Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જહાજ 'વિરાટ'ની સફર અલંગમાં પૂર્ણ : દેશભકત સૈનિક માફક આખરી સલામી

વિરાટ જહાજને વિદાય આપવા 'થેંકયુ વિરાટ' કાર્યક્રમ યોજાયો : મનસુખભાઇ માંડવીયા, વિભાવરીબેન દવે, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ઉપસ્થિતી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૮: 'આઇએનએસ વિરાટ'ની અંતિમ સફર ગુજરાતના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે પુરી થઈ. દેશસેવામાં ૩૦ વર્ષ સુધી અવિરત રહેલા વિરાટને આખરી સલામી અને સન્માન આપવા આજે એ 'થેંકયુ વિરાટ' નામે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજ્યમંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં આન બાન શાન સાથે દેશના સંરક્ષણ માટે એમણે આપેલી સેવાઓ બદલ દેશભકત સૈનિક માફક આખરી સલામી સાથે વિદાય અપાઈ છે.

'આઇએનએસ  વિરાટ' એ ભારતીય નૌકાદળનું સેન્ટેરિ-કલાસ એરક્રાફ્ટ કેરિયર હતું. 'આઇએનએસ વિરાટ' એ ૨૦૧૩માં 'આઇએનએસ વિક્રમાદિત્ય' નામે શરૂ થયું તે પહેલાં ભારતીય નૌકાદળનું મુખ્ય એરક્રાફ્ટ કેરિયર ૅહતું. આ જહાજને ૧૯૫૯માં રોયલ નેવીના 'એચએમએસ હર્મિસ' નામ અપાયું. ૧૯૮૭માં તે ભારતને વેચવામાં આવ્યું હતું. ભારતીય નેવીને ૧૨ મે,૧૯૮૭થી લગભગ ૩૦ વર્ષ સુધી સેવા આપી.

ફેબ્રુઆરી,૨૦૧૫માં, નૌસેનાએ જણાવ્યું હતું કે, વિરાટને પછીના વર્ષે નિવૃત કરવામાં આવશે. બ્રિટિશ નિર્મિત છેલ્લું વહાણ ભારતીય નૌસેના સાથે ફરજ બજાવતું હતું, તે વિશ્વની સૌથી જુનું વિમાનવાહક જહાજ હતું.

૨૩જુલાઈ, ૨૦૧૬ના રોજ, વિરાટ છેલ્લી વખત મુંબઇથી કોચીની મુસાફરી કરી. કોચીમાં ડ્રાય ડોક છે અને ડેમોશનિંગ માટે નક્કિ કરાયું. ૨૩ ઓકટોબરે તેને કોચીથી બહાર કાઢીને ૨૮ ઓકટોબરના રોજ મુંબઈ પરત આવ્યું. જયાં તેને સુરક્ષિત રખાયું હતું.

વિરાટને ઔપચારિક રીતે ૬,માર્ચ, ૨૦૧૭ ના રોજ નિવૃત કરવામાં આવ્યું હતું. તેને હોટલ અને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવાની યોજનાને સફળતા ના મળતા તેને ભંગારમાં વેચવામાં આવ્યું અને ઓકટોબર, ૨૦૨૦માં તેને ભાંગવાની શરૂઆત કરાશે.

આઈએનએસ વિરાટ પાસે વિશ્વની સૌથી લાંબી સેવા આપતા યુદ્ઘ જહાજ હોવાનો રેકોર્ડ છે કે જે પોતાના કાર્યની લાંબી મજલ કાપી ગુજરાતના ભાવનગર નજીક અલંગ કિનારે પહોંચ્યું છે.

એરક્રાફ્ટ કેરિયરે શનિવારે મુંબઇના નેવલ ડોકયાર્ડથી અંતિમ યાત્રા શરૂ કરી હતી અને સોમવારે બપોરે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે પહોચ્યું છે.

૧૯૮૭માં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલા આ યુદ્ઘ જહાજને શ્રી રામ ગ્રૂપે આ વર્ષ જુલાઇમાં હરરાજીમાં ૩૮.૫૪ કરોડમાં ખરીદી કરી હતી.

શ્રી રામ ગ્રૂપના અધ્યક્ષ મુકેશ પટેલે જણાવ્યું હતું કે, 'શિવ બ્રેકિંગ કોડ મુજબ ઔપચારિકતા કરવા સરકારી અધિકારીઓ વહાણમાં સવાર છે. બધી ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી, હવામાનની સ્થિતિ અને ભરતીને ધ્યાનમાં રાખીને 'થેંકયુ વિરાટ' કાર્યક્રમ યોજાયો હતો.

(2:55 pm IST)