Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ઉના-ગીરગઢડાની જીવાદોરી સમાન મછુન્દ્રી અને રાવલ બન્ને ડેમો ત્રીજી વખત ઓવરફલો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૮ :.. ઉના અને ગીર ગઢડાની જીવાદોરી સમાજ મચ્છુન્દ્રી અને રાવલ બન્ને ડેમો એક મહિનામાં ત્રીજી વખત ઓવરફલો થયેલ છે આ બન્ને ડેમોના દરવાજા ખોલતા બન્ને નદીઓમાં ઘોડાપુર આવ્યા છે.

ઉના-ગીરગઢડા તાલુકા, દિવ-ઘોઘલા વિસ્તારને પીવાનું પાણી પુરૂ પાડતા રાવલ ડેમમાં ઉપરવાસ વરસાદને કારણે પાણીની આવક વધતા ૧૯ મીટરનું લેવલ જાળવવા રાવલ ડેમનાં ૩ દરવાજા ૩૦ સે.મી. ૧ ફુટ ખોલી નાખવામાં આવતા રાવલ નદીમાં ઘોડાપુર આવેલ છે. નગડીયા ધોકડવા, વિગેરે નદીમાં  પાણી આવતાં શાહી નદીમાં પુર આવતા નગડીયા પુલ ઉપર પાણી વહેવા લાગતાં રસ્તો બંધ થઇ ગયો હતો. જે આજે સવારે ખૂલી ગયો છે.

કાંધી, મોટા સમઢીયાળા, નાના સમઢીયાળા વિગેરે નદીમાં પુર આવેલ છે. સણોસરી-ધોકડવા રોડ બંધ થઇ ગયો છે.  આ વખતે રાવલ ડેમ અને મચ્છુન્દ્રી ડેમ બન્ને સીઝનમાં ત્રીજીવાર ઓવરફલો થયેલ છે.

ઉના - ગીરગઢડાની જીવાદોરી સમાન મચ્છુન્દ્રી ડેમમાં ઉપર વાસ વરસાદને કારણે પાણીની આવક વધતા ૧૦ મીટર સંપૂર્ણ ભરાઇ અને ૧૦ સે.મી. ઓવરફલો થતો નજીકનો દ્રોણેશ્વર ડેમ ઓવર ફલો થતાં દ્રોણથી ફાટરસ-ઇટવાયા, ધોકડવા જતાં કોઝવે ઉપર પાણી વહેવા લાગતા માર્ગ બંધ થઇ ગયો હતો. દ્રોણેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં પાણી ઘુસી ગયા હતાં. તેના કારણે ઉના શહેરમાં પસાર થતી મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપુર આવેલ છે. દેલવાડા ગામે કોઝવે ઉપર પાણી વહેવા લાગતા સીમર, સૈયદ રાજપરા જતો રોડ બંધ થઇ ગયો છે. જે આજે સવારે પાણી લેવલ ઘટી જતા રસ્તો ચાલુ થઇ ગયો છે.

(12:10 pm IST)