Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સલાયાના કરોડોના હેરોઇન પ્રકરણ ત્રાસવાદી સંગઠન સુધી પહોંચ્યું

ખંભાળીયા, તા. રર : બે માસ પહેલા એ.ટી.એસ. દ્વારા ખાનગી રાહે મોટુ ઓપરેશન કમને ખંભાળીયાના સલાયા ગામેથી પાંચ કરોડનો હેરોઇનનો જથ્થો પકડી પાડયો હતો. જેમાં સલાયાના અજીજ અબુબ ભાગડ તથા કચ્છ માંડવીના આરીફ આમદ (સુમરા)ની અટકાયત થયેલી તથા રીમાન્ડ પર લેવામાં આવ્યા હતાં જે પછી એ.ટી.એસને આ પ્રકરણ ઉંડું હોવાની શંકા પડતા તેમણે આ અંગે પાકિસ્તાનથી હેરોઇનનો જથ્થો ભારતમાં ઘુસાડનાર અરસદ સોડા ઉર્ફે રાજુ દુબઇની પણ ધરપકડ કરી હતી જે નેપાળ વોરંટથી પકડીને તેને રીમાન્ડ પર લેવાયેલો હતો.

એ.ટી.એસ. દ્વારા પંજાબ, કાશ્મીર તથા ગુજરાતમાં અને ઉંઝાથી જીરૂની આડશમાં હેરોઇનનો જથ્થો કાશ્મીર મોકલાતો હતો તે પ્રકરણમાં ઉંડી તપાસ હાથ ધરતા આખરે કાશ્મીરના પડગામથી મંજુર અહમદ મીરને ગુજરાત એ.ટી.એસ. દ્વારા ઝડપી લેવાયો છે.

કાશ્મીરથી પકડાયેલો મંજુર અહમદ મીર ત્રાસવાદી સંગઠન જૈસ-એ-મહમદના  અંગે કામ કરતો હોવાનું તથા ગુજરાતમાં સલાયા, માંડવી, ઉંઝા અને અન્ય સ્થળોએથી ૩૦૦ કિલો હેરોઇનનો જથ્થો વેચીને તેના નાણા ૧ર૦૦ કરોડ રૂપિયા અખરોટની નિકાસ તથા કારપેરની એકસપોર્ટના નામથી ૧ર૦૦ કરોડનો હવાલો કરનાર આ શખસ જમ્મુ કાશ્મીરથી પાકિસ્તાનના વેપારીઓના નાણાના હવાલા કરતો હતો અને કારપેર તથા અખરોટના બીલો ડબલ કરી તેમાં અડધા નાણા જૈસ-એ મહમદ સંગઠનને આપતો હતો આ મંજુરની કડી આ હેરોઇન કેસમાં એ.ટી.એસ.ને સાંપડતા એક સપ્તાહથી તેને પકડવા વોચ ગોઠવાઇ હતી જે પછી ગઇકાલે સફળતા મળતા આ મંજુરને પકડીને અમદાવાદ લાવવામાં આવ્યો છે તથા સંભવતઃ આવતીકાલે તેને ખંભાળીયા કોર્ટમાં રજૂ થાય તેવી સંભાવના છે. સાવ સામાન્ય જણાતા નાનકડા ગામ સલાયામાંથી પકડાયેલ હેરોઇનના જથ્થાનું કનેકશન આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન સાથે જોડાતા સમગ્ર ગુજરાતમાં ચકચાર જાગી છે.  (૮.૧૬)

(3:43 pm IST)