Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મનની શક્તિ અનંત છે, તેનાથી જ અશક્યને શક્ય બનાવી શકાય : પ્રકાશભાઈ વરમોરા

-અમદાવાદમાં SGVP ખાતે ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાનું મનની અનંત શક્તિ અંગે પ્રેરણાદાયી વક્તવ્ય યોજાયું: મનની શક્તિ સ્થિર હોય તો વિચારોમાં સ્ટેબિલિટી આવે, વિચારોની ફ્રીક્વન્સી સેટ થાય પછી કઈ અશક્ય નથી

મોરબી : ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તેમજ ભાજપ પ્રદેશ ઉદ્યોગ સેલના કન્વીનર પ્રકાશભાઈ વરમોરાએ સ્વામીનારાયણ ગુરુકૂલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP-અમદાવાદ) ખાતે આયોજિત કાર્યક્રમમાં મનની અનંત શક્તિ પર પોતાનું પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.
ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાએ વક્તવ્યમાં જણાવ્યુ હતું કે દુનિયામાં મોટું રિવોલ્યુશન લાવનારા લોકો પણ સામાન્ય જ હતા. તેમનાથી મહાન કાર્ય થયું, તેનું કારણ એટલું જ હતું કે તેમને કોઈએ મોટી દુનિયા બતાવી એટલે કે તેમને કઈ કરવાનું સપનું જોયું. તેમની સાથેના લોકોની એટલી વિચારશક્તિ નહતી, તો તેમની મર્યાદા સીમિત રહી. એવું પણ બન્યું હોય કે તેમનાથી પણ મહાન કાર્ય કોઈએ કર્યું હોય કારણ કે તેઓ તેટલું દૂરનું જોઈ શક્યા.
પોતાની દુનિયા શરીરથી, મનથી અને આત્માથી જોઈ શકાય છે. પશુ ચેતનાનું લેવલ નીચું હોવાથી તેને માત્ર ઘાસ એટલે કે ખાવાનું દેખાય. જયારે મનુષ્ય પાસે શરીર પણ છે, મન પણ છે અને આત્મા પણ છે. મનુષ્ય એક એવું તત્વ છે જે પશુ (સામાજિક પ્રાણી) પણ છે, મનુષ્ય પણ છે અને બ્રહ્મ પણ છે. આપણે એક શરીર છીએ, શરીરથી ઉપર મન અને મનથી ઉપર આત્મા છે. પૃથ્વીની ઉત્પતિ અમુક કરોડો વર્ષ પહેલા થયેલી છે, પરંતુ બ્રહ્માંડ તો અનંત વર્ષોથી છે. તો મનુષ્ય પણ બ્રહ્માંડ જેટલી અનંત શક્તિ કેળવી શકે છે.
મહાત્મા ગાંધી નાનપણમાં સામાન્ય માણસ હતા. કારણ કે ત્યારે તેની ચેતનાનું લેવલ નીચું હતું. આજુબાજુનું વાતાવરણ તેના પર અસર કરતુ હતું. એટલે તેમને માંસ ખાધેલું અને દારૂ પણ પીધેલો. લોકો ડરાવે તો તે ડરી જતા. ધીરે-ધીરે તેમને સાધના કરી અને ગુરુના સંપર્કમાં રહ્યા. તો એક ડરપોક માણસમાંથી તેઓ નિર્ભય વ્યક્તિ બન્યા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગાંધીજી સહિતના વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલની અંતરની શક્તિ જાગી અને મહાન વ્યક્તિ બન્યા. ધીરુભાઈ અંબાણી એ વિદેશની દુનિયા જોઈ અને ભારતમાં ઔદ્યોગિક વિકાસ કર્યો.
મનુષ્ય જે જુએ છે તેનાથી, આજુબાજુના વાતાવરણથી પ્રેરિત થતા હોઈ છે. ભૂતકાળમાં જન્મેલા મહાપુરુષો પણ તેના વિચારો રૂપે અત્યારે હયાત છે. અનંત ચેતના હયાત છે, એટલે તેનાથી કનેક્શન સાધી શકાય છે. મોબાઈલમાં ટુજી હોય, થ્રીજી હોય, ફોરજી હોય કે ફાઈવજી હોય, તે ઇન્સ્ટ્રુમેન્ટનો પૂરતો ઉપયોગ ન કરીએ અને માત્ર વાતચીત માટે ઉપયોગ કરીએ. તે રીતે આપણી ચેતનાને સીમિત રાખીએ તો કઈ ફાયદો થતો નથી.
મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચીને કન્કલુઝન એ નીકળ્યું કે ભાવ જગત મોટું છે. આ જગત ભાવથી ચાલે છે, ભાવ શુદ્ધિ થાય તો વિકાસ થાય, ભાવ શુદ્ધિ થાય તો વિચારોની મોટી તાદાદ ઊભી થાય, વિચારોમાં તાકાત આવે તો વાણીમાં પણ તાકાત આવે અને વાણીની તાકાત પછી વર્તનમાં સુધારો થઇ શકે.
ભાવ શુદ્ધિ માટે શું કરવું પડે? તે જણાવતા પ્રકાશભાઈ આગળ જણાવે છે કે ભાવ તો પ્લસ-માઇનસ થતો હોય, કોરોના કાળમાં લોકોનો ભાવ જાગી જાય કે હું કોઈને મદદ કરું. ત્યારબાદ સહાયની ભાવના ન હોય તેમ બને. ભૂકંપ આવે ત્યારે ઉદ્યોગપતિ પીડિતોની સહાય કરે, પછી સમયમાં પલટો આવે કે સહાય કરવા નીકળેલો ઉદ્યોગપતિ સબસીડી માંગવા નીકળે. 2001માં ભૂકંપ આવે તો જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી, હિન્દુ-મુસ્લિમ એકબીજાની મદદ કરવા લાગે અને 2002માં ભાવ બદલાય તો એવું પણ બને કે કાપાકાપી ઉપર આવી જાય. કારણ કે આ બધાનો આધાર માનવજાતના ભાવ ઉપર રહેલો છે. આમ મનની શક્તિ (ભાવ) સ્થિર હોય તો વિચારોમાં સ્ટેબિલિટી આવે, વિચારોની ફ્રીક્વન્સી સેટ થાય પછી કઈ અશક્ય નથી.
મનુષ્યનું ભાવજગત સ્થિર રહેતું નથી. આથી, સમૂહ કે સંઘનું નિર્માણ કરવામાં આવે છે. કારણ કે કોઈના મનમાં અસ્થિરતા આવે તો અન્ય લોકોની એનર્જીના સપોર્ટથી ગોલ પૂરો કરી શકાય છે. તેના માટે આધ્યાત્મિકતાનું લેવલ પણ ઉચ્ચ રાખવું જોઈએ. દુનિયામાં આવી પુષ્કળ ચિંતન બેઠકો થઈ છે. જેના એજન્ડામાં અનંતનો ભાવ કરવાના બદલે સ્વાર્થ પૂરો કરવા ખાતર એજન્ડા સીમિત રાખ્યો. જેથી, સર્વાંગી વિકાસ ન થઇ શક્યો.
1980માં ચીનમાં થોડા લોકો મળ્યા, ચીનને બેકારી-ગરીબીમાંથી બહાર લાવવાનું નક્કી કર્યું તો એ શક્ય બનાવ્યું. અંગ્રેજોએ ‘ડિવાઇડ એન્ડ રુલ’નો સિદ્ધાંત લાગુ કરી વર્ષો સુધી દુનિયા પર રાજ કર્યું. સિકંદર ગામડામાં જન્મેલો માણસ. તેના ગુરુ એ નક્કી કરી લીધું કે મારે આને એક વિશ્વ વિજેતા બનાવો છે. ગુરુએ સિકંદર અને તેમની ટીમને તૈયાર કરી. સિકંદરે 16 વર્ષે યુદ્ધ ચાલુ કર્યા અને 32 વર્ષે આખી પૃથ્વીનો પ્રદેશ જીતી લીધો. શંકરાચાર્ય, ચાણક્ય જેવા અનેક મહાન પુરુષોએ ધાર્યું તે કરી બતાવ્યું. કારણ કે જે આપણે ધારીએ તે કરી શકીએ છીએ. ગામડાનો વ્યક્તિ 3-4 માળની બિલ્ડીંગ જોતો હોય તો દુબઈની ઊંચી ઇમારતો વિષે સાંભળીને તે માની ન શકે કે આટલા ઊંચા બિલ્ડીંગ હોય, કારણ કે તે તેની કલ્પનામાં નથી. લોકો ઘણીવાર ક્રાંતિ સ્વીકારી શકતા ન હોય કારણ કે તેની ચેતનાનું લેવલ પશુ ચેતના જેટલું નીચું હોય છે.
આપણું કામ આપણી ચેતનાનું લેવલ વધારવાનું છે અને સામૂહિક ચેતનાનું લેવલ વધારવાનું છે. ઉબેર, મેકડોનાલ્ડ, એમ.આઈ. જેવી અનેક કંપનીઓએ પોતાની પાસે રહેલા રિસોર્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી વિકાસ સાધ્યો છે. એગ્રીકલ્ચર ની વાત કરીએ તો ઘણી બધી જમીનો વર્જિન પડી છે એટલે કે ખેડાણ કર્યા વગરની પડી છે. આજે પણ લોકો કેરી ખાધા પછી ગોટલાઓ કચરામાં જવા દે છે, તેનું ફાર્મિંગ થતું નથી. ત્યારે એવું કહી શકાય જે ક્યાંકને ક્યાંક ભારતમાં આપણે બધા ધંધાને ધર્મ સમજવામાં ઊણા ઉતર્યા છીએ.

(1:01 am IST)