Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વાંકાનેર પાણી સહિતના પ્રશ્નો સાંભળતા નવા મંત્રી બાવળીયા

વાંકાનેર તા. ૧૪ :.. વાંકાનેર સેવા સદન ખાતે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ મંત્રી બનતાની સાથે જ વાંકાનેરના પાણી પુરવઠા અને પશુપાલન તથા ગ્રામ ગૃહ નિર્માણના પ્રશ્નો સાંભળવા માટે પોતાને સોંપેલી કામગીરીની સમીક્ષા અને લોકોના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે વાંકાનેર તાલુકાના મોટા ભાગના સરપંચો, મોટાભાગના પંચાયતના સભ્યો, ઉપરોકત વિભાગના વહીવટી અધિકારીઓની હાજરીમાં પ્રથમ પાણી પ્રશ્ન રજૂ થતાં પાણી પુરવઠા અધિકારીએ જણાવેલ કે ગ્રામ્ય વિસ્તારની ૧૦૪ ગામોની જૂથ યોજના છે તેમાંથી આપણે ૮૩ ગામને પાણી આપીએ છીએ જેમાંથી બાકી રહેલા ગામોમાં ૪ ગામોને ટેન્કરથી પાણી અપાય છે ત્યારે મંત્રીશ્રી બાવળીયાએ પાણી પુરવઠા અધિકારીને રોકતા જણાવેલ કે આપણે ટેન્કર દ્વારા નહીં પણ આપણે પીવા માટેના પાણીનો પ્રશ્ન કાયમી હલ કરવાનો છે. આ અંગે અધિકારીએ કહેલ કે, આ જૂથ યોજના ૮ વર્ષ પહેલા બની હોઇ, જેનો સર્વે કરી ૧પ દિવસમાં રાજય સરકારને મોકલી મોટા ભાગના ગામોમાં પીવા માટેના નીર હજુ સુધી ન પહોંચવાના કારણે પુછતા ત્યાં રજૂઆત કરવા આવેલ આગેવાનોએ જણાવેલ કે, પાણીની પથારાયેલી પાઇપ લાઇનનું કામ નબળુ થયુ હોવાનું દર્શાવેલ હતું. જયારે પીપળીયારાજ, રાણેકપર,  પંચાસર, પાંચદ્વારકા અને પ્રતાપગઢની પાણી યોજના અંગે પીપળીયા રાજના સરપંચ મૌલાના એ રજૂઆત કરી હતી. જયારે રાતી દેવડી ગામને ૧૪-૧પ દિવસે પાણી મળે છે જે અંગે આક્રોશ પણ શ્રી બાવળીયા જ સાંભળતા હોઇ, આ અંગેની રજૂઆત સમયે વહીવટી અધિકારીઓએ જણાવેલ કે, મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં પશુઓની વસ્તી વધુ હોઇ, જે માટેની પશુ ધારકોએ લોન મેળવવા અરજીઓ કરેલ હોય ત્યારે માત્ર રાજકોટ ડી. કો. ઓ. બેન્ક ખેડૂતોને પશુ પાલકોને લોન આપતી  હોઇ, જે ખાતેદારો ઉપર આ બેન્કનું ભારણ હોય તે બેન્ક ધીરાણ આપતી નથી ત્યારે આ પ્રશ્ને દરેક તાલુકાની સહકારી મંડળીઓ મારફત પશુપાલકો, ખેડૂતો નેે મંડળીઓ દ્વારા ધીરાણ અપાય તેવી માંગણીઓ ઉડી હતી. ત્યારે હાજરજનોએ તાળીઓના ગગડાટથી આ પ્રશ્નને સમર્થન આપ્યું હતું. જયારે વચ્ચે કુંવરજીભાઇએ ઉભા થઇને જણાવેલ કે, આ મંડળીઓના ધીરાણનો પ્રશ્ન રાજય સરકાર પાસે પણ આવેલ હોઇ, આ અંગે ઘટતું થશે તેવી હૈયા ધારણા આપી હતી.

બાદમાં મંત્રીશ્રીએ જણાવેલ કે, મારા હસ્તકના ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગમાં જે જે જગ્યાએ જમીનો મળશે ત્યાં મકાનો બનાવવાની કાર્યવાહી હાથ ધરાશે.

બાદમાં વાંકાનેર શહેરના ભાજપ પ્રમુખ દીનુભાઇ વ્યાસ, ન.પા.ના પ્રમુખ રમેશભાઇ વોરા, ઉપપ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ, કારોબારી ચેરમેન ઇન્દુભા જાડેજા, જીજ્ઞાસાબેન મેર, મહંમદભાઇ રાઠોડ સહિતનાઓએ મંત્રીશ્રીનું શાલ ઓઢાડી, ફુલહાર કરી સન્માન કરેલ. બાદમાં ન.પા. વિસ્તારમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી કાચબા ગીતએ થઇ ચાલતી હોઇ, જેના કારણે શહેરભરના ખાડા ખબડા જેવા રસ્તાઓના કામો થઇ શકતા નથી. આ બાબતે મંત્રીશ્રીએ વહીવટી અધિકારીઓને ભૂગર્ભ ગટર કામગીરીના તમામ રેકર્ડ સાથે ૧પ દિવસમાં સરકારમાં રૂબરૂ જાણ કરવા સુચના આપેલ હતી. આ પ્રસંગે મોરબી વહીવટી અધિકારી જોશી, નાયબ કલેકટર જીજ્ઞાસાબેન ગઢવી, મામલતદારશ્રી ચાવડા, તા.વિકાસ અધિકારી તથા અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. (પ....૧૭)

 

(12:19 pm IST)