજાશે.

પ્રા.આ.કેન્દ્વના મેડિકલ ઓફીસર દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરી સંદર્ભ સેવાની જરૂરીયાત વાળા બાળકોને વધુ તપાસ અર્થે તાલુકા કક્ષાએ જી.જી. હોસ્પિટલની ખાસ ડોકટરોની ટીમ દ્વારા બાળરોગ નિષ્ણાત, જનરલ ફીજીસીયન, આંખના નિષ્ણાત, નાક કાન ગળાના નિષ્ણાત તથા દાંતના ડોકટરોની ટીમ દ્વારા બાળકોની તપાસ કરવામાં આવશે. તાલુકા કક્ષાએ ટીએચઓ દ્વારા આ કામગીરીનું સંકલન કરી વધુ સારવાર વાળા બાળકોને રાજયની હોસ્પિટલોમાં કે અન્ય રાજયોની હોસ્પિટલોમાં વિના મુલ્યે સારવાર પુરી પાડવામાં આવશે.

જામનગર જિલ્લાની જાહેર જનતાને કલેકટરશ્રી રવિશંકર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકની સંયુકત અપીલ કરી છે કે તમારા વિસ્તારના માધ્યમીક, પ્રા.શાળાના તથા આંગણવાડીના બાળકોની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ  ગામમાં આવે ત્યારે બાળકોની તપાસ કરાવી લેવી.

જિલ્લા કક્ષાએ બેટરી ટેસ્ટનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઇડેન્ટીફીકેશન દ્વારા પ્રતિભાશાળી (યંગ ટેલેન્ટ) ખેલાડીઓની પંસદગી પ્રક્રિયાના ભાગરૂપે આગામી તા.૨૭ના રોજ જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં  ખેલમહાકુંભ-૨૦૧૮માં તાલુકા કક્ષાની અં-૯ તથા અં-૧૧ની ઇવેન્ટમાં ક્રમ ૧ થી ૮માં પસંદગી પામેલા તા. ૧/૧/૨૦૦૮ પછી જન્મેલા તમામ ભાઈઓ તથા બહેનો આ બેટરી ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

આ બેટરી ટેસ્ટની કસોટી તા. ૨૭ સવારે ૮ કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, ક્રિકેટ બંગલો, જામનગર ખાતે યોજાશે. જેમાં કન્વીર ડો. આકાશ ગોહિલ સંપર્ક નં. ૯૯૦૪૨ ૨૫૩૦૧ છે. આ યોજના વિશેની વધુ માહિતી માટે સિનીયર કોચ જામનગરનો સંપર્ક કરવા સિનીયર કોચશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

(10:43 am IST)