Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કેશોદ મામલતદાર કચેરીના ડ્રાઇવર ગિરીશભાઇ જોષીનું અકસ્માતમાં મોત : પુત્રીને ઇજા

(દીનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા. ર૮ : કેશોદ મામલતદાર ઓફીસમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ગિરીશભાઇ જોષી સાત દિવસ પહેલા તા. ર૧ના રોજ પોતાના પુત્રને જુનાગઢ જવા માટે એસ.ટી. ઉપર મુકવા ગયેલા ત્યારે તેમની રર વર્ષની પુત્રી પણ સાથે હતી. પુત્રને એસ.ટી. ઉપર મૂકી બન્ને પિતા પુત્રી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતાં ત્યારે માંગરોળ રોડ ઉપર એક અજાણી મોટર સાયકલ સવારે ગિરીશભાઇ મોટર સાયકલને જોશથી ટકકર મારી હતી. પરિણામે ગિરીશભાઇને અને તેમની રર વર્ષની દિકરીને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં ગિરીશભાઇની તબિયત ગંભીર જણાતા સૌ પ્રથમ અહીંની હોસ્પિટલમાં અને ત્યાર પછી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જયાં છ દિવસની સતત સારવારના અંતે તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

ગિરીશભાઇ જોષી વરસોથી મામલતદાર ઓફીસની ગાડીના ડ્રાઇવર તરીકે હતાં અને તેના સારા સ્વભાવના કારણે સામાન્ય લોકોમાં પણ સારી ચાહના હતી. તેમના અકસ્માત પછીની સારવારમાં સ્થાનિક મામલતદાર ઓફીસનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસ ફરીયાદ પણ થયેલી છે.

(12:45 pm IST)