Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મોરબીમાં પ્રાચીન સિક્કા અને ટપાલ ટીકીટોના સંગ્રાહક મીતેશભાઇને લીમ્કા બુકમાં બીજી વખત સ્થાન

મોરબી તા. ૨૩ : યુવા ધારાશાસ્ત્રીએ નાની વયથી પ્રાચીન સિક્કા અને ટપાલ ટીકીટના સંગ્રહ કરવાનો શોખ હોય જે શોખે તેને પ્રસિદ્ઘિ અપાવી છે સાથે જ લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં એક વખત નહિ પરંતુ બીજી વખત તેમને ગૌરવભેર સ્થાન મળ્યું છે અને યુવા ધારાશાસ્ત્રીએ પોતાના પરિવાર સાથે મોરબીને ગૌરવ અપાવ્યું છે.

મોરબીના રહેવાસી અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ મીતેશભાઇ દિલીપકુમાર દવે નાનપણથી જ વિવિધ સિક્કાઓ અને ટપાલ ટીકીટ સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે અને જે શોખને પૂર્ણ કરવા મિતેશ દવેએ ભારત સરકારની તમામ ટંકશાળ દ્વારા બહાર પાડવામાં આવેલ સિક્કાઓ સહીત ભારતીય રીઝર્વ બેંકના પ્રથમ ગવર્નરથી લઈને ઊર્જિત પટેલ સુધીના તમામ ગવર્નરની સહીઓ વાળી નોટ સંગ્રહમાં સામેલ છે મિતેશ દવે પાસે ભારત સિવાય વિશ્વના તમામ ૧૯૨ સંયુકત રાષ્ટ્રના સભ્ય દેશ સિવાય બીજા ૯૩ ડેડ નેશન સહીત કુલ ૨૮૫ દેશના ચલણ અને ટપાલ ટીકીટોનો અનોખો સંગ્રહ છે.

ઉપરાંત તાજેતરમાં જ ઇન્ટરનેશનલ બેંક નોટ સોસાયટી ઓસ્ટ્રેલીયા દ્વારા સતત ત્રીજા વર્ષની સભ્યપદ પ્રાપ્ત થયેલ છે મોરબી શહેરના યુવા વકીલના મત પ્રમાણે 'આપણી સંસ્કૃતિ અને આપણા વારસાનું જતન કરવું એ આપણી પ્રથમ ફરજ છે.' મીતેશને તેના સંગ્રહ બદલ લિમ્કા બૂક ઓફ નેશનલ રેકોર્ડ (વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૧૯) ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ક્રેડીબલ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ રેકોર્ડ ફોરમ અને વર્લ્ડ એમેઝિંગ રેકોર્ડ સહિતના એવોર્ડ પ્રાપ્ત કર્યા છે

મિતેશ પાસે આ સિવાય તેમના સંગ્રહમાં સ્વીટઝરલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ એલિયન બ્રટ, કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડો, કચ્છના મહારાજા પ્રાગમલજી, ભારત રત્ન લતા મંગેશકર, ઉદયપુર મેવાડના રાજકુંવર લક્ષ્યરાજસિંહજી, ભારતના પ્રથમ અવકાશયાત્રી અને અશોકચક્ર વિજેતા રાકેશ શર્મા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના સીએમ વિજય રૂપાણી, સહિતના દિગ્ગજો પાસેથી આવેલ શુભેચ્છા પત્ર પણ તેમના સંગ્રહમાં સામેલ છે પદ્મશ્રી વિજેતા ભીખુદાન ગઢવી, પ્રવીણભાઈ દરજી, ગુણવંતભાઈ શાહ, ધર્મગુરુ દલાઈ લામા, ધર્મગુરુ મોરારીબાપુ, અમિતાભ બચ્ચન, વિખ્યાત ઉદ્યોગપતિ રાહુલ બજાજ, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, સહિતની વિશ્વ વિખ્યાત હસ્તીઓના હસ્તાક્ષર અને પત્રનો દુર્લભ કહી સકાય તેવો સંગ્રહ છે.

(10:04 am IST)