Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

મોબાઇલ

'બેટા! આ નવું રમકડું શું છે?'

'મા! આ રમકડું નથી. આ તો મોબાઇલ છે!'

'મોબાઇલ એટલે શું?'

'મા! આ તો એક નાનુ મશીન છે આનાથી આપણા દૂરના સગાસબંધી સાથે અહી બેઠા બેઠા વાત કરી શકીએ!'

'તે કેવી રીતે?'

'જો આવી રીત...'

દિકરા આયદાને પોતાના મોબાઇલ બીપ બીપ કરીને ચાર પાંચ સ્વીચ દબાવી અને પછી મા ના કાન પાસે મૂકીને કહ્યુ, 'લે મા! મામા સાથે વાત કર!'

માતા પુરીબહેનને કાંઇક સંકોચ પણ થયો અને કાંઇક મુંઝવણ પણ થઇ પણ તુરંત સામેથી અવાજ આવ્યો...

'એ મોટી બહેન! નાનાભાઇના રામરામ'

'લે આ તો વિજાણદ બોલે છે!'

નાનાભાઇના કંઠને મોટી બહેન ન ઓળખે તેમ બને?

'હા બહેન હું વિજાણંદ બોલુ છુ'

અને પછી તો લાંબી વાત ચાલી અને વાત પૂરી પણ થઇ.

'અરે! મારા દિકરા આ તો બહુ સારૃ, અહી બેઠા બેઠા હું મારા પિયરીયા સાથે વાત કરી શકુ!'

'અરે મા! પિયરીયા શુ? આખી દુનિયામાં જેની સાથે ઇચ્છો તેની સાથે વાત કરી શકો.'

'અરે! મારા દિકરા તું તો ખરો ભણ્યો, દિકરો તો આઠમા ધોરણમાં ભણે છે, પણ માને તો એમ કે દિકરો જાણે એમ.એ.પીએચડી થઇ ગયો છે!'

કચ્છના રણના કાંઠા પરનું છેલ્લુ ગામ છે. પચીસ ખોરડાનું નાનકડુ ગામ, મોટે ભાગે પશુપાલન અને જેવી તેવી ખેતી આ તેમનો વ્યવસાય. ગામમાં શાળા નથી. થોડાક બાળકો બાજુના ગામમાં ભણવા જાય. ત્યા પણ ચાર ધોરણ સુધીની પ્રાથમિક શાળા! તેથી આગળ ભણવુ હોય તો બાજુના શહેરમાં જવુ પડે. ત્યા જ્ઞાતિની બોર્ડીગમાં રહીને ભણી શકે.

ડાયાભાઇ અને પુરીબહેનને એક દિકરો આયદાન અને એક દિકરી વજી. ડાયાભાઇના મામાના દિકરાઓને શહેરમાં થોડો આવરો જાવરો ખરો. તેમના આગ્રહ અને ભલામણથી તેમણે આ દિકરા આયદાનને શહેરમાં ભણવા મોકલ્યો. આ સાતમ આઠમની રજા છે, એટલે દિકરો ઘેર આવ્યો છે દિકરો તો ઘેર અવારનવાર આવે છે પરંતુ આ વખતે નવી અને બહુ મોટી ઘટના છે શુ? દિકરો મોબાઇલ લઇને આવ્યો છે. આ ગામમાં આ પહેલો બાળક ભણવા માટે શહેરમાં ગયો છે અને આ બાળક આ વખતે મોબાઇલ લઇને આવ્યો છે. ગામ આખામાં નવાઇ નવાઇ થઇ ગઇ! લે! કર વાત! આ આયદાન મોબાઇલ લઇને આવ્યો છે અને આ મોબાઇલથી અહી બેઠા બેઠા દૂર બેઠેલા આપણા સગાવહાલા સાથે વાત કરી શકાય! આ કાંઇ ઓછી નવાઇની વાત કહેવાય!

આયદાન પોતાના  પિતા ડાયાભાઇ સાથે આજે ખેતરે ગયો છે. વરસાદ સારો થયો છે અને વાવણી ચાલે છે ઘેર પુરીબહેન અને નાની દિકરી વજી છે. બળદ માટે ચારો અને પિતાપુત્ર માટે ભાત લઇને ખેતરે જવાનુ છે. તૈયારી ચાલે છે. આજે અષાઢીબીજ છે. પુરીબહેનના મનમાં બહુ ભાવ થયો છે. આજે પિતાજી અને ભાઇ સાથે વાત કરવી છે. મોબાઇલ તો ઘરમાં છે જ પરંતુ મોબાઇલમાં વાત કેવી રીતે કરવી તે તો ખબર નથી, પણ વાત તો કરવી જ છે. પુરી બહેને મોબાઇલ હાથમાં લીધો. આડી અવળી સ્વીચો દબાવવાનુ ચાલુ કર્યુ. મોબાઇલ કાન પર રાખીને, હા ભાઇ! રામરામ! એમ બોલે છે પરંતુ સામેથી કોઇ ઉતર મળતો નથી. મોબાઇલ ચાલુ થાય તો ઉતર મળે ને ! પુરી બહેનને ભાઇના નંબરની પણ ખબર નથી અને નંબર કેવી રીતે લગાડવો તે પણ ખબર નથી ખૂબ સ્વીચો દબાવી અને ખૂબ મથામણ કરી પણ મોબાઇલ ચાલુ થયો જ નહિ. આખરે કંટાળીને પુરીબહેને મોબાઇલને પાણિયારા પાસે મુકી દીધો.

સાંજે સૌ ઘેર આવ્યા. ઘેર આવીને આયદાને મોબાઇલ હાથમાં લીધો જોયું મોબાઇલમાં બધુ આડુઅવળુ થઇ ગયુ છે, મોબાઇલ બગડી ગયો છે. આયદાને પુરીબહેનની ઉલટતપાસ શરૃ કરી,

'મા, આ મોબાઇલમાં તે કાંઇ કર્યુ છે?'

'હા, આજે અષાઢીબીજ છે ને! મારે ભાઇ અને મા બાપ સાથે વાત કરવી હતી. મે મોબાઇલ માં બહુ માથાકુટ કરી પણ સામેથી જવાબ મળ્યો જ નહિ!'

'પણ મા! હવે આ મોબાઇલ ખોટકાય ગયો છે. હવે આ મોબાઇલ ન ચાલે!'

'પણ એમા મોબાઇલ ખોટકાઇ શા માટે જાય?'

બિચારો આયદાન! હવે માને સમજાવે કેમ કે મોબાઇલ ખોટકાય જાય શા માટે? આયદાન બાજુના શહેરમાં ગયો, મોબાઇલ જેની પાસેથી ખરીદ્યો હતો, તેને જ બતાવ્યો. ઉતર મળ્યો.

'આ સસ્તો અને હલકી જાતનો મોબાઇલ છે. આ બગડી ગયો છે હવે આંમા કાંઇ થઇ શકે નહી નવો મોબાઇલ ખરીદી લો.'

આયદાન વધુ મુંજાઇ ગયો. નવો મોબાઇલ ખરીદવો કેવી રીતે પૈસા જ કયા છે?

હમણાં તો મોબાઇલ વિના ચાલ્યું. આ પ્રમાણે બે વર્ષ પસાર થઇ ગયા.

આયદાને આ બે વર્ષ દરમિયાન નવી નવી જાતના અનેક મોબાઇલ જોયા. મોંઘા ખરા પણ ખૂબ સારા. મોંઘા તો સારા જ હોય ને અને સારા હોય મોંઘા હોય જ ને! આયદાનના મનમા વારંવાર વિચાર આવે છે હવે આ વખતે એક સારી જાતનો ભલે મોંઘો મોબાઇલ ખરીદી લેવો છે.

આયદાનની શાળામાં એક નવુ યંત્ર આવ્યુ છે ટીવી, લે, દુનિયાભરના સમાચાર, નાટકો, કથાઓ, ભાષણો, ઝગડાઓ જે જોવુ હોય તે જુઓ અને સાથે સાથે સાંભળો. આયદાનના મનમાં નવો ઉમંગ જાગ્યો. ટીવી! અમારા ગામમાં હજુ સુધી ટીવી આવ્યુ જ નથી. અરે કોઇએ ટીવી જોયુ પણ નથી. હું એક ટીવી લાવુ તો મારા કુટુંબનો ગામમાં વટ પડી જાયને! અને અમને, અમારા કુટુંબને અને ખરેખર તો આખા ગામને જોવાની મજા પડી જાયને! હા, ફળીયામાં ટીવી ગોઠવીએ તો આખુ ગામ સમાઇ જાય અને આખુ ગામ જોઇ શકે! પણ સવાલ છે ધનનો! આ મોંઘો સારી જાતનો મોબાઇલ અને આ ટીવી ખરીદવા પૈસા કયા છે? ખરીદવા કેવી રીતે?

પણ આયદાન જેનુ નામ! મન માં એક નવો તુકકો આવ્યો છે. આ અમારી જમીન છે તેમાંથી થોડી જમીન વેચી નાખીએ તો ધન આવે અને ધનમાંથી નવો સારો મોંઘો મોબાઇલ અને એક ટીવી આ બંને ખરીદી શકાય. આયદાને પોતાના માતાપિતાને સમજાવવાનુ શરૃ કર્યુ અને પછી જાણે વેન લીધુ અને આ તો આયદાનનું વેન! વેનનો વિજય થયો.

ડાયાભાઇ, પુરીબેન અને આયદાન ત્રણેયએ સાથે મળીને જમીન વેચ. જે ધન આવ્યું તે લઇને શહેરમાં થયો. દિકરા આયદાનના માર્ગદર્શન પ્રમાણે એક સારો કિંમતી મોબાઇલ અને એક ટીવીની ખરીદી કરી ફરીથી અને અધિકરૃપે ગામમાં નવુ જોણુ આવી ગયુ. સૌરાજી રાજી થઇ ગયા અને ફરીથી ગામમાં આયદાનના નામનો છાકો પડી ગયો!

આયદાન લગભગ આખો દિવસ મોબાઇલ અને ટીવીમાં મશગુલ રહે છે. ભણવાનુ અને વાંચવાનુ તો સાવ બાજુમાં રહી ગયુ અને હવે આયદાન શહેરમાં બોર્ડીગમાં રહેતો નથી. આયદાને એક સાયકલ લીધી છે અને ઘરે રહીને સાયકલથી આવજા કરે છે પણ આયદાનના મનમાં ટીવી અને મોબાઇલએ એવો જાદુ કર્યો છે કે ભણવાનુ તો સાવ બાજુમાં જ રહી ગયુ છે. દિવસે મોબાઇલ અને રાત્રે મોડે સુધી ટીવી જ તેના સંગાથી બની ગયા છે.

વાષિક પરીક્ષા આવી પરીક્ષામાં શુ લખે ? ટીવી? મોબાઇલ? આખા ગામમાં હો હા થઇ ગઇ. આયદાન નાપાસ થયો છે. કાંઇ વાંધો નહિ. બીજે વર્ષે પરીક્ષા આપશુ. આખુ વર્ષ શું કર્યુ? ટીવી અને મોબાઇલ અને પરીક્ષા આવી પરીક્ષામાં શુ લખ્યુ? ટીવી અને મોબાઇલ ? આયદાન ફરીથી નાપાસ થયો! ગામનો સૌથી હોશિયાર વિદ્યાર્થી અને શહેરમાં ભણવા જનાર એક માત્ર વિદ્યાર્થી એક જ ધોરણમાં બે વાર નાપાસ થયો.

ડાયાભાઇ અને પુરીબહેન એકલા જ બેઠા છે ધીમે સાદે વાતો કરે છે. ડાયાભાઇ કહે છે,

'આપણો આવો હોશિયાર દિકરો આમ વારંવાર નાપાસ કેમ થાય છે?'

'કારણ ચોખુ છે'

'શુ?'

'ટીવી અને મોબાઇલ!'

'વાત તો સાચી છે પણ હવે કરવુ શુ?'

'એક તમે તોડો અને એક હુ તોડુ'

પુરી બહેન પહેલા ઉભા થયા. કબાટમાં મુકેલો મોબાઇલ હાથમાં લીધો. બાજુમાં જ ચુલામાં અગ્નિ પ્રજવલીત છે. મોબાઇલનો ઘા કરીને અગ્નિમાં ફેકી દીધો. થોડીયારમાં તડતડ આવ્યો પછી બધુ શાંત!

પુરી બહેન ડાયાભાઇને કહે છે, 'હવે તમારો વારો'

ડાયાભાઇએ કપડા ધોવાનો ધોકો હાથમાં લીધો ટીવી પાસે જઇને જય શ્રીરામ! સાત આઠ ઘા માર્યા ટીવીના ટુકડેટુકડા થઇ ગયા.

સાંજે આયદાન ઘરે આવ્યો. 'મારો મોબાઇલ કયા? અને આ ટીવીનું શું થઇ ગયુ?'

'બેટા ! હવે તારે ભણવા માટે શહેર જવાની જરૃર નથી. આવતીકાલથી મારી સાથે ખેતરે આવજે! એ જ તારૃ ટીવી અને એ જ તારો મોબાઇલ!'

બીજા દિવસથી આયદાને ખેતરે જવાનું શરૃ કરી દીધુ. વરસાદ થયો. વાવણી થઇ. લીલોછમ મોલ

: આલેખન :

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(2:56 pm IST)
  • મારીચ ,કંસ ,તથા શકુનિનો સરવાળો બરાબર શિવરાજ મામા : મધ્ય પ્રદેશ પેટા ચૂંટણીમાં કોંગી આગેવાન આચાર્ય પ્રબોધ ક્રિષ્ણનનો ચૂંટણી પ્રચાર access_time 1:48 pm IST

  • બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં શાહપુર બેઠક ઉપર મતદાન સમયે મારામારી : રાજદ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો બાખડ્યા : એક મહિલા સહીત 6 લોકો ઈજાગ્રસ્ત : નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 6:50 pm IST

  • મુખ્યમંત્રી પદ ગુમાવવાથી કમલનાથ પાગલ થઇ ગયા છે : તેમની માતા કે બહેન બંગાળની આઈટમ હોય શકે છે : ઈમરતી દેવીને' આઈટમ ' કહેનાર કમલનાથ ઉપર વળતો પ્રહાર : ચૂંટણી પંચે નોટિસ પાઠવી : 48 કલાકમાં જવાબ દેવાનો ઈમરતીદેવીને આદેશ કર્યો access_time 8:38 pm IST