Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હળવદ શહેરમાં મળી આવેલ એલઈડી લાઈટના જથ્થાને સીઝ કરવાની માંગ

હળવદ,તા.૨૦: શહેરમાંથી પાંચેક દિવસ પૂર્વે પાલીકાના ગોડાઉનમાંથી ૭૦૦ જેટલી એલઈડી સ્ટ્રીટ લાઈટ મળી આવી હતી. ત્યારે શંકાસ્પદ રીતે મળી આવેલી એલઈડી લાઈટના જથ્થાનો માલિક પુરવાર ન થાય ત્યાં સુધી આ જથ્થાને સીઝ કરવા હળવદ પાલીકાના કોંગ્રેસ સદસ્યએ માંગ કરી છે.

શરણેશ્વર રોડ પર નગરપાલીકાના કેન્ટીનના રૂમમાંથી મળી આવેલ ૭૦૦ જેટલી એલઈડી લાઈટના અત્યાર સુધીમાં જુદાજુદા બે લોકોએ પોતાની હોવાના દાવા કર્યા છે. ત્યારે આ એલઈડી લાઈટ પાછળ મોટો ભ્રષ્ટાચાર આચરી લાઈટોને અહીં સંગ્ર કર્યો હોવાની પાલીકા સદસ્ય વાસુદેવભાઈ પટેલએ નગરપાલીકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી આ એલઈડી લાઈટના જથ્થાનો માલિક જયાં સુધી પુરવાર ન થાય ત્યાં સુધી આ જથ્થાને સીઝ કરી દેવા જણાવાયું છે. સાથે જ આશંકા પણ જતાવી છે કે, અમુક શખ્સો ભ્રષ્ટાચારને છુપાવવા આ લાઈટનો જથ્થો કોઈપણ સમયે ત્યાંથી ઉપાડી શકે તેમ છે. સાથે જ સવાલો પણ ઉઠાવ્યા છે કે, જા એલઈડી લાઈટ ઈઈએસએલની હોય તો તેને આ ગોડાઉન ભાડે રાખી પાલીકાને જાણ કરી હતી ? શું ચીફ ઓફિસરને ખબર છે કે, ઈઈએસએલ દ્વારા લાઈટનો જથ્થો અહીં મુકવામાં આવ્યો છે ? અને જા ઈઈએસએલની સ્ટ્રીટ લાઈટો હોય તો કોંગ્રેસના સદસ્યો દ્વારા રેડ કરી લાઈટનો જથ્થો ઝડપ્યો ત્યારે પાલીકાના કર્મચારીઓ પંચરોજ કામ કેમ કર્યું ? આવા અનેક સવાલો હાલ શહેરમાં ચર્ચાઈ રહ્યા છે.

વાસુદેવભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઓફિસર કયારે જાગશે ? અને શહેરના અજવાળા કરવાના બદલે શહેરને અંધારામાં રાખનાર સામે ચીફ ઓફિસર કયારે કાર્યવાહી કરશે ? કે પછી ઢાંકપીછોડો કરી દેવાશે? આવા અનેક સણસણતા સવાલ કર્યા છે.

(12:07 pm IST)