Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

નવા સ્મશાન બાંધકામ વિજ-ગેસ આધારીત સ્મશાન ભઠ્ઠી ઉપર ૧૮ ટકા જીએસટી નાબુદ કરવા જામનગર શ્રી મોક્ષ મંદિર સમિતિનું રજુઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮ :  શ્રી મોક્ષ મંદિર સમિતિનાં પ્રમુખ કનકસિંહ એમ. જાડેજા, ખજાનચી ગિરીશભાઇ વી. ગણાત્રા સહિતનાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને નવા સ્મશાનના બાંધકામ તેમજ વિજ અને ગેસ આધારીત સ્મશાન ભઠ્ઠી ઉપરના ૧૮ ટકા જીએસટી અંગે પુનઃ વિચારણા કરીને તે નાબુદ કરવા માંગણી કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે દેશમાં સ્મશાનનું સંચાલન સ્વૈચ્છીક સેવાભાવી સંસ્થાઓ હસ્તક છે. આવી માનતાવાદી સેવા કરતી સંસથાઓને આવકનો કોઇ અન્ય સ્ત્રોત હોતો નથી, અને અને સંસથાઓ સખાવતીઓ દ્વારા અપાતા દાન ઉપર નિર્ભર હોય છે.

આ પરિસ્થિતિમાં પર્યાવરણની જાળવણી માટે તેમજ પ્રદુષણ વધે નહીં તે માટેના સરકારના પ્રયાસોમાં સહયોગ આપવા લાકડાથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવાના બદલે વિજળી આધારિત અથવા ગેસ આધારિત ભઠ્ઠૃીઓનો ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ લોકોના દાનથી આવી ભઠ્ઠૃીઓ સ્થાપિત કરવા માટે મોટી અડચણ જીએસટીનો દર બની રહ્યો છે. દેશમાં ગેસ કે વિજળી આધારિત ફરનેશ ભઠ્ઠી સ્મશાનમાં ઉભી કરવા માટે કામ કરતી કંપનીઓ પેટીઓ પર આ માટે ૧૮ ટકા જેટલો ભારે જીએસટી દર લાદવામાં આવેલો છે. એ જ રીતે નવા સ્મશાન માટે બાંધકામ કરવા ઉપર પણ ૧૮ ટકા જેવો ભારે જીએસટી લાદવામાં આવેલો છે. સ્વાભાવિક રીતે જ આ ૧૮ ટકા જીએસટીનું ભારણ સ્મશાનનું સંચાલન કરતી સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓના માથે આવે છે. જેનો આંક લાખો રૂપિયા થાય છે.

માનવ મૃતદેહોની અત્યેષ્ટી માટે કામ કરતી સંસ્થાઓને ગેસ કે વિજ આધારિત નવા સ્મશાન નિર્માણ કરવા માટેના માનવતાના કાર્ય ઉપર લાદવામાં આવેલો ૧૮ ટકા જીએસટી દર કેન્દ્ર સરકાર નાબુદ કરે તો આ સ્વૈચ્છીક સંસ્થાઓને નવી ભઠ્ઠી બેસાડવા માટે પ્રોત્સાહન સાથે આર્થિક રાહત મળશે સાથોસાથે કેન્દ્ર સરકારનું આ પગલું માનવતા વાદી અભિગમ માટે દેશભરમાં આવકાર્ય બનશે. તેમ અંતમાં જણાવ્યું હતું.

(1:00 pm IST)