Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભાવનગરની બજેટ બેઠકમાં વિપક્ષે વિરોધ કરી વોકઆઉટ કર્યું

ભાવનગર તા.૨૩: મહાનગર પાલિકાની બજેટ બેઠક મેયર મનહરભાઇ મોરીના અધ્યક્ષસ્થાને મળી હતી. મહાનગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું વાર્ષિક બજેટ રૂ. ૧૦૦૯ કરોડનું રજુ થયું હતું.

આ બજેટ બેઠકનાં પ્રારંભે તાજેતરમાં જ ડેપ્યુટી મેયર ગોવિંદભાઇ કુકરેજાને ગાયે ઢીંક મારી જીવલેણ ઇજા પહોંચાડતા તેમનું દુઃખદ અવસાન થયું છે, આ સભામાં તમામ સદસ્યોએ બે મિનિટનું મોૈન પાળી સ્વ. ગોવિંદભાઇને શ્રધ્ધાંજલી પાઠવેલ. ત્યારબાદ મહાનગરપાલિકાનું બજેટ રજુ થયું હતું અને મેયર મનહરભાઇ મોરીએ તેમ જણાવ્યું હતું કે હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર થઇ હોય, ચૂંટણીની આચારસંહિતા ચાલતી હોય આ બજેટ ઉપર કોઇપણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર આ બજેટ સર્વાનુંમતે મંજુર કરવામાં આવે છે. મેયરશ્રીએ તેમ કહેતા કોંગ્રેસ-વિપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, પૂર્વ નેતા ભરતભાઇ બુધેલીયા સહિતના કોંગ્રેસના સદસ્યોએ જણાવ્યું હતું કે તેમ એ રીતે જાહેર ન કરી શકો કે આ બજેટ સર્વાનુંમતે મંજુર કરવામાં આવે છે. વિપક્ષના સભ્યોને વિશ્વાસમાં લેવા જોઇએ અને તેમની સંમતી લેવી જોઇએ તેમ આ બજેટ બેઠકમાં થયું નથી. તેથી વિપક્ષી સભ્યો રોષે ભરાયા હતા અને આ બજેટ બેઠકનો બોયકોટ કરી બહાર નિકળી જતા ભારે ખળભળાટ મચી જવા પામી હતી. કોઇપણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર શિક્ષણ સમિતિનું રૂ. ૧૨૫ કરોડ અને મહાનગરપાલિકાનું રૂ. ૧૦૦૯ કરોડનું બજેટ સત્તાધારી ભાજપે બહુમતિના જોરે મંજુર કરી નાંખ્યંુ હતું.

(12:08 pm IST)