Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

વાંકાનેર લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના બાળકો માટે તૃતીય થેલેસેમીયા કેમ્પ યોજાયોઃ ૪૦ ને લાભ

વાંકાનેર.  તા. ર૮ : લોહાણા મહાજન દ્વારા  રઘુવંશી સમાજના બાળકો, યુવાનો, યુવતીઓ માટે યોજાયેલ થેલેસેમીયા કેમ્પમાં ૪૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.

ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, રાજયના આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા થેલેસેમીયા નાબૂદી અભિયાનનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. લોહાણા સમાજની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદે સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજના બાળકો, યુવક, યુવતીઓ થેલેસેમીયા ટેસ્ટ અચૂકપણે કરાવે તે માટે ગામે ગામ મહાજનો અને જ્ઞાતિ સંસ્થાઓને આહવાન કરેલ જેના ભાગરૂપે વાંકાનેર લોહાણા મહાજન દ્વારા વાંકાનેરના રઘુવંશી બાળકો, યુવક, યુવતીઓએ આ ટેસ્ટથી બાકાત ન રહે તે માટે જાગૃતી દર્શાવી છે.

વાંકાનેરમાં જ્ઞાતિજનોને ઘર આંગણે થેલેસેમીયાનું પરીક્ષણ થઇ શકે તે માટે  વાંકાનેરની લોહાણા મહાજન વાડીમાં અગાઉ બે કેમ્પ કરી રપ૦ થી વધુ બાળકોને લાભ અપાવ્યા બાદ જલારામ જયંતિની જ્ઞાતિજનોની નાત વેળાએ તૃતીય કેમ્પ  થેલેસેમીયાની જાહેરાત કરતા બાકી રહેલા ૪૦ જેટલા બાળકો, યુવક, યુવતીઓઓએ નામની નોંધણી કરાવેલ.

જે બાળકોના થેલેસેમીયા પરીક્ષણ માટેનો કેમ્પના પ્રારંભે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજી અને વિશ્વ વંદનીય સંતશ્રી પૂ. જલારામ બાપાની તસ્વીર સમક્ષ લોહાણા મહાજનના ઉપ પ્રમુખ રસીકભાઇ રાજવીર, મંત્રીશ્રી લલિતભાઇ પુજારા, રમેશભાઇ અખેણી, વિનુભાઇ કાનાબાર, વિજયભાઇ પુજારા, સંજયભાઇ જોબનપુત્રા, વજુભાઇ રાજાણી, લોહાણા યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, પૂર્વ મંત્રી ઉત્તમભાઇ રાજવીર, રઘુવંશી સોશ્યલ ગ્રૃપના ઉપપ્રમુખ અમીતભાઇ સેજપાલ, જીજ્ઞેશ કાનાબાર, વિજયભાઇ કારીયા સહીતના અગ્રણીઓના હસ્તે દિપ પ્રાગટય કરેલ.

થેલેસેમીયા પરીક્ષણનો તૃતીય કેમ્પનો પ્રારંભ થયો હતો જેમાં ૪૦ બાળકોએ લાભ લીધો હતો. નિવૃત મામલતદાર અને  મહાજનના મંત્રીશ્રી લલીતભાઇ પુજારાએ થેલેસેમીયા મેજર અને માઇનર શું છે તેની જાણકારી અને જરૂરી પગલા આવા કેમ્પ થકી લઇ શકાય છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

(11:26 am IST)