Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ચોટીલાના જીવાપરમાં 'હિટ એન્ડ રન': કોળી મહિલા દુધીબેન મીઠાપરાનું મોત

રાજાવડલા રહેતાં ભાઇને મળી આણંદપર આવ્યા બાદ ચાલીને જીવાપર જતા'તા ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૬: ચોટીલાના જીવાપરના કોળી મહિલાનું ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ જીવાપર રહેતાં દુધીબેન ભીખુભાઇ મીઠાપરા (ઉ.૫૬) નામના કોળી મહિલા  દુધીબેન ભીખુભાઇ મીઠાપરા (ઉ.૫૬) ગઇકાલે રાજાવડલા રહેતાં પોતાના ભાઇના ઘરે ગયા હતાં ત્યાંથી સવારે અગિયારેક વાગ્યે પરત આવી આણંદપર ઉતર્યા હતાં. ત્યાંથી ચાલીને નજીકમાં જ આવેલા પોતાના ગામ જીવાપર જવા રવાના થયા ત્યારે રસ્તામાં કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી ગયો હતો.

ગંભીર ઇજાગ્રસ્ત દુધીબેનને સારવાર માટે ચોટીલા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને રાજદિપસિંહે કાગળો કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ચાર દિકરા અને ચાર દિકરી છે. જેમાં એક દિકરા ભુપતભાઇ ચોટીલા રૂટની ૧૦૮માં ઇએમટી તરીકે ફરજ બજાવ છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. ચોટીલા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૭)

(12:22 pm IST)