Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જસદણ શહેરમાં બેકાબુ બનેલા કોરોનાને અટકાવવો જરૂરી

જસદણના વહીવટી તંત્રની ગંભીરતાના અભાવને લીધે સંક્રમણ વધ્યુઃ નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૮ :.. જસદણ પંથક અને ખાસ કરી જસદણ શહેરમાં કોરોનાનો કહેર બેકાબુ બની ગયો છે. જસદણ શહેરમાં રોજે-રોજ કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે પણ જસદણ શહેરમાં રપ કેસો આવતા લોકોમાં ભય ફેલાય ગયો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માત્ર તંત્ર નહી પરંતુ જુદી-જુદી સંસ્થાઓએ આગળ આવવુ પડશે નહીતર જસદણમાં કોરોના બેકાબુ બની જશે. જો કે હાલ જસદણમાં વહીવટી તંત્ર ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

જસદણ શહેરમાં કોરોનાનો કહેર બેકાબુ બની દિન-પ્રતિદિન વધવા લાગ્યો છે ત્યારે એક વાત ચોકકસ છે કે જસદણ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાનાં કારણની સામે શહેરીજનો અને વહીવટી તંત્રની ગંભીરતાનો અભાવ સ્પષ્ટ પણે જોવામળી રહ્યો છે.

શહેરમાં કે પંથકમાં કોરોના અસરગ્રસ્તોનાં પરીવારજનો કાયદા અને નિયમોનો સરેઆમ ભંગ કરી કોરોન્ટાઇન કર્યા હોવા છતાં અમુક લોકો ઘરની બહાર નિશ્ચિત બની ટહેલતા જોવા મળે છે.

અનેક લોકો કે દુકેાને બેઠેલા દુકાનદારો પણ માસ્ક પહેરવામાં શરમ અનુભવતા હોય તેમ બિન્દાસ જોવા મળે છે જો કે તંત્ર દ્વારા માસ્ક ન પહેરવાનો દંડ ફટકારે તો આવા લોકો તંત્ર સામે હાકોટા પાડી તંત્રને બદનામ કરવાની તક જતી નથી કરતાં નિષ્ણાંતોના જણાવ્યા મુજબ લાપરવાહ શહેરીજનોનાં કારણે જ દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. અને આ બધુ વહીવટી તંત્ર આંખ બંધ  કરી જોઇ રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ અગાઉ કોરોનાનાં કેસ આવતા હતા ત્યાં પાલિકા દ્વારા ઘરની બહાર સાવચેતી માટે બોર્ડ લગાવવામાં આવતુ હતુ હાલ નથી બોર્ડ મારવામાં આવતુ કે નથી ઘરમાં સેનેટાઇઝર ન થતુ હોય તેમજ પોલીસ ખાતા દ્વારા પણ કડક કાર્યવાહી ન થતી હોય જાગૃત શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

હાલ જસદણ પંથકનો કોરોના કેસનો આંકડો છસ્સોની નજીક પહોંચવા આવ્યો છે તે વસ્તીની દ્રષ્ટીએ જોઇએ તો રાજકોટ કરતાં પણ વધારે છે. જસદણમાં આજ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં જસદણનાં શહેરીજનોની હાલત અત્યંત ગંભીર બને તે પહેલા જસદણનું વહીવટી તંત્રએ કડક વલણ અખત્યાર કરી લાપરવાડી દાખવનાર લોકો સામે લાલ આંખ કરવી જોઇએ તેવુ જસદણની જનતા ઇચ્છે છે.

હાલ જસદણમાં પ્રાંત અધિકારી ગલ્ચર, મામલતદાર ઝાલા, પી. આઇ. જોષી તેમજ ચીફ ઓફીસર ત્રિવેદી, તરવરીયા, નિડર અને બાહોશ ઓફીસર છે તેઓ સંકલન કરી અને શહેરની સંસ્થાઓને સાથે રાખી કડક કાર્યવાહી કરી જસદણમાં વધતુ જતું સંક્રમણ અટકાવે તેવી શહેરીજનોની માંગણી છે

(12:48 pm IST)