Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ભાવનગરમાં ૧૮૭૨માં ગૌરીશંકર તળાવનુ નિર્માણ કરીને પાણીની સમસ્યા હલ કરાઇ

ભાવનગર તા.૨૮ : શહેરની સ્થાપના ઇ.સ.૧૭૨૩માં ભાવસિંહજી પહેલાએ કરેલ. તેને એકસો પંચાવન વર્ષ થયા હતા. રાજધાનીના શહેરમાં ઉનાળામાં પીવાના પાણીની ખેચ વર્તાતી હતી. બીજી બાજુ ભાવનગરનો વિકાસ ખૂબ જ થઇ રહ્યો હતો વસ્તીમાં વધારો થતો હતો જેથી પીવાના પાણીની જરૂરીયાત દિવસેને દિવસે વધતી જતી હતી. અમુક વિસ્તારમાં દૂર દૂર થી પાણી મેળવવા પ્રયાસો કરાતા હતા. આ પાણી પ્રશ્ન ઉકેલવા માટે તત્કાલીન રાજયના ઇજનેર મી.ઇસ્ટ અને મદદનીશ મી.વેસ્ટને ઇ.સ.૧૮૭૧માં શહેરની ૩કીમી દૂર સ્થાપનાથ મહાદેવના સાનિધ્યમાં નજીકની બે ટેકરીઓ વચ્ચે ગઢેચી નદી ઉપર તળાવ બાંધવાનુ કામ સોપ્યુ. આ તળાવ બનાવવા જે તે સમયે રૂ. ૬ લાખનો ખર્ચ થયો અને ઇ.સ. ૧૮૭૨માં એક વર્ષમાં કામ પુર્ણ થયુ. મી.પર્સિવલની ઇચ્છા આ તળાવને ગૌરીશંકર તળાવ નામ રાખવાની હતી. તેને મહારાજા તખ્તસિંહજીએ માન્યરાખી. ગૌરીશંકર ઓઝા રાજયના વિશ્વાસુ કારભારી અને સંયુકત વહીવટકારને એક પ્રકારનુ સન્માન અપાયુ પીવાના પાણી માટે જળાસય સમગ્ર ગુજરાતમાં પ્રથમ નિર્માણ પામ્યુ પછીથી વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં જળાશયો બંધાયા.

વડોદરાના વહીવટી બાહોશ દિવાન સરટી માધવરાય તેમના વિસ્તાર અમરેલીની મુલાકાતે આવ્યા હતા. મહારાજા તખ્તસિંહજીના નિમંત્રણથી આવેલ તળાવની મુલાકાતથી ખૂબ જ ખુશ થયા અને રમૂજમાં કહેલુ થયેલ ખર્ચની બમણી રકમ લઇને પણ આ તળાવ અમને વડોદરા મોકલી આપો. ભાવનગરના બાહોશ વહીવટકાર ગૌરી શંકર ઓઝાએ જણાવ્યુ કે, નામદાર ગાયકવાડ સરકાર તો અમારા વડીલ છે તેથી આ તળાવ અમે એમને ભેટ આપીએ છીએ, પરંતુ તે તળાવ વડોદરા લઇ જવુ આપના હાથમાં છે.

આ તળાવના નિર્માણને પરિણામે ભાવનગરની પાણીની સમસ્યા હલ થઇ. આ તળાવમાંથી નહેર દ્વારા પાણી ગામના ગંગાજળીયા તળાવમાં લવાતુ ત્યાથી નળ મારફત શહેરના રહેણાંક વિસ્તાર અને બંદર સુધી વ્યવસ્થા ઉભી કરાઇ. તેથી શહેરના રહીશો અને બંદરે આવતા વહાણો તથા ખલાસીઓની જરૂરીયાત સંતોષાઇ. આ તળાવમાં પાણી ભરાતા આસપાસના કુવા સજીવન થયા અને ભાવનગર શહેરની પીવાના પાણીની સમસ્યા ઉકેલાઇ ગઇ.

બીજા તબકકામાં મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના સમયમાં ભાવનગર શહેરને પીવાનુ શુધ્ધ પાણી પુરૂ પાડવા આધુનીક નવો ફિલ્ટ્રેશન પ્લાન્ટ શરૂ કરાયો. ઇ.સ.૧૯૪૦માં ભારતના નિષ્ણાંત ઇજનેર સર વિશ્વેશ્વરૈયાના માર્ગદર્શન હેઠળ ગૌરીશંકર તળાવને વિસ્તૃત બનાવવામાં આવ્યુ છે.

(11:58 am IST)