Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

યુવાનોની શકિતને દિશા આપી તેનું ઘડતર કરવા સરકાર કૌશલ્ય સભર તાલીમ આપે છે

અમરેલી ખાતે એપ્રેન્ટીસ કસર વિતરણ-ભરતી મેળો યોજાયો

અમરેલી, તા.૧૬: કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યોઘોગ અને વાહન વ્યવહારમંત્રી તેમજ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીય યોજના તળે એપ્રેન્ટિસ કરાર વિતરણ તથા ભરતીમેળો યોજવામાં આવ્યો હતો.

જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, ભારત એ વિશ્વ માટે જ્ઞાન અને દિશા આપનારું પ્રેરણા સમાન રાષ્ટ્ર છે. યુવાનોની આંતરિક શકિતને યોગ્ય દિશા આપી તેનું ઘડતર કરવાનું અને કૌશલ્યસભર તાલીમ આપવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, યુવાધનના સામર્થ્યને યોગ્ય દિશા મળે તો રાષ્ટ્રના વિકાસમાં ઉમેરો થઇ શકે છે. યુવાનોની કુશળતામાં ઉમેરો કરતી તાલીમ બાદ તેમને રોજગારી મળી રહે તેવું આયોજન રાજય સરકારે કર્યુ છે. આગામી સમયમાં કૌશલ્યસભર વર્ગની આવશ્યકતાનું પણ નિર્માણ થશે, જે તાલીમબધ્ધ યુવાઓ માટે રોજગારીની તકોના દ્વાર ખોલી આપશે.

પ્રાસંગિક પ્રવચન કરતા સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે, રાષ્ટ્રના વિકાસમાં ઔધોગિક એકમોનો પણ ફાળો છે. યુવાકૌશલ્યને સુયોગ્ય દિશા મળે તો રાષ્ટ્રની ઉન્નતિમાં ઉમેરો થઇ શકે. તેમણે યુવાઓને શુભકામનાઓ પાઠવી હતી.

કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં એપ્રેન્ટિસશીપ અધિનિયમ હેઠળ ૯૬ એકમોમાં કુલ ૩૮૫ એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૭૯૦ એપ્રેન્ટિસ તાલીમ લઇ રહ્યા છે. અમરેલી જિલ્લામાં પ્રાઇવેટ સેકટર ૫૯, સેન્ટ્રલ ગર્વમેન્ટ સેકટર ૪, સેન્ટ્રલ પબ્લિક સેકટર યુનિટ ૧, સ્ટેટ પબ્લિક સેકટર યુનિટ ૩૨ એમ કુલ મળી ૯૬ એકમો કાર્યરત છે.

આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોએ સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર વિવિધ નોકરીદાતાઓ અને બોર્ડ-નિગમોના અધિકારીશ્રી-પ્રતિનિધીશ્રીઓને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કરાર આધારિત એપ્રેન્ટિસ કરાર હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. આઇટીઆઇ આચાર્યશ્રી એચ.જે. દવેએ શાબ્દિક સ્વાગત કરી મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીય યોજના અને તે અંતર્ગત અમરેલી જિલ્લામાં થતી પ્રવૃત્ત્િ।ની વિગતો આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશ જોષીએ કર્યુ હતુ.  

કાર્યક્રમમાં પૂર્વમંત્રી સર્વશ્રી બાવકુભાઇ ઉંધાડ, શ્રી વી.વી. વદ્યાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી ડો. કાનાબાર, શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી રિતેષભાઇ સોની, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ડેર, શ્રી ગોપાલભાઇ વસ્તરપરા, શ્રી મયુરભાઇ હિરપરા, પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી ધોળકીયા, નોકરીદાતાશ્રીઓ, એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૨)

(12:24 pm IST)