Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

વાંકાનેર તાલુકા ભાજપનું સ્નેહમિલન નવા વરાયેલા તાલુકા ભાજપના હોદ્દેદારોનું સન્માન કરાયુ

રાજવી પરિવારના યુવરાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં

વાંકાનેર તા.૨૦ : વાંકાનેર તાલુકા ભાજપનું સ્નેહમિલન અને નવા વરાયેલા તાલુકા ભાજપના હોદ્દેદારોને સન્માનીત કરવાનો કાર્યક્રમ અત્રેની ગરાસીયા બોર્ડીંગમાં રાજવી પરિવારના યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સહકારીક્ષેત્રના આગેવાન મોરબી યાર્ડના પ્રમુખ મગનભાઇ વડાવીયા, મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી હીરેન પારેખ, ઉપપ્રમુખ યુસુફભાઇ શેરસીયા, ગુજરાત રાજય માટી કલાકારી બોર્ડના ડીરેકટર સુરેશભાઇ પ્રજાપતી મોરબી જીલ્લા યુવા ભાજપના મહામંત્રી ચેતનગીરી ગોસ્વામી, કાળુભાઇ કાકરેચા, અર્જુનસિંહ ઝાલા, ગોવિંદભાઇ દેસાઇ - જાલીડા, અમરશીભાઇ મઢવી, જીજ્ઞાશાબેન મેર, ધીરૂભાઇ નાગ્રેચા, પાંચ દ્વારકાના ભુવાશ્રી, પરેશભાઇ મઢવી, ગોપાલભાઇ મઢવી, ન.પા.ના સદસ્ય અમુભાઇ ઠાકરાણી, મહમદભાઇ રાઠોડ, મહાવીરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ગોરધનભાઇ સરવૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે વિધ્નહર્તા દેવ ગણેશજીની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટય બાદ મંચસ્થ અગ્રણીઓનું સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ તાજેતરમાં જ વાંકાનેર તાલુકા ભાજપના નવનિયુકત હોદ્દેદારો તાલુકા પ્રમુખ વાઘજીભાઇ ડાંગરેચા, મહામંત્રી કિશોરસિંહ ઝાલા (કોઠારીયા), મહામંત્રી હિરાભાઇ બાંભવા ઉપરાંત કૃભકોમાં ડેલીગેટ તરીકે નિમણુંક પામેલ પ્રદિપસિંહ ઝાલા - ઢુવા, ઇસ્માઇલભાઇ કડીવાર વાલાસણ અને જલાભાઇ શેરસીયા ચંદ્રપુરની બિનહરીફ વરણી થતા આ તમામ હોદ્દેદારોનું શાલ ઓઢાડી અને પુષ્પહારથી મંચસ્થ અગ્રણીઓએ સન્માન કર્યુ હતુ.

આ પ્રસંગે યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા મગનભાઇ વડાવીયા, હીરેન પારેખ સહિતના અગ્રણીઓએ સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા તથા મોરબી જીલ્લા અને પ્રદેશ ભાજપના અગ્રણીઓનો આભાર વ્યકત કરતા જણાવેલ કે આપણી અપેક્ષા અને આપણે સુચન કરેલા તાલુકા ભાજપના હોદ્દેદારોની નિમણુંક કરી છે. હવે ઉપસ્થિત સૌએ ખભેખભા મિલાવી આવનારી તાલુકા અને જી.પંચાયત તેમજ ધારાસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીલ્લા અને તા.પં.માં સતારૂઢ થાય તે માટે પ્રયત્નો અત્યારથી જ શરૂ કરી દેવા માટે હાકલ કરી હતી. જેને ઉપસ્થિત શહેર અને ગ્રામ્યજનોએ તાલીઓથી વધાવી હતી. તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ ડાંગરેચાએ પણ પોતાનો બહોળો અનુભવથી પક્ષના સંગઠન કાર્યને આગળ ધપાવીશુ તેવી ખાત્રી આપેલ. કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટએ કરેલ હતુ.

(12:09 pm IST)