Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

સૌરાષ્ટ્રમાં વિશાળ મહિલા સંમેલન, પરેશ ધાનાણીના ઘરે હિસાબ માંગીશુ, ૧૦૦ કિ.મી.ની પદયાત્રાઃ ધોરાજીમાં હાર્દિક પટેલની જાહેરાત

'પાસ'ની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં પાટીદાર અનામત આંદોલનની રણનીતિઃ ખેડૂતોનાં મુદે અવાજ ઉઠાવાશેઃ કાલે ઉત્તર ગુજરાત ઝોનની મિટીંગ

ધોરાજીઃ પાસના કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં આજે ધોરાજી ખાતે પાસના કન્વીનરોની બેઠક યોજાઈ હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ર૮  :.  પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન વધુ વેગવંતુ બનાવાશે તેમ 'પાસ'ના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર ઝોનની આજે ધોરાજીમાં મળેલી પાટીદાર અનામત આંદોલન સમીતીની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં મુખ્ય ત્રણ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.

જેમાં સૌરાષ્ટ્રમાં વિશાળ મહિલા સંમેલન ટૂંક સમયમાં યોજાશે. જયારે વિધાનસભા  વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીનાં ઘરે અમરેલી જઇને હિસાબ માંગીશું અને ડિસેમ્બરમાં વિધાનસભામાં પાટીદાર અનામત  સંદર્ભે પ્રાઇવેટ બીલ લાવવા માંગણી કરાશે.

હાર્દિક પટેલે 'અકિલા' ને વધુમાં જણાવ્યુ કે, તા. ર૦ ડીસેમ્બર અમરેલી અથવા મોરબી જીલ્લામાં ૧૦૦ કિ.મી.ની પદયાત્રા યોજાશે. અને ર૩ મી ડીસેમ્બરે ખેડૂત દિવસના દિવસે તેનું સમાપન થશે.

હાર્દિક પટેલે જણાવ્યુ કે ગુજરાતમાં ખેડૂતો દુઃખી છે. જો તેમને ન્યાય આપવામાં આવે તો અનામતની પણ જરૂર ન રહે.

હાર્દિક પટેલની અધ્યક્ષતામાં કાલે ઉત્તર  ગુજરાત 'પાસ' કન્વીનરોની મીટીંગ મળશે. અને તેમાં ઉતર ગુજરાતના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.

'પાસ'ની  બેઠકમાં ૧૧ જીલ્લાનાં 'પાસ'નાં કન્વીનરો સહ કન્વીનરો અને આગેવાનો જોડાયા છે અને 'પાસ'નું સંગઠન મજબુત બનાવવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.

આ બેઠકમાં ર૭પ થી ૩૦૦ જેટલા 'પાસ'ના કન્વીનરો, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

ધોરાજીનો અહેવાલ

 ધોરાજી : ધોરાજીમાં આજે પાટીદાર અનામત આંદોલન સમિતિનો સૌરાષ્ટ્ર ઝોનની હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ખાસ બેઠક મળી હતી. જેમાં આવનારી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સરકારને કેમ ભીડવવી જે અંગે રણનીતિ ઘડવામાં આવી છે. આજની આ બેઠકમાં ગુપ્તચર વિભાગે પણ ધોરાજી તરફ નજર રાખી હતી.

ધોરાજીમાં આજે લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ સોૈરાષ્ટ્ર ઝોનની બેઠક મળી રહી હતી જે અંગે પાસના વિઠ્ઠલભાઇ હિરપરા, વિજયભાઇ વઘાસિયા, દિનેશભાઇ ટોપીયા, પ્રવિણભાઇ ઢોલરીયાએ પત્રકારને માહિતી આપતા જણાવેલ કે ધોરાજીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક બોલાવેલ હતી.

જેમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ-ગીતાબેન પટેલ, લલીતભાઇ વસોયા-મનોજ પનારા-અમીન ઠુંમર સહિત પાસના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

પાસના અગ્રણીઓએ જણાવેલ કે આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પાસ હવે સરકારને ભીડવવા માટે શું કરશે ? જે અભિગમને ધ્યાનમાં રાખી રણનીતિ ઘડવા ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.

તેમજ અનામત આંદોલન ફરી વેગવંતુ બનાવવા પણ કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. તેમજ સૌરાષ્ટ્રમાં પાસનું સંગઠન મજબુત બનાવવા માટે શહેર-તાલુકા-ગ્રામ્ય માળખું બનાવવામાં આવશે જયા સમિતિ નથી ત્યાં નવી પાસની સમિતિ બનાવવામાં આવશે.

આ બેઠકમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર સહિત જિલ્લા તથા તાલુકા મથકોએથી પાટીદાર યુવા અગ્રણીઓ હાજર રહ્યા હતા.  આ મીટીંગમાં મનોજ પનારાએ જણાવ્યુ હતુ કે, પાટીદાર અનામત આંદોલનના કારણે આપણુ સામાજિક પ્રભુત્વ વધ્યુ છે. જ્યારે ગોપાલ ઈટાલીયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

ભાજપના નામનું આપણે નાહી નાખ્યું છે, હવે કોંગ્રેસ પણ સહકાર આપવામાં ગલ્લાતલ્લા કરે છેઃ હાર્દિક પટેલ

અલ્પેશ કથીરિયાની જેલ મુકિત એ પાસની પ્રાથમિકતા

ધોરાજી, તા. ૨૮ :. ધોરાજીમાં પાસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. જેમાં પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, આ આંદોલનને વધુ વેગવંતુ કરવુ છે. અલ્પેશ કથીરિયાની જેલમુકિત એ પાસની પ્રાથમિકતા છે. અનામત આંદોલન એ એક ચેતના છે, જાગરણ છે. ૩ વર્ષથી આપણે બધા સાથે છીએ. મરાઠા સમાજને અનામત મળે તો પાટીદારોને કેમ નહિ ?

હાર્દિક પટેલે જણાવ્યુ કે ભાજપના નામનુ આપણે નાહી નાખ્યુ છે, હવે કોંગ્રેસ પણ સહકાર આપવામાં ગલ્લાતલ્લા કરે છે. આગામી તા. ૫ ડીસેમ્બરના વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ઘરે જઈને અનામતની પ્રાઈવેટ બીલ રજુ કરવા રજૂઆત કરાશે. અમારો વિરોધ માત્ર ભાજપ સાથે નથી, અમારી માંગણી કોંગ્રેસ સામે પણ લઈ જઈશું.  પાસની મીટીંગમાં હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્રના ગામોમાં જાગૃતિ લાવવા માટે રથયાત્રાનું આયોજન કરાયુ છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સુરતમાં અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે કાર્યક્રમો યોજાશે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ કે, પાટીદાર આંદોલન તોડવા સરકાર કાર્યરત છે પરંતુ સમાજમા જાગૃતિ નહિ આવે ત્યાં સુધી જીત મળવી અસંભવ છે. ૩ વર્ષમાં ભાષણો ખૂબ જ થયા હવે નક્કર લડાઈ દ્વારા કામગીરી કરાશે. મરાઠા સમાજે અનામત મેળવવા માટે કરેલ પુરૂષાર્થ અને ત્યાગમાંથી આપણે પ્રેરણા લેવી પડશે.

જસદણની પ્રજા સત્તા લોભી સાથે નહિ રહેઃ હાર્દિક પટેલ

ધોરાજી : હાર્દિક પટેલે ધોરાજી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, જસદણ-વિંછીયા બેઠક ઉપર પેટાચૂંટણી જંગ જામનાર છે ત્યારે આ ચૂંટણીમાં જસદણની પ્રજા સત્તા લોભી સાથે નહિ રહે.

(3:49 pm IST)