Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જામનગરમાં કોન્ટ્રાકટરે એક સાથે ૬૦ સફાઇ કામદારોને છુટા કરી દેતા આત્મવિલોપનની ચિમકી

જામનગર,તા. ૨૮: જામનગરમા હાહાકાર મચાવી દે તેવુ કૃત્ય એક કોન્ટ્રાકટરે કરતા વાલ્મીકી સમાજના સફાઇ કામદારો ઉપર આભ તુટી પડ્યુ છે, અને ૬૦ કર્મચારીઓ એકી સાથે આત્મવિલોપન કરે તેવી દારૂણ અને કરૂણ સ્થિતિ સર્જાઇ છે કેમકે અઆ કોન્ટ્રાકટરે એક સાથે ૬૦ સફાઇ કામદારોના પેટ ઉપર પાટુ માર્યુ છે જો કે આ કોન્ટ્રાકટર પેઢીની આ સિવાયની પણ અમુક સંવેદનસીલ બાબતો અને ગઠબંધનની અન્ય વિગતો પણ જયા-જયા અને જે-જે કામ કરે છે કે અગાઉ કર્યા છે તે પણ ઘણી ચર્ચાસ્પદ અને ગંભીર હોવાનુ સુત્રો જણાવે છે.

એસ.પી.દીપન ભદ્રનનને જી આઈ ડી સી દરેડ ફેઝ ૨/૩ના તમામ સફાઈ કામદારોએ વલોવાતા હ્રદયે અરજી કરી છે કે કેશવ એન્ટરપ્રાઇઝ નામની પેઢી જેના માલીક અજીતભાઈ પટેલ છે તેને ૬૦ સફાઈ કર્મચારી કામદારોને એકા એક છૂટા કરી દીધા છે, કોન્ટ્રાકટ કંપનીના માલિક અજિત પટેલ છે તેનો સફાઇનો છેલ્લા ૫ વર્ષથી કોન્ટ્રાકટ ચલાવે છે, અને વાલ્મિકી સમાજના આશરે ૬૦ જેટલા મહિલા અને પુરુષ કામદારો તેમાં કામ કરે છે અને ગત તારીખ ૨૩ ના તમામ સફાઈ કામદારોને છુટા કરી દેવામાં આવ્યા છે જે ગેર વ્યાજબી ને ગેર બંધારણીય છે, આ ઉપરાંત સફાઈ કામદારો ને સમયસર પગાર પણ ચૂકવવામાં નથી આવતો અને લદ્યુતમ વેતન પણ કાયદા મુજબ પૂરું આપવામાં નથી આવતું,

સફાઈ કામદારો ને કોઈપણ પ્રકારના હક હિસ્સા કે પી.એફ. પણ કાપવામાં નથી આવતું વધુમાં પગાર પણ ગેરકાયદેસર રીતે ૧૫ દિવસે રોકડમાં માંડ માંડ આપવામાં આવે છે અને ઉપરથી એકાએક છુટા કરી દેવાતા આ નબળા વર્ગની રોજી રોટી છીનવાય ગઇ છે જેથી તેઓના પરિવાર માં આર્થીક અને રોજગારીની ગંભીર ખોટ પડેલ છે.

આ અરજીમા વધુમાં જણાવાયુ છે કે વાલ્મિકી સમાજ અને અનુસૂચિત સમાજના આ સફાઇ કર્મચારીઓ હોવાથી એકાએક છૂટા કરી એટ્રોસિટી એકટ નો ભંગ કરેલ છે માટે પરત કામે લેવામાં નહિ આવે તો કામદારો આંદોલન કરશે અને સામૂહિક આત્મવિલોપન કરવાની ફરજ પડશે તેમ દુખ સાથે જણાવ્યુ છે, આ અરજી યુનિયનમા તેમજ કલેકટરમા અપાઈ છે, અને મદદ માંગી છે કેમકે આ અતિ ગંભીર બાબત છે જેમા એક તો પાંચ વર્ષની નોકરી ને છતાય ધડ કરતા છુટા કર્યા વળી લેબર લો વગેરેના લદ્યુતમ વેતનના પ્રોવિડન્ટ ફંડના કર્મચારીના લાભ તેમજ સંપુર્ણ સુરક્ષા કીટ અને પ્રોટેકશન ડ્રેસ અને સાધનો પુરતા પ્રમાણમા પુરા ન પાડ્યા તે બાબતની અલગ તપાસ કરવા આસીસ્ટન્ટ કમીશનર લેબર તેમજ પી.એફ. કચેરી અને જીઆઇડીસીના લગત અધીકારી સહિત દરેક જગ્યાએથી અરજી કરી છે.

કેશવ એન્ટરપ્રાઇઝ જેના માલિક અજીત પટેલની આ તમામ ગેરકાયદેસરની બાબતો વર્ગની શોષણ કરવાની અનિતિ ભરી જોહુકમી હોઇ તેની તપાસ માંગવામા આવશે તેવુ લાગે છે, દરમ્યાન હાલ તો આત્મવિલોપન કરવાની અરજીના મામલાએ હાહાકાર મચાવ્યો છે.

(2:53 pm IST)