Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

શીષક ગામની ખેડુત પુત્રીને મેડિકલ કોલેજમાં એડમીશન નહિ મળતા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

કોટડા સાંગાણી તા.૨૨ : કોટડાસાંગાણી તાલુકાના શીષક ગામની ખેડુત પુત્રીને ધોરણ ૧૨માં ૯૩ પીઆર હોવા છતા મેડીકલ કોલેજમાં એડમીશન ન મળતા મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની હૈયા વરાળ ઠાલવી છે. એક તરફ ઓછા વરસાદથી કોટડા સાંગાણી તાલુકામાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડુતોની સાથે તેમના પરિવારની પણ સ્થિતિ કફોડી બની છે.ત્યારે તાલુકાના શિષક ગામના ખેડુતની ઓગણીસ વર્ષીય પુત્રી ભુમી બાવનજીભાઇ સગપરીયાને ધોરણ ૧૨માં ૯૩ પીઆર હોવા છતા એડમીશન નહી મળતા મુખ્યમંત્રીને પત્ર લખીને મેડીકલ કોલેજમાં એડમીશન મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તે માટે જાણ કરાઇ છે.

વધુમા એમણે ઉમેર્યુ હતુ કે તેમના પિતા બાવનજીભાઇ ખેડુત હોઇ અને આર્થિક રીતે ખેતી સિવાય અન્ય જગ્યાએથી  કોઇ આવક ન હોય જેના કારણે મુશ્કેલી વેઠવી પડે છે. તેમા પણ આ વર્ષે ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. ભુમીએ મેડીકલ કોલેજમાં એડમીશન મેળવવા ઓનલાઇન ફોર્મ ભરી બે વખત ચોઇસ ફિલીંગ કરી છે છતા પણ કોઇ મેડીકલ કોલેજમાં એડમીશન મળેલ નથી. મારી પણ ભ્રુણ હત્યા થઇ હોત તો સારૂ હોત. હાલ અભ્યાસની ઇચ્છા હોવા છતા એડમીશન ન મળવાને કારણે થતી સમસ્યા ને જોવાનો વારો ન આવેત આ દેશની નારી દ્રષ્ટાંત એવા કલ્પના ચાવલા, સુનીતા વિલીયમ્સની જેમ પોતે પણ ઉડાન ભરવા માંગે છે. એક તરફ સરકાર બેટી પઢાવીને સ્લોગન આપીને દિકરીને ભણાવવાની વાલી સમક્ષ જાહેરાતો કરે છે. પરંતુ આ દિકરીની સમસ્યા સાંભળવા કોઇ તૈયાર નથી. આગામી દિવસોમાં એડમીશન નહિ મળે તો પોતાનો મૃતદેહ સ્વીકારવાની તૈયારી રાખવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

(12:19 pm IST)