Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પોરબંદરના કિર્તી મંદિરે પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રાનું સમાપન : ૧પ જિલ્લામાં અહીંસા-સ્વચ્છતાના સંદેશા વહેતા કર્યા

પોરબંદર, તા. ર૦ : સાબરમતી આશ્રમથી નીકળેલી પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રાનો ગાંધી ભૂમિ પોરબંદર કીર્તી મંદિરે સમાપન સમારોહ યોજાયો હતો. આ અનોખી યાત્રા ૧પ જિલ્લામાં ફરી અહીંસા, સ્વચ્છતા અને નેચરોપથીનો સંદેશો વહેતો કર્યો હતો.

મહાત્મા ગાંધીજીએ નેચરોપથીની સ્થાપના ૧૮ નવેમ્બર ૧૯૪પમાં કરી હતી. આ દિવસને દેશભરમાં નેચરોપથી દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્મૃતિમાં અને મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝર (આઇ.એન.ઓ.) ગુજરાત તેેેમજ સૂર્યા ફાઉન્ડેશન દ્વારા તા. ૧ર થી ૧૮ નવેમ્બર અમદાવાદ સાબરમતી આશ્રમથી પોરબંદર પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રા યોજાયેલ જેનું સમાપન તાજેતરમાં મહાત્મા ગાંધીજીનીના જન્મ સ્થળ કીર્તી મંદિર પરિસરમાં થયું.

પૂ. બાપુના જીવનમૂલ્યો અહીંસા, સ્વચ્છતા અને નેચરોપથીના સંદેશા જન-જન સુધી પ્રસરાવવા સાથે પ્રાકૃતિ તરફ પાછા વળો એ સૂત્રને જાગૃત કરવા યોજાયેલી પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રાનો કીર્તી મંદિર ખાતે સમાપન સમારોહમાં પ્રારંભમાં પોરબંદરની આર.જી.ટી. કોલેજના પ્રશિક્ષણાર્થી ભાઇ-બહેનોએ સર્વધર્મ પ્રાર્થના પ્રસ્તુત કરી હતી. બાદ કલાકાર શ્રી નીતિકા આચાર્યએ વૈષ્ણવજન તો તેને કહીએ ભજન પ્રસ્તુત કર્યું હતું. જાણીતા ઇતિહાસવિદ્ શ્રી સુમનસિંહ ગોહિલે સૌને આવકારતા જણાવ્યું હતું કે, કૃષ્ણના બાળસખા સુદામાપુરી અને મહાત્મા ગાંધીજી તેમજ સ્વામી વિવેકાનંદ પોરબંદર ખરા અર્થમાં તપસ્વીઓની તપોભૂમિ છે. મહાત્મા ગાંધીએ સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને પ્રાકૃતિક ચિકિત્સા પર હંમેશા ભાર આપ્યો હતો. આ યાત્રીઓએ મહાત્મા ગાંધીજીનો સંદેશો ૧પ જિલ્લામાં વહેતો મૂકીને યુવા પેઢીને પ્રેરક સંદેશો આપ્યો છે.

ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝરના પોરબંદરના કો-ઓર્ડીનેટર વજુભાઇ પરમાર તથા સંવાહક અતુલભાઇ દવે રીઝવાન આડતીયા ફાઉન્ડેશન સંયોજક ફારૂકભાઇ સૂર્યાએ રપ જેટલા આ યાત્રીઓને સુત્રમાલા પહેરાવી સ્વાગત કર્યું હતું. ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન ગુજરાતના સલાહકાર શ્રી મોહનભાઇ પંચાલે તા. ૧ર થી ૧૮ યોજાયેલી યાત્રાના સંસ્મરણો વાગોળીને ગાંધીજીના આરોગ્ય અને પ્રકૃતિના વિચાર આજે પણ પ્રસ્તુત છે અને લોકોનો મળેલો સહયોગની પ્રશંસા કરી હતી. ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝર ગુજરાતના મહામંત્રી હસમુખભાઇ શાહે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ થકી જળ-વાયુ અને જમીન સાથે ખાદ્યાન્નોને પણ દુષિત કરવાથી માનવીનું સ્વાસ્થ્ય જોખમાયું છે. પ્રાકૃતિક કૃષિથી ઝેરમુકત ખાધાન્નો મળે છે. સ્વાસ્થ્ય રક્ષા સાથે પર્યાવરણની પણ રક્ષા રક્ષા થાય છે. કુદરતમય જીવન પદ્ધતિએ એકમાત્ર સ્વાસ્થ્યનો પાયો છે. તેમણે મહાત્મા ગાંધીજીના બે પુસ્તકો 'આરોગ્યની ચાવી' અને 'હિંદ સ્વરાજ' વાંચવા અનુરોધ કર્યો હતો.

સાબરમતી આશ્રમથી શરૂ થયેલી આ પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રા ગુજરાતના ૧પ જિલ્લામાંથી પસાર થઇ જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાંધેજા, માણસા, મહેસાણા, પાટણ, ડીશા, પાલનપુર, હિંમતનગર, ગોધરા, ભાવનગર, રાજકોટ, જામનગર તેમજ અંતિમ સ્થળ પોરબંદર ખાતે સંપન્ન થઇ હતી.

આઇ.એન.ઓ. પોરબંદરના કો-ઓર્ડીનેટર શ્રી વજુભાઇ પરમાર, સંયોજક અતુલભાઇ દવે તથા કીર્તી મંદિરના પ્રશાંતભાઇ મોઢાને ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશનના ગુજરાતના મોભી મોહનભાઇ પંચાલ તથા હસમુખભાઇ શાહના હસ્તે ગાંધીજીની ચરખાની પ્રતિકૃતિ મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા. ઉદ્ઉપરાંત પોરબંદર રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા ફારૂકભાઇ સૂર્યાના હસ્તે યાત્રીઓને સર્ટીફીકેટ એનાયત કરાયા હતાં. કાર્યક્રમનું સંચાલન શ્રી વજુભાઇ પરમારે સંભાળ્યું હતું. જયારે આભારવિધિ શ્રી અતુલભાઇ દવેએ કરી હતી.

આ સમાપન સમારોહમાં ગાંધીપ્રેમી રમેશભાઇ ઝાલા, કેળવણીકાર ડો. ઇશ્વરલાલ ભરડા, સરકીટ હાઉસના મેનેજર ભરતભાઇ ચૌહાણ, રસીકભાઇ પઢીયાર, પ્રવિણભાઇ ચુડાસમા, હિતેશભાઇ લાખાણી, રાજુભાઇ કોટક, ડો. ભૌેમિક પાનસુરીયા, વજુભાઇ દાવડા, ન્યૂ દિલ્હીના અમરજીતસિંહ, ડો. દીપીકા શાહ, શ્રી પાર્થ દવે, શ્રી રમેશભાઇ વાજા સહિત વિદ્યાર્થીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, ગાંધીપ્રેમી વરિષ્ઠો ઉપસ્થિત રહ્યા હતાં.

(12:08 pm IST)