Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કચ્છમાં થઈ સુરતવાળી: અબડાસાના 'આપ'ના પાટીદાર ઉમેદવારે ગુમ થયા બાદ કર્યા કેસરિયા

*આપ દ્વારા બળજબરી સાથે ગોંધી રાખવાનો આક્ષેપ, ભાજપે કહ્યું સમજાવટ બાદ થયું પક્ષ પરિવર્તન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮

 ચુંટણીના અંતિમ તબક્કા દરમ્યાન સુરતવાળી થતાં કચ્છના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. અબડાસા બેઠકના આપ પાર્ટીના પાટીદાર ઉમેદવાર વસંત ખેતાણી એકાએક ગુમ થઈ ગયા હતા. જોકે, સંપર્ક વિહોણા થયા બાદ વસંત ખેતાણી એકાએક કેસરિયા સાથે પ્રગટ થતાં રાજકીય ગરમી આવું ગઈ હતી દરમ્યાન તેઓ ભાજપમાં જોડાયા હોવાનું  નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખે સમર્થન આપ્યું છે. તેની સામે ‘આપ’ના હોદ્દેદારોએ ચૂંટણી પંચ આ મામલે તપાસ કરે તેવી માગણી કરીને ઉમેદવાર વસંત ખેતાણીને ગોંધી રખાયાનો આક્ષેપ કર્યો હતો. આ રાજકીય ઘટનાના પગલે ‘આપ’ના કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.

આ પ્રકરણમાં ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા પાટીદાર ઉમેદવારને સમજાવવામાં આવ્યા હતા. નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ દિલીપ નરસિંગાણીએ કહ્યું હતું કે, વસંત ખેતાણીએ લેખિત સમતિ પત્રક આપીને સામેલ થયા છે. જ્યારે આ અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રોહિત ગોરનો કહ્યું હતું કે, અબડાસા બેઠકના ઉમેદવાર વસંતભાઈ ખેતાણી સાથે કોઈ પ્રકારનો સંપર્ક થઈ રહ્યો નથી. ભાજપના મળતિયાઓએ તેમને દબાણ હેઠળ કોઈ ફેકટરીમાં ગોંધી રાખ્યા છે. આ મામલે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી થવાની માંગ તેમણે કરી હતી. જ્યારે આપના અન્ય નેતાએ વીડિયો મારફત કહ્યું હતું કે અંગત સ્વાર્થ માટે પાર્ટીમાં રહેતા નથી તો પક્ષ તેની કોઈ જવાબદારી લેતું નથી. અબડાસા બેઠક ઉપર પાટીદાર મતો ભારે નિર્ણાયક છે ત્યારે ઉમેદવારની રાજકીય ઉથલપાથલ ભાજપ માટે લાભદાયી બની શકે છે.

(10:58 am IST)