Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પોરબંદરના વિકાસમાં અહેમદભાઇ પટેલનું અનેરૂ યોગદાન લોકો ભૂલી શકશે નહીં

મિશન સીટીનો દરજ્જો, માછીમારોનું સહાય પેકેજ, બંધ મીલ કામદારના પગાર, હકક ચૂકવણી તથા નવો કોસ્ટલ હાઇવે માટે ચાવીરૂપ ભૂમિકા રહેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૮ : પોરબંદરના સર્વાંગી વિકાસમાં સ્વર્ગસ્થ અહેમદભાઇ પટેલનું યોગદાન કાયમ અવિસ્મરણીય રહેશે. પોરબંદરને મિશન સીટીનો ખાસ કિસ્સામાં દરજ્જો માછીમારોનું સહાય પેકેજ, બંધ મીલ કામદારોના પગાર ચૂકવણી, નવો કોસ્ટલ હાઇવે વગેરે માટે અહેમદભાઇની ચાવીરૂપ ભૂમિકા હતી. કોંગ્રેસના આધારસ્તંભ સમા સ્વ. અહેમદભાઇ પટેલના નિધનથી કોંગ્રેસ પક્ષમાં અને દેશવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના લોકો પણ અહેમદભાઇને સજળ નયને યાદ કરી રહ્યા છે.

જવાહરલાલ નેહરૂ અર્બન રિન્યુઅલ યોજના હેઠળ સમગ્ર દેશના અમુક શહેરો પસંદ કરીને આ શહેરોને મિશન સીટી તરીકે વિકસાવવાની યોજના અમલી બની હતી ત્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અર્જુનભાઇ મોઢવાડીયાની વિનંતીને ધ્યાને લઇ અહેમદભાઇ પટેલે અંગત રસ લઇને પોરબંદર શહેર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે એ નાતે મિશન સીટી યોજનામાં સમાવેશ કરવા માટે તત્કાલીન કોંગ્રેસ પક્ષના વડપણ હેઠળની યુ.પી.એ સરકારના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને શહેરી વિકાસ મંત્રી કુમારી શેલજા પાસે અંગત રસ લઇને આગ્રહ પૂર્વક પોરબંદરને મિશન સીટીની દરજજો અપાવવા માટે સનિષ્ઠ પ્રયાસો કર્યા હતાં અને પોરબંદરના સર્વાંગી વિકાસ માટે 'મિશન સીટી' યોજના અંતર્ગત પોરબંદરને રૂપિયા ૮૭ર કરોડનું માતબર ભંડોળ મળ્યું હતું.

સને ર૦૦૧ના ધરતીકંપમાં પોરબંદરની ઐતિહાસિક એવી આપણી સ્ટેટ લાઇબ્રેરીને મોટું નુકશાન થયું હતું તેના સમારકામ માટે અર્જુનભાઇ મોઢવાડીયાએ અહેમદભાઇ પટેલને વિનંતી કરી અને એ સમયે એક જ ભલામણમાં અહેમદભાઇએ આપણી આ ઐતિહાસિક ઇમારતના સમારકામ માટે ૧૭ લાખ મજૂર કરી આપ્યા હતા. અહેમદભાઇ આપણી વચ્ચે નથી રહ્યા પણ તેમનું યોગદાન કાયમી યાદ રહેશે.

'એમ્પેડા યોજના હેઠળ પાકિસ્તાને પકડેલી બોટોના માલિકોને બોટદીઠ રૂ. ર૦ લાખનું પેકેજ અપાવવામાં અહેમદભાઇના સનિષ્ઠ પ્રયાસો.'

પાકિસ્તાન વરસોથી આપણા માછીમારોની બોટો અને ખલાસીઓને દરિયાઇ સીમામાંથી પકડી જાય છે. ખલાસીઓ અને ટંડેલોને જેલમાં રાખ્યા બાદ છોડી મૂકે છે, પરંતુ બોટો પરત કરતા નથી જેણે કારણે બોટ માલિકોને ખૂબ મોટુ આર્થિક નુકશાન ભોગવવું પડે છે. આ બાબતે પોરબંદરના તત્કાલીન ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ કેન્દ્ર સરકાર આ બોટ માલિકોને ખાસ કિસ્સામાં પેકેજ આપે તે માટે રજુઆત કરી હતી અને પોરબંદરના માછીમાર આગેવાનોના પ્રતિનિધિ મંડળની તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિઘ અને કૃષિ મંત્રી શરદ પવાર સાથે મીટીંગ કરાવવામાં અને એમ્પેડા યોજના અંતર્ગત બોટ માલિકોને બોટ દીઠ રૂ. ર૦ લાખનું પેકેજ મળે તે માટે અહેમદભાઇએ સતત સાથે રહ્યા હતાં અને વડાપ્રધાન અને કૃષિ મંત્રીને આ બાબતે સહમત કરાવવામાં પણ ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી.

દેશના છેવાડે આવેલા પોરબંદરને ૧૧૦ કરોડના ખર્ચે જે સ્પ્લીટ ફલાઇ ઓવરબ્રીજ મળ્યો છે તેમાં પણ અહેમદભાઇ પટેલનું અનેરૂ યોગદાન રહેલું છે. પોરબંદરને સ્પ્લીટ ફલાઇ ઓવર બ્રીજ મળે તે માટે પોરબંદરના વિકાસના સ્વપ્નદ્રષ્ટા અર્જુનભાઇ મોઢવાડીયાએ કેન્દ્રની તત્કાલીન યુ.પી.એ. સરકારમાં દરખાસ્ત મૂકી હતી ત્યારે અર્જુનભાઇના આગ્રહથી અહેમદભાઇએ આ બાબત સતત ફોલોઅપ રાખીને પોરબંદરને સમગ્ર ભારતનો બીજો સ્પ્લીટ ફલાય ઓવર બ્રીજ મળે તે માટે મધ્યસ્થીની ભૂમિકા અદા કરી હતી.

સને ર૦૦૪ થી ર૦૧૪નો સમયગાળો એટલે પોરબંદરના સર્વાંગી વિકાસનો સમયગાળો એમ કહી શકાય કારણ કે કોંગ્રેસના વડપણ હેઠળની યુ.પી.એ. સરકારમાં ર્જુનભાઇએ મુકેલી વિકાસના કામોની તમામ દરખાસ્તો તરત જ સ્વીકારી લેવામાં આવતી હતી. અર્જુનભાઇ મોઢવાડીયા અને અહેમદભાઇ પટેલ વચ્ચે ગજબની આત્મીયતા અને વ્યકિતગત ગાઢ સબંધોને પરિણામે અર્જુનભાઇની માંગણીઓ અને રજુઆતો બાબતો અહેમદભાઇ ખાસ કિસ્સામાં અંગત રસ લઇને કેન્દ્ર સરકારમાં ફોલોઅપ લેતા હતાં જેણે કારણે પોરબંદરને દ્વારકા-ભાવનગરને જોડવો નવો નેશનલ હાઇવે પણ મળ્યો છે.

વર્ષો પૂર્વે બંધ થઇ ગયેલા મહારાણા મિલના કામદારોના ૧૮ મહિનાના પગાર બાકી નીકળતા હતા... કેટલાય ધારાસભ્યોને કેટલીય સરકારો બદલાય ગઇ, પરંતુ આ પ્રશ્ન કોઇ હલ કરી શકયું નહોતું. આ પ્રશ્ને પોરબંદરના પનોતા પુત્ર અર્જુનભાઇએ હાથ ઉપર લઇને કોંગ્રેસના વડપણ હેઠળની યુ.પી.એ સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી કે કાપડ મંત્રાલય મહારાણા મિલના કામદારોના બાકી નીકળતા ૧૮ મહિનાના પગારો ચૂકતે કરવા માટે યોજના બનાવે. જો મહારાણા મિલના કામદારોને કેન્દ્ર સરકાર બાકી નીકળતા પગારો ચૂકવે તો સમગ્ર દેશમાં અગણિત મિલો ફડચામાં જઇએ બંધ થઇ ગઇ છે એ સૌના કામદારોના બાકી નીકળતા પગારો ચૂકવવા પડે. તત્કાલીન કૃષિ મંત્રી શંકરસિંહ વાઘેલા અને તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમ આ બાબતે સહમત નહોતા તે સમયે અર્જુનભાઇ મોઢવાડીયાના આગ્રહ અહેમદભાઇએ અંગત રસ લઇને નાણામંત્રી પી. ચિદમ્બરમને સહમત કરાવીને મહારાણા મિલનના કામદારોને તેમના હકકના નાણા અપાવવામાં નિમિત બન્યા હતાં.

વર્ષ ર૦૦૭માં કોંગ્રેસ પક્ષ દ્વારા સાબરમતી આશ્રમ અમદાવાદથી કીર્તી મંદિર પોરબંદર સુધી ગાંધી સંદેશ સાયકલ યાત્રા યોજાઇ હતી. જેના સમાપન પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતિ સોનિયા ગાંધીની જાહેર સભા ચોપાટી મેદાન ખાતે પોરબંદર યોજાઇ હતી ત્યારે અહેમદભાઇ સતત ત્રણ દિવસ સુધી પોરબંદર રોકાયા હતાં. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હોવા છતાં એકદમ સરળ-સાલસ અને મૃદુભાષી વ્યકિતત્વ ધરાવતા અહેમદભાઇ નાનામાં નાના કાર્યકર્તાને પ્રેમ પૂર્વક મળતા હતાં જેના સુખદ સંભારણા એક-એક કોંગ્રેસી કાર્યકર્તના દિલમાં રહેશે. અહેમદભાઇના આત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના. વિવિધક્ષેત્રના  અગ્રણીએ કરી હતી. (૮.૭)

 

રાજુલા સીટી રેલવે સ્ટેશનમાં મુસાફરો માટે તમામ ટ્રેન ચાલુ કરવા રજૂઆત

ડીવીઝનલ રેલ્વે મેનેજરને પત્ર લખતા જણાવ્યું હતું રાજુલાનો જંકશન ( બર્બટાણા ) થી અમદાવાદ- સુરત- મુંબઈની બે ટ્રેનની અવર-જવર ચાલુ છે. આ જંકશન રેલ્વે સ્ટેશન રાજુલાથી ૧૪ કિ.મી. દુર થાય છે જયારે રાજુલા નગર પાલિકાની હદમાં મફતપરા પાસે રાજુલા સિટી રેલ્વે સ્ટેશન છે જયાંથી મહુવા સુધીની એક માત્ર ટ્રેન સવારે ૧૧ કલાકે જાય છે. આ વિસ્તારમાં ૬ થી ૭ હેવી ઇન્ડસ્ટ્રીઝ આવેલી જેમાં અલ્ટ્રાટેકનાં બે પ્લાન્ટ , સિન્ટેકસ, પીપાવાવ પોર્ટ, રિલાયન્સ ડીફેસ , સ્વાન એનર્જી, જી.પી.પી.સી, ટી.ટી. કોટન વગેરે છે.

જેમાં ઓફિસર અને કર્મચારીઓ પૈકી મોટાભાગના ગુજરાત બહારના રાજયોના છે, બહારના રાજયોના ઓફિસર અને કર્મચારીઓને અમદાવાદ સુરત, મુંબઈ જેવા શહેરોમાં જવામાં મુશ્કેલી પડે છે.  આ રાજુલા વિસ્તાર મુખ્ય શહેરોથી દુરના રીમોટ એરિયામાં છે. અહીના લોકોને રોજીંદા વહેવાર કે કોઈ અગત્યના કામ સબબ અમદાવાદ-સુરત-મુંબઈ અવર-જવર રહે છે .

અહીંના ગામડા વિસ્તારના ઘણા લોકો સુરત વસવાટ કરે છે. અહી બ્રોડગેજ લાઈન પણ છે જે પીપાવાવ પોર્ટ સુધીની છે. અગાઉ અહીંની ઘણી બધી સ્થાનિક સંસ્થાઓ જેવી કે ચેમ્બર ઓફ કોમર્સે-રાજુલા તેમજ અન્ય સંસ્થાઓએ અમદાવાદ-સુરત-મુંબઈની તમામ ટ્રેન રાજુલાના જંકશન ને બદલે રાજુલા સિટી સુધી આવે તેવી રજૂઆતો વખતોવખત કરેલી છે જે રજૂઆતોનું શું થયું ? તે અંગે માહિતી માંગી હતી.

તેમજ રાજુલા સિટીથી રાજુલા જંકશન (બર્બટાણા) જવા માટે ખાનગી રિક્ષાવાળાઓ વ્યકિતદીઠ રૂ. ૧૫૦ થી ર૫૦ અને ટેકસી વાળા રૂ.૬૦૦ થી ૭૦૦ ભાડા વસુલે છે. આ અસુવિધાને કારણે પુરતો ટ્રાફિક રેલવેને મળતો નથી અને રેલવેને આવક થતી નથી. રાજુલા સિટી મફતપરા રેલ્વે સ્ટેશને ટર્મિનલ ફેસીલીટી અને રેલ્વે સ્ટેશનમાં આધુનિક સગવડો ઉભી કરવી પણ જરૂરી છે.

(12:59 pm IST)