Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ફીશીંગ બોટ માટે ખરીદેલ ડીઝલ ઉપર ૧૦૦ ટકા વેઇટ રીફંડ આપોઃ જીવનનિર્વાહ ચલાવવા મુશ્કેલી

માછીમારોના અન્ય પ્રશ્નો બાબતે બોટ એસો.ના પ્રમુખ દ્વારા રાજનાથસિંહને રજૂઆત

પ્રભાસપાટણ, તા. ર૩ : વેરાવળ તાલુકાના ભીડીયા બંદરના બોટ એસોસીએશનના પ્રમુખ લક્ષ્મીકાંતભાઇ સોલંકી, ભીડીયા કોળી સમાજના પ્રમુખ જેન્તીભાઇ સોલંકી અને અન્ય આગેવાનો દ્વારા દીવ મૂકામે પધારેલ ગૃહમંત્રી રાજનાથસિંહને માચ્છીમારોની સમસ્યા અંગે રૂબરૂ મળીને લેખીતમાં રજૂઆત કરેલ હતી.

અને જણાવેલ કે અમારો મુખ્ય ધંધો માચ્છીમારનો છે અને અમારી ફીશીંગ બોટમાં એક ટ્રીપના ૩ થી ૪ હજાર ડીઝલ વપરાશ થાય છે. હાલમાં સરકારના નિયમ અનુસાર ડીઝલના ભાવ સતત વધી રહેલ છે અને અત્યાર સુધીના ભાવો ટોચ ઉપર છે. સરકારના આગળના નિયમ મુજબ બોટના વપરાશ માટે ખરીદેલ ડીઝલ પર ૧૦૦% વેઇટ રીફંડ આપવામાં આવતું હતું તેના બદલે નવા નિયમો મુજબ ખરીદેલ ડીઝલના ૧૧૦૦૦ લીટર ઉપર પ૦% વેઇટ રીફંડ આપવાનું નક્કી થયેલ છે તેમજ એકજ રાશનકાર્ડ દીઠ એક જ બોટની ખરીદ ઉપર રાહત આપવામાં આવે તેવી જાહેરાતો કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતના માચ્છીમારો બાપ-દાદાના સમયથી સંયુકત કુટુંબમાં રહેવા ટેવાયેલ છે તેમજ તેમનું રેશનકાર્ડ પણ સંયુકત કુટુંબમાં એક જ હોય છે. હાલની આર્થિક પરિસ્થિતિ તેમજ માચ્છીમારોના ધંધાની વિટબંણાને કારણે આવા મોટા કુટુંબનું ભારણ-પોષણ એક બોટની આવકથી થઇ શકે નહીં તેની ઘણા સંયુકત કુટુંબમાં એકથી વધુ બોટ ધરાવે છે જેથી ભરણપોષણ થઇ શકે.

જેથી દરેક ફીશીંગ બોટના વપરાશ માટે ખરીદેલ ડીઝલ ઉપર ૧૦૦ ટકા વેઇટ રીફંડ મળે તો માચ્છીમારોના જીવન નિર્વાહ ચલાવવા સરળ રહે.

અમારી જાણ મુજબ ગુજરાતના નજીકના રાજય દીવ-દમણ અને મહારાષ્ટ્રમાં ૧૦૦% વેઇટ રીફંડ આપવામાં આવે છે અને ડીઝલ વપરાશના કવોટા પણ ૩પ થી ૪૦ હજાર લીટર સુધી આપવામાં આવે છે તેવી રીતે ગુજરાતના માચ્છીમારોને પૂરતા પ્રમાણમાં ડીઝલ તથા વેઇટ રીફંડની રકમ માન્ય ડીઝલ પંપ પરથી મળે તેવી માંગણી સાથે ગૃહમંત્રી, મુખ્યમંત્રત્રી, નાણામંત્રી, મત્સ્યોદ્યોગમંત્રી અને સાંસદને લેખિતમાં જણાવેલ છે. (૮.પ)

(12:14 pm IST)