Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સોૈરાષ્ટ્ર-કચ્છના તલાટી મંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ

ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટ ઠપ્પઃ અરજદારો પરેશાનઃ સરકાર સામે આક્રોશ

રાજકોટ તા.૨૨: સરકાર દ્વારા અણઉકેલ પ્રશ્નો ઉકેલવામાં ન આવતા આજથી રાજયભરમાં તલાટી મંત્રીઓ દ્વારા હડતાલના મંડાણ કર્યાં છે. જેમાં સોૈરાષ્ટ્ર-કચ્છના તલાટી મંત્રીઓ પણ જોડાયા છે.

કોડીનાર

લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા સમગ્ર રાજયના તલાટી કમ મંત્રીઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે તે દરમિયાન ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા ગાંધીનગરની બેઠકમાં તા. ૨૨/૧૦ સોમવારથી તલાટીઓની રાજય વ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાની ચિમકીનાં અનુસંધાને કોડીનાર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પણ તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવી આજે સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.

તલાટી કમ મંત્રીઓ દ્વારા અગાઉ રર ઓગષ્ટ, ૬ સપ્ટેમ્બર અને ૧૧ સપ્ટેમ્બરે તેમની માંગણીઓ અંગે આવેદનપત્ર આપવા છતાં તલાટી કમ મંત્રીઓના કેડરનાં પ્રશ્નો બાબતે કોઇ સકારાત્મક નિરાકરણ ન આવતા આાગમી તા. ૨૨/૧૦ની રાજય ભરમાં હડતાળ ઉપર ઉતરી તમામ ગ્રામપંચાયતોનો વહીવટ ઠપ્પ કરવાનો નિર્ણય કરતાં કોડીનાર તાલુકા તલાટી કમ મંત્રી મંડળે પણ આ હડતાળને સમર્થન આપી હડતાળ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારતાં કોડીનાર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોનું કામકાજ ઠપ્પ થઇ જવાનાં કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ટંકારા

ટંકારાઃ તાલુકાના ર૬ ગામના તલાટીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલ છે.

ગુજરાત તલાટી મહામંડળના આદેશ મુજબ ટંકારા તાલુકાના ર૬ ગામના તલાટીઓ હડતાલ ઉપર ઉતરેલ છે.

તલાટીઓ દ્વારા સરકારને અગાઉ અનેક વખત રજુઆતો કરાયેલ છે. ધરણા તથા દેખાવો કરાયેલ છે. પરંતુ સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવતું નથી. છેલ્લે માસ સીએલ ઉપર તલાટીઓ ઉતરેલ. પરંતુ સરકારના બહેરા કાને તલાટીઓની વ્યાજબી માંગણીઓ સંભળાતી નથી.

આજથી ટંકારા તાલુકાના ર૬ તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલ. પ્રમુખશ્રી આર.ડી.મકવાણા, ઉપપ્રમુખ જી.ડી.ઝાલા સચિવ કે.એ.ભટાસણાએ જણાવેલ છે કે જયાં સુધી સરકાર અમારી વ્યાજબી માંગણીઓ સ્વીકારશે નહી ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. (૧.૧૦)

(11:52 am IST)