Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જોડીયાના સફાઇ કામદારોને અઢી વર્ષના પગાર - ભથ્થા ચુકવવા રજૂઆત

જામનગર તા.૧૬ : વાલ્મીકી યુવા મિત્ર મંડળ દ્વારા જીલ્લા કલેકટરશ્રીને પત્ર પાઠવીને જોડિયાના સફાઇ કામદારોના અઢી વર્ષના પગાર ભથ્થા ચુકવવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, જોડીયા ગ્રામ પંચાયત હસ્તક સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતા જોડીયાના સફાઇ કર્મચારીઓને છેલ્લા ૩૦ મહિનાથી વેતન મળ્યુ નથી. આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતા સફાઇ કર્મચારીઓ તેમના હકકથી હજુ પણ વંચીત છે અને છેલ્લા અઢી વર્ષથી વેતન ન મળવાથી રોજી રોટી વગરના થઇ ગયા છે અને ગુજરાન ચલાવવુ મુશ્કેલ થઇ ગયુ છે.

તાત્કાલીક તપાસ કરી સબંધિત વિભાગો સાથે સંકલન કરી સફાઇ કર્મચારીઓને અઢી વર્ષથી બાકી ભથ્થા તાત્કાલીક ચુકવવા નમ્ર વિનંતી છે.

જોડીયા ગ્રામ પંચાયતના ૧૮ જેટલા સફાઇ કર્મચારીઓને ૩૦ માસથી પગાર નહી મળતો હોવાથી આ પરિવારોને ગુજરાન ચલાવવુ અત્યંત મુશ્કેલ બની ગયુ છે તેથી તેઓ તા. ૨૬ જૂનથી હડતાલ ઉપર ઉતરી ગયા છે.

આ ભાજપની સરકાર અને અધિકારીઓ અને પદાધિકારીઓના પેટમાં પાણી નથી હલતુ. આ સફાઇ કામદારોના પરિવાર ગુજરાન કેમ ચલાવી રહ્યા છે.

આ પ્રશ્નનું નિરાકરણ નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશુ અને આત્મવિલોપન સુધીના પગલા ભરશુ તેમ વાલ્મીકી યુવક મિત્ર મંડળના પ્રમુખ રસીક કબીરાની યાદીમાં જણાવાયું છે.(૪૫.૪)

(12:16 pm IST)