Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

જસદણ પેટા ચૂંટણી પૂર્વે સ્થાનિક પાટીદારમાં રોષ

રાજીવ સાતવે વિપક્ષના નેતાને તાકીદે તેડાવ્યા : સાતવે વિપક્ષના નેતા ધાનાણીની સાથે બેઠક યોજીને ડેમેજ કંટ્રોલ અને નારાજગી દૂર કરવાની મહત્વની સૂચના આપી

અમદાવાદ,તા. ૨૮ : જસદણની પેટાચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે કોંગ્રેસની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાજપના કુંવરજી બાવળીયા સામે ઉમેદવાર નક્કી ન કરી શકેલી કોંગ્રેસથી સ્થાનિક પાટીદારો નારાજ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ અંગે રાજકોટ તાલુકા કોંગ્રેસના પાટીદાર આગેવાને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યા મુજબ, કોંગ્રેસ પાટીદારોની સતત અવગણના કરે છે અને ચૂંટણી સમયે સાથે હોવાના વાયદા કર્યા બાદ હાસિંયામા ધકેલી દેવામાં આવે છે. પાટીદાર આગેવાને લખેલા આ પત્રને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જસદણની પેટા ચૂંટણી પહેલાં જ સ્થાનિક પાટીદારોમાં ગંભીર નારાજગી સામે આવતાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પણ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી અને આ મુદ્દે તાકીદે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને તેડાવ્યા હતા અને તેમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી. પ્રભારી સાતવે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે બેઠક યોજી ડેમેજ કંટ્રોલ અને નારાજગી દૂર કરવાની મહત્વની સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.  કોંગ્રેસ તાલુકા પ્રમુખ ખુંટ સંજયભાઇ તળશીભાઇએ પત્રમાં જણાવ્યુ છે કે, મોવડી મંડળ ખામ થિયરીનો ઉપયોગ વધુ કરી રહ્યા હોય તેવુ લાગે છે. પાટીદારોને જેટલા માન સન્માન ભાજપમાં મળી રહ્યાં છે તેટલા કોંગ્રેસમાં મળતા નથી. સામાન્ય રીતે ભાજપમા વસ્તીના આધારે હોદાઓ આપવામા આવે છે. પરંતુ કોગ્રેસમાં આવુ કંઇ જોવા મળતુ નથી. જસદણની ચૂંટણી આવી રહી છે. ત્યારે પાટીદારોના માન-સન્માનનો વિચાર નહીં કરાય તો પરિણામ કંઇ અલગ આવી શકે તેમ છે. જો પાટીદારોની અવગણના કરાશે તો પક્ષને અલવિદા કરતા જરાપણ ખચકાટ કરવામાં આવશે નહીં. જસદણ બેઠક અંગે કરવા કુવરજી બાવળિયાએ જોર લગાવાનુ શરુ કરી દીધુ છે તો બીજી તરફ હજુ સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવાર નકક્ી નથી કરી  શકી. જસદણમા કોળી પછી પાટીદાર મતો પર મદાર છે. પાટીદારો ભાજપથી નારાજ છે હવે તો કોંગ્રેસમાં પણ અવગણના થઇ રહી છે તેવા આક્ષેપ થઇ રહ્યાં છે તો મત કોને આપવો કે ત્રીજા મોરચા એનસીપીને મતો આપી બન્ને પક્ષના મત તોડવાની રાજનીતી થશે તે આવનારો સમય જ કહેશે પરંતુ હાલ તો પાટીદારો કોંગ્રેસથી નારાજ હોવાનો પત્ર કોંગ્રેસ પ્રમુખને લખતા રાજકારણા ગરમાવો આવી ગયો છે. જો કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પાટીદારોની નારાજગીના મુદ્દાને સહેજપણ હળવાશથી લીધો ન હતો અને તેમણે તાત્કાલિક આ મુદ્દે વિપક્ષના નેતા ધાનાણી સાથે ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.

(7:44 pm IST)