Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગારીયાધારના ડમરાળા ગામે હોળીની રાત્રીએ તસ્કરો ત્રાટકયાઃ ૬ સ્થળે ચોરીઃ ૯૫ હજારની મત્તા ગઈ

ગારીયાધાર, તા. ૨૩ :. ડમરાળા ગામે હોળીની રાત્રીના હિરાના કારખાના અને અલગ અલગ ઘરોના તાળાઓ તોડી તસ્કરોએ આતંક મચાવ્યો હતો. જેમાં કારખાનામાં ૨ કેરેટ ચાલુ હિરા કિં. રૂ. ૩૦,૦૦૦, ૧૦,૦૦૦ રોકડા, હિરા ૨ કેરેટ કિં. રૂ. ૨૦,૦૦૦ અને ઘરના ફળીયાનું હિરો હોન્ડા કિં. રૂ. ૩૫૦૦૦ (નં. જીજે ૦૫ એમએન ૩૧૧૧) તમામ મુદ્દામાલ મળી ૯૫ હજારની ચોરીનો ગુન્હો નોંધાવા પામ્યો હતો.

જેમા ડમરાળાના હરીશભાઈ લીંબાભાઈ બરવાળીયા અને સાહેદો દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ પીએસઆઈ એમ.ટી. પંડયા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

બે બાઈકો અથડાયા

ગારીયાધાર વન વિભાગ કચેરી પાસે નવાગામનો યુવક ભરતભાઈ જીવરાજભાઈ (ઉ.વ. ૨૮) અને ખોડવદરીનો યુવક સલમાનભાઈ સતારભાઈ (ઉ.વ.૨૧) બન્ને હીરો કંપનીના મોટર સાયકલ નં. જીજે ૪ બીડી ૨૨૮૮ અને જીજે ૧ સીબી ૪૫૬૮ સામ સામે અથડાતા ધડાકા જેવા અવાજ સાથે અકસ્માત સર્જાયો હતો.

જેને ઈએમટી જીતેન્દ્ર વાઘેલા અને પાયલોટ સંદીપસિંહ સોઢા દ્વારા ૧૦૮માં લઈ જઈ સીએચસી ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

પરીણિતા દાઝી

લુવારા ગામની પરીણિતા મીનાબેન ભોળાભાઈ ગમારા (ઉ.વ. ૨૬) પોતાના શરીરે દાઝેલી હાલતમાં ૧૦૮ને જાણ થતા ઈએમટી જીતેન્દ્ર વાઘેલા અને પાયલોટ સંદીપસિંહ સોઢા દ્વારા તાત્કાલીક ધોરણે ગારીયાધાર સીએચસી ખાતે લવાયા હતા.

જેમની હાલત ગંભીર જણાતા આગળ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડાયા હતા.

(12:14 pm IST)