Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

જોરાવનગર ભરવાડ માલધારી રાસ મંડળી ટીમને રાજસ્થાનમાં અકસ્માત: બે લોકોના મોત :15 ઘાયલ

બિહાર કાલી મહોત્સવમાં કાર્યક્રમ આપવા જતા હતા : ઉદયપુર નજીક બંધ વાહન પાછળ અકસ્માત :જોરાવનગર માલધારી સમાજમાં શોકની લાગણી

સુરેન્દ્રનગરની પ્રખ્યાત જોરાવનગર ભરવાડ માલધારી રાસ મંડળી ટીમને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે ગુજરાતથી બિહાર જઈ રહેલી ઓરકેસ્ટ્રા દાંડિયાની ટીમની બસ આદર્શ નગર પાલરાની પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.જયારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે.
 મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરની જાણીતી જોરાવર ભરવાડ માલદારી રાસ મંડળી બિહાર જવા નીકળી હતી. આ રાસ મંડળી ગુજરાતની પ્રથમ નંબરની વિજેતા રાસ મંડળી હતી. આ મંડળી બિહારમાં ભાઇબીજના દિવસે આયોજિત કાલી મહોત્સવમાં કાર્યક્રમ આપવા જતા હતા. આ બસમાં રાજકોટનુ ગ્રૂપ, અમદાવાદનું ગ્રૂપ અને સુરેન્દ્રનગરનું ગ્રૂપ મળીને કુલ 50થી વધુ લોકો સામેલ હતા. જેઓ બિહાર તરફ જઈ રહ્યા હતા

  વહેલી સવારે ધુમ્મસના કારણે ઉદયપુર હાઈવે નજીક બંધ વાહન પાછળ અકસ્માત થયો હતો. મંડળીના સભ્યો જે બસમાં જઈ રહ્યા હતા તે બેકાબૂ બનીને ટ્રેલર સાથે ભટકાઈ હતી અને બાદમાં ખીણમાં જઈને પડી હતી.

   આ અકસ્માતમાં 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જેમના નામ રાજુ તેમજ વિજય છે. 15થી વધુ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માતને પગલે જંગલ પાસે રહેતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા, અને ગાયલોને જેએલએન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ રાજસ્થાન પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે જોરાવનગર માલધારી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

(9:40 pm IST)